ઈશ્ર્વર પર ભરોસો

એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’

બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં. તેમણે રસ્તામાં એક વિશાળ નદી પસાર કરવાની હતી. તે બન્ને એક હોડીમાં બેસીને એ નદી પાર કરી રહ્યાં હતાં ત્યારે અચાનક તોફાન આવ્યું. હોડી હાલકડોલક થવા લાગી. એવું લાગતું હતું કે ગમે ત્યારે હોડી ઊંધી વળીને ડૂબી જશે. એ તોફાન વચ્ચે આસ્થાવાન યુવાન સ્વસ્થ બનીને બેસી રહ્યો, પણ તેની પત્ની થરથર કાંપવા લાગી.

યુવાને તેનો હાથ પકડીને કહ્યું કે ‘ડર નહીં, આ તોફાન હમણાં શાંત થઈ જશે.’ પત્નીએ કહ્યું, ‘તમને ડર નથી લાગતો?’

યુવાને કહ્યું, ‘ના, પરંતુ તું ડરી ગઈ છે એ હું જોઈ રહ્યો છું.’

અચાનક તે યુવાને પોતાની તલવાર ખેંચી કાઢી અને પત્નીના ગળા પર મૂકી દીધી. તેણે કહ્યું કે ‘તને આ તલવારનો ડર લાગે છે?’

પત્નીએ કહ્યું, ‘તલવાર બીજા કોઈએ મારા ગળા પર મૂકી હોય તો ડર લાગે. તમારા હાથમાં તલવાર છે એટલે ડરવાનું કોઈ કારણ નથી’.

યુવાને તલવાર હટાવતા કહ્યું, ‘બસ. એમ જ મને ભરોસો છે કે આ વાવાઝોડું ઈશ્ર્વરના હાથમાં છે. મેં તારા ગળા પર તલવાર મૂકી છતાં તને ડર ન લાગ્યો એ જ રીતે મને આ ઈશ્ર્વરસર્જિત વાવાઝોડાથી ડર નથી લાગતો. જ્યાં ભરોસો હોય ત્યાં ડરનું અસ્તિત્વ ન હોય! તને મારા પર ભરોસો છે એમ મને ઈશ્ર્વર પર ભરોસો છે. કોઈ પણ સ્થિતિમાં ઈશ્ર્વર પરની શ્રદ્ધા ન ગુમાવવી જોઈએ.’

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *