રંગોની ઉજવણી એટલે હોળી

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે હોળીને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાંની ‘હોળી’  પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે.  ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે.

પૌરાણિક કથા પ્રમાણે હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશ્યપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો હતો. તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું હતું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ તેણે હાહાકાર મચાવી દીધો હતો. તેણે ઇશ્ર્વરને પૂજવાનું બંધ કરાવી પોતાની પૂજા કરવાનો હુકમ આપ્યો હતો. હિરણ્યકશ્યપુનો પોતાનો પૂત્ર પ્રહલાદ,

ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્ર્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઈશ્ર્વરની કૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદેશથી હિરણ્યકશ્યપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળીને  ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *