પહેલા બેરોનેટ સર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ

નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં તા. 21-07-2018ના શનિવારે શાળાના સ્થાપક પહેલા બેરોનેટ સર જમશેદજી જીજીભોય (સર સાહેબ)ની 236મી જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આર જે. જે. હાઈસ્કુલના હોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ તરીકે નવસારીના જાણીતા સિનિયર હોમિયોપેથીક ડોકટર પલ્લવી ગાંધી હાજર રહ્યા હતા. શાળાના લોકલ કમીટીના ચેરમેન પરસી દોટીવાલા સાહેબ, લોકલ કમીટી મેમ્બર નોશીર સબાવાલા, નેવીલ દુત્યા તથા શાળાના ભગીની સંસ્થાના આચાર્ય અમીષ, દીપીકા તથા સર જે. જે. સ્કુલના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત બાળકોની સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્યા કડોદવાલાએ પુષ્પગુચ્છ તથા ભેટ દ્વારા અભિવાદન કર્યુ હતું. પ્રમુખ દ્વારા બાળકોને તેમના સર્વાગી વિકાસ માટે સરસ ભાષણ આપવામાં આવ્યું હતું તથા વાલીઓને બાળકોના ઘડતરમાં તેમને ગમતી પ્રવૃત્તિઓમાં રસ કેળવવા તથા તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. બાળકોને વર્તમાન પ્રશ્ર્નો જેમ કે પાણી બચાવો તથા પ્લાસ્ટિકના દુરૂપયોગ વિશે પણ સમજણ આપી હતી તથા પર્યાવરણ બચાવવાની સલાહ આપી હતી.
શાળાના ચેરમેન પરસી ડોટીવાલાએ નાનકડું પરંતુ સુંદર પ્રવચન આપ્યું હતું અને ઈનામને હકદાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. કમીટી મેમ્બર નોશીરે પણ સુંદર ભાષણ આપી સૌને બિરદાવ્યા હતા.
ત્યારબાદ નર્સરીથી ધોરણ 5 સુધીના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં તથા વર્ગમાં પ્રથમ, દ્વિતિય, તૃતીય તથા અન્ય પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા બાળકોને સર્ટીફિકેટ તથા રોકડ રકમથી નવાજવામાં આવ્યા હતા. બાળકો ઈનામ મેળવી ગૌરવ અનુભવતા હતા.
અંતમાં ધોરણ 4ના બાળકો દ્વારા સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો અને અંતે સૌ શિક્ષકો, બાળકો, મહેમાનો એ સાથે મળી રાષ્ટ્રગીત ગાઈ સમગ્ર કાર્યક્રમ પૂરો કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *