બેજનની બાનુ મનીજેહ

એક દિવસ પાદશાહ કેખુશરો ખુશીખુરમીની મિજલસમાં બેઠો હતો. એવામાં એક દરબાન આવી કહેવા લાગ્યો કે કેટલાક અમાનીય દરવાજા ઉપર આવ્યા છે અને તું પાદશાહને મળવા માંગે છે. શાહે તેઓને દરબારમાં બોલાવ્યા. તેઓ દાખલ થયા અને જારી અને મીનતજારી કરવા લાગ્યા અને રડીને અરજ કીધી, કે તેઓના મુલકમાં ભૂંડોનો ઉપદ્રવ ઘણો થયો છે, જે તેઓને પાયમાલ કરે છે, માટે તે ભૂંડોનો નાશ કરવાના કાંઈ ઉપાય લેવા. તેઓએ કરગરીને કહ્યુ,

જીવજે તું બહુ ઓ ફત્તેહમંદ શાહ!

જીવવાને લાયક તું જ જીંદગીની રાહ

શેહર છે અમારૂં અહીંથી બહુ દૂર

એક હાથ પર ઈરાન, બીજાપર તુર..

આ સાંભળી પાદશાહ કેખુસરોનું દીલ બહુ દુ:ખી થયું તેણે પોતાના દરબારીઓને પોકાર મારી કહ્યું કે ‘તમારામાંથી કોણ એ લોકોનું દુ:ખ ટાળશે? જે કોઈ એ કામ માથે ઉઠાવશે તેને હું જર જવાહેરથી નવાજીશ પછી એક ખજાનાનો ખુમચો રજૂ કરી અને સોનેરી લગામના 10 ઘોડાઓ શીંગાર સાથ તૈયાર કરાવી પોતાના દરબારીઓને પૂછુયું કે તમારામાંથી કોણ એવો છે કે જે મારી રંજને પોતાની રંજ ગણે અને એમ ગણી મારા ગંજને પોતાનો ગંજ કરવા માંગે? દરબારીઓમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં, પણ બેજન ઉઠી ઉભો થયો અને હરોળમાં આવ્યો અને કહેવા લાગ્યો કે ‘ઓ પાદશાહ તારે ખાતર મારૂં તન અને મારો જાન આપવા તૈયાર છું.’ ગેવે જ્યારે બેજનને અમા હામ ભીડતો જોયો, ત્યારે તેણે એ કામ તેને માટે મુશ્કેલ ધારી તેને વાળ્યો કે, ‘તું તારી જવાની ઉપર મગરૂર ના થા. એક જવાન, જો કે ગોહરથી દાના હોય, તો પણ તેને અનુભવની જરૂર છે. તે હજુ સારૂ માઠું જોયું નથી, માટે નહી જોયલે રસ્તે જવું સારૂં નથી. પોતાના બાપના એ સખુન સાંભળી બેજન ગુસ્સે થયો અને બાપને કહ્યું કે તું મારા ઉપર સુસ્તિનો શક ના રાખ. હું કામમાં જવાન છું પણ વિચારમાં ઘરડો છું. બેજનને અર્માનીઓના મુલ્કનો રસ્તો ખબર નથી, માટે તું એની સાથે રસ્તો દેખાડવા જા.’

બેજને તૈયારી કીધી અને સફરે નીકળ્યો અને રસ્તામાં શિકાર કરતો કરતો ભૂંડોના જંગલમાં આવી પહોચ્યો અને તેઓના નાશ કરવા લાગ્યો. તેણે ગુર્ગીને જવાબ આપ્યો કે ‘આપણેે પાદશાહ સાથ એમ ગોઠવણ કરી હતી નહીં. ગોહર અને સુનુ રૂપુ તો તે ઉઠાવ્યું હતું અને આ કામમાં કમર તો તે બાંધી હતી, માટે આ કામમાં મારી મદદ ના માંગ. મારૂં કામ તો ફકત જગ્યા દેખાડવાનું છે.’ જ્યારે બેજને એ સખુનો સાંભળ્યા, ત્યારે અજબ થયો અને પછી એકલો ભૂંડોને મારવા પડયો.

જ્યારે ગુર્ગીને એ જોયું, ત્યારે બહારથી બેજનપર આફ્રીન કીધી, પણ મનમાં દિલગીર થવા લાગ્યો. પોતે તેને મદદ નહીં કીધી હતી, તેની બદનામીથી તે ડરવા લાગ્યો. હવે તેને આહેરેમન ઘેર્યો, અને તેણે જવાન બેજનને એક ફાંદામાં ફસાવવાની કોશેશ કીધી. તેણે કહ્યું કે ‘અહીંથી બે દહાડાના રસ્તા પર તુરાનની સરહદપર એક ઘણી સુંદર ફુળફળાદી અને ખુશ આબોહવાની જગ્યા છે. ત્યાં ઘણી ખુબસુરત સ્ત્રીઓ રહે છે અને ત્યાં અફ્રાસીઆબની ખુબસુરત બેટી મનીજેહ પણ રહે છે.

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *