પ્રેમ એ આપવાની ચીજ છે!

ઈશુ ખ્રિસ્ત એક વખત યાત્રાએ નીકળ્યા હતા. સાથે કેટલાક અનુયાયીઓ હતા. જ્ઞાનની અને ભગવાનની વાતો કરતાં કરતાં આગળ વધતા હતા.
એવામાં એક અનુયાયીએ પૂછ્યું, ‘પ્રભુ! તમે તમારા લગભગ દરેક પ્રવચનમાં વારંવાર કહો છો કે પ્રેમ કરો. પાડોશીને પણ પ્રેમ કરો. દુશ્મનોને પણ પ્રેમ આપો.’
‘સાચી વાત છે, પ્રેમથી પ્રેમ વધે છે.’ ‘તમારી એ આજ્ઞા માથે ચઢાવી મેં લોકોને ખૂબ પ્રેમ કરવા માંડ્યો. મારા તરફ જેણે પથ્થર નાખ્યા તેને પણ મેં પ્રેમ આપવાની કોશિશ કરી.
મને જેણે ધૂત્કારી કાઢયો તેને પણ મેં પ્રેમથી વારંવાર આવકાર્યો પણ તમે કહો છો એનાથી વિરુદ્ધ જ બનતું જાય છે, મેં જેને જેને પ્રેમ આપવાની કોશિશ કરી તેમણે મને જરા પણ પરત ન કર્યો. મારી ક્યાં ભૂલ થઇ હશે?’
અનુયાયીનો પ્રશ્ર્ન સાંભળી ઇશુ ખ્રિસ્ત મૌન રહ્યા.
આગળ ને આગળ ચાલવા લાગ્યા, યાત્રા આગળ વધવા લાગી. પેલો અનુયાયી પણ તેમની પાછળ ને પાછળ જતો હતો.
પંથ બહુ લાંબો હતો. સૂર્ય માથે તપતો હતો. ઉનાળાના સમયને લીધે સૌને તરસ પણ ખૂબ લાગી હતી. પાણી મળે તો તૃષા છિપાવવા બધા તત્પર હતા.
એવામાં થોડે દૂર એક કૂવો દેખાયો. ઇશુ ખ્રિસ્ત સૌ અનુયાયીઓને લઇ એ તરફ ગયા. જોયું તો કૂવો પાણીથી ભરેલો હતો. પણ પાણી કાઢવું કેવી રીતે? એમની પાસે એક કંતાનની ડોલ હતી. એક દોરડું બાંધી શિષ્યે કૂવામાં નાખી અને પાણી ભરી ઉપર ખેંચવા લાગ્યો. પરંતુ ડોલ જ્યારે ઉપર આવી ત્યારે એ લગભગ ખાલી હતી. કારણ એ કંતાનની ડોલમાં ઠેકઠેકાણે છિદ્રો હતાં. ડોલમાં ભરાયેલું એ પાણી છિદ્રો વાટે બહાર નીકળી જતું હતું.
ઇશુ ખ્રિસ્તે પેલા અનુયાયી તરફ જોયું. પ્રેમાળ હસ્ત પ્રસારતાં તેમણે કહ્યું,‘ભાઇ! આપણું મન પણ આવા છિદ્રોવાળું છે. જેમ આ છિદ્રોવાળી ડોલમાં પાણી રહેતું નથી તેમ આપણું મન પણ અનેક છિદ્રોથી ભરેલું છે. એના વાટે આપણો પ્રેમ પણ વહી જાય છે પછી આપણે બીજાને પ્રેમ ક્યાં આપી શકીએ?’
પેલા અનુયાયીના મનમાં વાત બરાબર બેસી ગઇ.
ઇશુ ખ્રિસ્તે આગળ કહ્યું, ‘સૌ પ્રથમ આપણે આપણા મનનાં છિદ્રો પૂરી નાખવા જોઇએ. પછી એ છિદ્રો વિહીન ડોલમાં પ્રેમ ભરો અને પાછું મેળવવાની અપેક્ષા ન રાખો, પછી જુઓ કે તમને પ્રેમ મળે છે કે નહીં?
ભાઇ, પ્રેમ માગ્યો કંઇ મળતો નથી, એ તો આપવાની ચીજ છે.’
પેલો અનુયાયી ભક્તિભાવથી ઇશુ ખ્રિસ્તને જોઇ રહ્યો.
‘સંસ્કારી સંતકથાઓ’માંથી સાભાર

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *