ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદાએ પહેલા તો એમ ધાર્યુ કે તે હેલકરી થોભ્યો તે દમ લેવા થોભ્યો છે પણ જ્યારે તેણીએ જોયું કે તે તો ત્યાંથી સસરતો જ નથી ત્યારે તેણીએ તેને પુછયું કે ‘તું જતો કેમ નથી? તને તારી મજુરીને પુરતું દામ મળ્યું છે કે નહીં’ તે હેલકરીએ જવાબ આપ્યો કે ‘હું કાઈ તે કારણસર થોભ્યો નથી પણ મારી મહેનતનું દામ મને પુરતી રીતે મળી ચુકયું છે. હું સારી પેઠે જાણું છું કે જે જ્યાં મારે ઉભું રહેવાનું કામ નથી તે જગ્યા પર ઝાઝો વાર ઉભો રહીને બેઅદબી બતાવું છું પણ આ છૂટ લઈ કહું છું તે માફ કરજો. કે તમો ત્રણ બાનુઓ જેની ખુબસુરતીની કદી પણ બરોબરી કરી શકાય નહીં એવી છે. તમારા ઘરમાં એક પણ મરદ દિઠામાં આવતો નથી. તેથી મને ઘણી તાજુબી લાગે છે. સુંદર સ્ત્રીની મંડળીમાં મરદ તે જેવી સુસ્ત લાગે તેવીજ સુસ્ત જે મરદોની મંડળીમાં ઓરતો નહીં હોય તે મંડળી લાગે.’ એ તેની દલીલની સાથે બીજી તેને કહેવતો કહી સંભળાવી. તેણે કહ્યું કે બગદાદા શહેરમાં એક કહેવત છે કે જે ‘ટેબલ ઉપર ચાર શખસો ન હોય ત્યાં કંઈ પણ મજાહ પડે નહીં.’ તેમ ત્રણ બાનુઓની સાથે જ્યાં સુધી ચોથો શખસ હોય નહીં ત્યાં સુધી તમારી મંડલી મજાહ ભરેલી લાગે નહીં.’
તે હેલકરીની વિચારશક્તિને માટે તેઓ ઘણુંજ હસ્યા તો પણ ઝોબીદાએ તેને ગંભીરાઈથી કહ્યું કે ‘મારા ભાઈ! તું જે મજાક કરે છે તેમાં તું તારી હદની બહાર ગયેલો દિસે છે; અને જો કે તારા બોલવા વિશેનો મારી તરફથી તને કાંઈ પણ ખોલાસો ઘટતો નથી તો પણ હું તને કહું છું કે અમો ત્રણ બહેનો છીએ અને અમો અમારો વહિવટ એટલી તો છુપી રીતે ચલાવીએ છીએ કે તે વિશે કોઈને કાંઈ પણ ખબર પડતી નથી, અમારા ભેદની વાત બહાર પડે એજ અમારી મોટી ધાસ્તી છે. તેથી અમો અમારી ગોંઠવણ બહાર પાડતાં નથી. વળી એક નામીચો ગ્રંથ અમોએ વાંચ્યો છે તેમાં તે લખે છે કે ‘તમારા ભેદની વાત તમારી પાસે જ રાખજો અને તે કોઈને કહેતા ના કારણ કે જે શખસ છૂપી વાતને જાહેર કરે તે તેનો ધણી નથી. તારી છુપી વાત જો તું તારા હૈયામાં છુપી રાખી શકે નહીં તો જે શખસને તું તારા ભેદની વાત કહેશે તે શખસ તે કેમ છુપી રાખી શકશે.’
તે મજુર બોલ્યો ‘ઓ નામદાર બાનુઓ! તમારા દેખાવ પરથી હું પામી ગયો હતો કે તમો અચરત સરખા ગુણો ધરાવનારા છો અને હાલ હું જોવું છું કે મેં જે તકે બાંધ્યો તે ખોટો નથી. મારા માઠા ભાગ્યે જો કે મે હેલકરીનો ધંધો મે અખત્યાર કીધો છે તો પણ એલમોની કેતાબો મેં પણ વાંચી છે. અને મારા જ્ઞાનમાં વધારો કીધો છે. એક બીજા ગ્રંથમાં આ બાબતમાં જે મેં લખ્યું છે તે હું તમને કહેવાની રજા માંગુ છું. તે કહેવતે મે ઘણીકવાર સારી રીતે વાપરી છે.
(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *