એક જાસૂસી મિશન

થોડા દિવસ પહેલા ફેસબુક પર એક રિકવેસ્ટ આવી, આ કોઈ છોકરીની રિકવેસ્ટ હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યો મારા ફ્રેન્ડ લીસ્ટમાં એવું કોઈ હતું નહીં  અને તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ નહીં, આથી મારા મગજનો ઉપયોગ કરીને વિચાર્યું કે ક્યાંક આ ફેક પ્રોફાઈલ તો નથી ને?

પછી વિચાર્યું કે ના ફેક નહીં હોય, હોઈ શકે કે ફેસબુકે આ નવા વપરાશકર્તાને મારી સાથે મિત્રતા કરવાનું સજેશન આપ્યું હોય. કારણ કે ફેસબુકમાં નવા પ્રોફાઇલ બનાવ્યા પછી ફેસબુક દ્વારા ઘણા સજેશન આવે છે.

અને જોયું તો પ્રોફાઈલ ફોટો હતો જ નહીં, આથી મેં અંદાજો લગાવ્યો કે કદાચ ફેસબુક પર નવી હશે? અને તેને ફોટો અપલોડ કરતાં ન આવડતો હોય અથવા તે પછી ફોટો અપલોડ કરવામાં સંકોચ પણ અનુભવતી હોય.

છતાં, મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.

થોડીવાર પછી સૌથી પહેલા તેના તરફથી મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું ધન્યવાદ. પછી તો હું જે પણ કાંઈ સ્ટેટસ કે ફોટા મૂકું તેમાં લાઈક અને કોમેન્ટ આવવાના શરૂ થઈ ગયા.

અને હું પણ આ મારા નવા કદરદાન ને પામીને ખુશ થઈ ગયો.

ધીમે ધીમે બધું આગળ વધતું ગયું અને હવે મારી પર્સનલ લાઈફ વિશેની કમેન્ટ પણ આવવા લાગી.

મને શું ગમે છે નથી ગમતું એ પણ પૂછવા લાગી, હવે તે થોડી રોમાંટિક શાયરી પણ પોસ્ટ કરવા લાગી હતી. અને એક દિવસ તો હદ થઈ ગઈ, તેને પૂછ્યું શું તમે પોતાની પત્નીને પ્રેમ કરો છો?

મેં ઝડપથી કહી દીધું હા ખૂબ જ.

તે ચૂપ થઈ ગઈ, અને ઓફલાઇન ચાલી ગઈ.

બીજા દિવસે પાછો મેસેજ આવ્યો શું તમારી મેડમ સુંદર છે?

એટલે મેં પાછો જવાબ આપ્યો હા ખૂબ જ સુંદર છે.

ફરી પાછી ઓનલાઈનમાંથી ઓફલાઈન જતી રહી અને બીજા દિવસે પાછો મેસેજ આવ્યો કે તમારી પત્નીને સારૂં ખાવાનું બનાવતા આવડે છે?

મેં કહી દીધું કે તેને ખુબ જ સ્વાદિષ્ટ ખાવાનું બનાવતા આવડે છે.

પછી થોડા દિવસ સુધી તે ઓફલાઈન જ રહી અને એક પણ મેસેજ પણ ન આવ્યો, અચાનક ગઈ કાલે સવારે એને મેસેજ બોક્સમાં લખ્યું કે હું તમારા શહેરમાં આવી છું. શું તમે મને મળવા માંગશો?

મેં કીધું હા જરૂરથી.

તો ઠીક છે તમે અહીં સિનેમા બાગ પાસે આવી જાઓ, ત્યાં મળી પણ લઈશું અને સાથે એક ફિલ્મ પણ જોઈશુ.

આથી મેં કહ્યું ‘નહીં, મેડમ તમે મારા ઘરે આવી જાઓ. મારી પત્ની અને બાળકો તમને મળીને ખૂબ જ ખુશ થશે. અને મારી પત્નીના હાથનું ખાવાનું પણ તમને નસીબ થશે.’

તો તેણે તરત મેસેજ કર્યો, ‘નહીં હું તમારી મેડમ સામે નહીં આવું. તમારે મળવું હોય તો આવી જાઓ.

મેં તેને મારા ઘરે બોલાવવાની કોશિશ કરી પણ તે માની જ નહીં, તે પોતાની જગ્યાની જીદ પર કાયમ હતી.

અને હું મારી જીદ ઉપર કાયમ હતો કે તમારે મળવું હોય તો મારા ઘરે આવો.

આખરે તે અસ્વસ્થ થઈ ગઈ અને બોલી ઉઠી કે ઠીક છે હું પાછી જઈ રહી છું, તમે ડરપોક છો પોતાના ઘર પર જ બેસી રહો.

મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને સાર્વજનિક સ્થળ ઉપર મળવાના ખતરા વિશે પણ જણાવ્યું પણ તે ટસની મસ ન થઈ.

આખરે હારી ને મેં પણ કહી દીધું કે મારી સાથે મળવું હોય તો મારા પરિવાર વાળાઓની સામે મળો, નહીં તો તમારા ઘરે જાવ.

તે ઓફલાઈન થઈ ગઈ, અને મેસેજ પણ આવ્યા નહીં. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો હતો ડાઈનીંગ ટેબલ ઉપર ખુબ જ સરસ સુગંધ આવી રહી હતી, મને આભાસ થઈ ગયો કે આજે કંઇક સ્પેશિયલ ડિનર લાગે છે.

મેં પત્નીને પૂછ્યું ‘કે કેમ આજે આટલું બધું ખાવાનું બનાવ્યું છે, કોઈ ઘરે આવી રહ્યું છે ખાવા માટે?’

તેને કહ્યું ‘હા એક છોકરી છે દીપા વર્મા કરીને. તે આવી રહી છે.’

‘મેં કીધું શું? એ તને ક્યાં મળી, તું એને કઈ રીતે જાણે છે?’

અરે ધીમે, ધીમે પ્રશ્ર્ન પૂછો એ બીજું કોઈ નહીં હું જ હતી

તમે મારા જાસૂસી મિશન દરમિયાન પરીક્ષામાં પાસ થયા છો આવો મારા સાચા હમસફર, ખાવાનું ઠંડુ થઈ રહ્યું છે. પેલા ડિનર પતાવી લઈએ?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *