માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે

એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.
આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું.
પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું.
થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી.
પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું.
બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી.
પછીના બે-ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે, પણ કોઈને ખબર ન પડી. થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા.
બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયૂનિયન કાર્યક્રમ હતો. એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી, હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતોના પ્રોફેસર પાસે ગયો. તેણે પ્રોફેસરને કહ્યું, મારા જીવન પર તમારૂં ઋણ છે. આજે હું જીવું છું તો તે તમારા જ કારણે.
પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું, સર, એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા. એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી, પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું. તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી.
પ્રોફેસરે કહ્યું, હું નહોતો જાણતો કે ઘડિયાળ તેં લીધી હતી. મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું નહોતો ઇચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે. જેથી તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય.
આ સાંભળીને તે છોકરો નતમસ્તક થઈ ગયો.
કોઈની ભૂલ ખબર પડવા પર તેનું અપમાન કરવું, નિંદા કરવી અને સજા આપવી સામાન્ય વાત છે, પરંતુ તેની ભૂલ માફ કરીને તેનું આત્મસન્માન બચાવવાની તક આપવી મહાનતા છે.
મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *