માતા પિતાનું સન્માન કરો!!

ખૂબ જ હોંશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારનાં સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતાં. એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે?
દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પણ આવી જાય! નવાઈ નહીં. બાપ તો આ સાંભળીને, ખૂબ જ ખુશ થયો થોડી વાર પછી એ યુવકે, ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણાં શો રૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો?
બાપે હા પાડી. એનાં માટે તો, આવી કારની ખરીદી એ રમત વાત હતી. પેલો યુવક તો ખૂબ રાજી રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એનાં માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. રોજ કોલેજથી આવતાં જતાં એ પેલા શો-રૂમ પાસે ઊભો રહીને હોન્ડા-સ્પોર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો. થોડાં દિવસોમાં જ આ કારનાં સ્ટિયરિંગ ઉપર પોતાની આંગળીઓ ફરતી હશે, એ વિચારમાત્ર જ એને રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબજ સરસ રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે, એવી જાણ થતાં જ એણે કોલેજ ઉપરથી જ પોતાનાં પિતાને ફોન કરી દીધો અને પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી.
જેવો એ ઘરે પહોંચ્યો કે તુરંત કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે, તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે, શેઠ સાહેબ એમનાં રૂમમાં એના આવવાની જ રાહ જુએ છે.
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. પિતાજી જાણે એનાં આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એનાં આવતાં જ તેમણે ઊભાં થઈને પુત્રને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવાં છતાં, બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવા વાળાં દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા આમ જ આગળ વધતો રહે એવાં મારાં આશીર્વાદ છે. આ લે તારાં માટે મારાં તરફથી ઉત્તમ ભેટ !
એટલું કહી બોક્સ દીકરાનાં હાથમાં આપી તેઓ પોતાનાં કામે જવાં નીકળી ગયાં. પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકાં પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ થોડીવાર એની સામે જ જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવાં છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં પણ બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડો હાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો, એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોંતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, પૂજ્ય પિતાજી, સ્પોર્ટસ કારને બદલે રામાયણ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે, એમ માનું છું. પણ મારે સ્પોર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ, હવે તમને મોં બતાવીશ. એ જ પ્રણામ. ચિઠ્ઠી રામાયણના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી, એણે લગ્ન પણ કરી લીધાં, વચ્ચે વચ્ચે એને પોતાનાં પ્રેમાળ પિતા યાદ આવી જતાં. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો પણ એને તરત જ દેખાતો, માતાના મૃત્યુ પછી પોતે આટલાં વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માંગી અને અઢળક પૈસો હોવાં છતાં એના પિતાએ કારને બદલે ફિલોસોફી ઝાડવા ફકત રામાયણ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ!! એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણાં વૃદ્ધ પણ થઈ ગયાં હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે આવાં નાના અને વાહિયાત કારણ માટે, આપણે આટલાં બધાં ગુસ્સે થયાં હતાં?
આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાનાં ઘરનો નંબર ઘુમાવ્યો સામાં છેડેથી જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે એનાં ધબકારા ખૂબ જ વધી ગયાં હતાં. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે હેલો કહ્યું!
પણ એને નિરાશા સાંપડી. સામાં છેડે એનાં પિતાજી નહોતાં પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે, શેઠ સાહેબતો અઠવાડિયાં પહેલાં જ અવસાન પામ્યાં. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં, એટલે તમને જાણ શી રીતે કરી શકાય? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતાં હતાં. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવાં બોલાવી લેવા. એટલે તમે આવી જાવ!
પેલાં યુવક ઉપર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એનાં હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછાં જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પોતાનાં પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભાં રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ એ જ રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એનાં પિતાએ લખ્યું હતું: હે ભગવાન! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે. એ યુવકને આજે પોતાનાં પિતાએ લખેલ આ શબ્દો રામાયણનાં શબ્દો જેટલાં જ મહાન લાગ્યાં.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું. એજ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પોર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શો-રૂમનું બિલ હતું. એના ઉપર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની…..!
કંઈ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાનાં પિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું? કારણ એક જ કે, આપણી ધારણાં પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું. બસ એટલું જ!

Similar Posts

  • Mehernosh Receives Best Outstanding Athlete Award

    Mumbai based Mehernosh Bamboat was recently felicitated as the ‘Best Outstanding Athlete’ by Central PF Commissioner, VP Joy, in Bhopal on 30th November, 2017. Honoured for representing India at the International Athletics Championship, held in China in September this year, Mehernosh was also recognised for securing a Gold in 100m and 400m run at the…

  • વડોદરાના ઉમરીગર આદરિયાનની 19મી સાલગ્રેહની ઉજવણી

    22મી માર્ચ, 2023 (રોજ આદર, માહ આવાં) એ વડોદરાના ફતેહગંજ ખાતે સ્થિત ઉમરીગર આદરિયાનની 19મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. પારસી પંચાયત ચેરીટેબલ ફંડ વડોદરા દ્વારા આયોજિત ઉજવણી સમારોહમાં ઈરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી – ખુરશેદજી કેકોબાદ દસ્તુર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમુદાયના ઘણા સભ્યોએ હાજરી આપી હતી. આદરિયાન ખાતે સાંજે માચી અર્પણ…

  • ઝેડએજીએનો વાર્ષિક દિવસ

    16મી એપ્રિલ, 2023ના રોજ, ઉશ્તા-તે ફાઉન્ડેશનના જરથોસ્તી અવેરનેસ ગ્રુપ ઓફ અમદાવાદ (ઝેડએજીએ) એ ગુજરાતમાં અમદાવાદ સેનેટોરિયમના લાલકાકા હોલમાં ઝેડએજીએ જેસ્ટ શીર્ષક હેઠળના તેના વાર્ષિક ડે ફંક્શન 2022-23નું આયોજન કર્યું હતું. મુખ્ય અતિથિ – બ્રિગેડ. જહાંગીર અંકલેસરિયા (નિવૃત્ત), પ્રમુખ, અમદાવાદ પારસી પંચાયત (એપીપી), મહેર મેદોરા સાથે – સ્થાપક ટ્રસ્ટી, ઝેડએજીએ, અને વરિષ્ઠ ટ્રસ્ટી – શિરીન કાંગા…

  • શિયાળામાં સૂંઠનું સેવન

    સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની…

  • Caption This – 11th February

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 15th February 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • જીવનની પ્રેરણા આશા!!

    આશા એ આપણા બધા જીવનની પ્રેરણા છે, તે જીવવાનો આધાર છે. જો આ આશા સમાપ્ત થાય છે, તો પછી જીવવાનો હેતુ પણ દેખાતો નથી. જો કે વ્યક્તિના મગજમાં વિવિધ પ્રકારની આશા છે, માત્ર સકારાત્મક આશા તેના જીવનને સુંદર બનાવે છે, તેને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તેના મનને ઉત્સાહથી ભરે છે. જો વ્યક્તિનું…