શિરીન

એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી.

થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું.

‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’

‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’

અને પછી શિરીન વોર્ડને પોતાનાં વહાલા આગળ પહેલાથી તે છેલ્લા સુધીનો પોતાના ભાઈ માટેનો બધોજ ખુલાસો કરી નાખ્યો, કે ફિરોઝ ફ્રેઝરે ખરાં જિગરથી ત્યારે પસ્તાવો કરી કહી સંભળાવ્યું,

‘શિરીન, મારી ડાર્લિંગ મેં કેટલી ખરાબ રીતે તુંને ઈન્સ્લટ કરી તારી લાગણીઓ દુખવી તે માટે ખરેજ હું ઘણો દલગીર છું, પણ તેનો બદલો હું તુંને તારા ભઈને મદદ કરી વાલી આપશ.’

ને એ સાંભળતાંજ તે બાળા એકદમ હરખમાં આવી જઈ તે જવાનના હાથો તેણીએ આભારની લાગણી સાથે પકડી લીધા. ‘ખરેખર ફિલ, તમો મને હેલ્પ કરશો?’ ‘હા ડાર્લિંગ, ને મને પોલીસ કમીશનર સાથ સારૂં હોવાથી હું સઘળી વિગત તેને જણાવી તારા ભઈ સામે પકડવાનું વોરન્ટ જે નીકળ્યુંછ તે પાછું ખેંચી લેવશ.’

‘ઓ ફિલ, ફિલ થેંકયું સો મચ.’

પણ પછી તે મુખડો ફરી પાછો કરમઈ ગયો કે ફિરોઝ ફ્રેઝરે ખરી લાગણીથી પૂછી લીધું.

‘શું છે શિરીન?’

‘ફિલ, મારૂં કરજ તો તમો આગળ વધતું જ જાયછ ને કયારે તે હું ભરપાઈ કરી શકશ?’

‘કંઈ નહીં શિરીન, તુંને જિંદગી ભરની મારી કમ્પેનિયન, ને મારા બચ્ચાંઓની મમ્મી બનાવીને તે કરજ હું પૈએ પૈ વસુલ કરી લેવશ.’

એમ કહી તે જવાને તેણીને પોતાના જોરાવર હાથોમાં પકડી લઈ, તે ચેરીઝ જેવા હોથો પર પોતાનાં દાબી દઈ, નીખાલેશ જિગીરથી એક પ્રેમભરી કીસ અર્પણ કરી દીધી કે શિરીન વોર્ડને ઘણે વખતે ફરી સ્વર્ગનું જ સુખ અનુભવી લીધું. ફિરોઝ ફ્રેઝર અને મોલી કામાનાં તૂટી ગયેલા એન્ગેજમેન્ટની વાતો આગ પેઠે તે આખા શહેરમાં ફેલાઈ ગઈ ને ત્યારે પરવારતાં લોકો કંઈ કંઈ તેઓનાં મત આપી રહ્યા અને ઘણાંકોએ તો ઝરી જુહાકને જ બદનામ કરી દીધાં કે તેઓનાં સ્વભાવને જ લીધે મોલી કામાએ અંતે તે કાજ તોડી નાખ્યું.

પણ જ્યારે ખુદ ઝરી જુહાકે તે વાત સાંભળી કે તેવણ પોતાનાં દીકરા આગળ બખાળી ઉઠયાં.

‘વાત લાવી તે જો, મારી કમ્પેનિયન કાઢવા આવી. મુવું પાપ પટયું. એ તો ખોદાયજીએ ઘી પુરીયું ને બાપ દાદાનાં પુન આડે આયા હશે તે છોકરા તું બચી જવા પામ્યો. હવેની ઉંચકી લાવે તો સત્તર વખત વિચાર કરીને પછી લાવજે, સમજ્યો?’

તે જવાને ત્યારે એક ઝડપી નજર પાસે ઉભેલી શિરીન તરફ ફેંકી મજાકથી સંભળાવી દીધું. ‘મંમા, હવેની તમારી વહુ હું તમારી જ પસંદગીની લાવસ.’

‘હવે કેવો ઠેકાણે આવી ગયો. મુંઈ કહેતી છે કે વાળેલાં નહીં વરે પણ હારેલાં વળે. આય શિરીન સાથ પરણતાં તું ને નખરાં સુજ્યા ને વાઈલ જેવી પેલીને ઉંચકી લાયો.’

‘વારૂં મંમા, તમોને શિરીન ગમેછ તો હવે એની સાથેજ પરણશ.’

એ સાંભળતાજ તે સુંદરીનો મુખડો હદથી જ્યાદા રાતો બની ગયો, ને તેટલાં ઝરી જુહાકે તેણીને પોતા પાસ બોલાવી ઉભી રાખી.

‘અહીંયા આવ પોરી, આંય દુકતા સાથ પરણવા તું કબુલ છે?’

‘વરી તારીબી કંઈ શરત બાકી છે શું, છોકરી?’

‘એટલીજ શરત કે જી તમો હમેશ હમારી સાથેજ રહી, આ કાસલમાં મોટાં શેઠાણી તરીકે રાજ કરો તોજ હું પરણું.’

એ સાંભળતા જ ઝરી જુહાકનો ચહેરો ખુશાલીથી પ્રગટી નીકળી તેઓની છાતી મગરૂરી સાથ ગજગજ ખીલી ઉઠી. અંતે તેવણે પોતાનાં બેટા સામુ જોઈ કહી સંભળાવ્યું. ‘લે સમજ છોકરા, એ બિચારાઓનો પૈસો ગયો, ઘેર બારવેચાઈ ગયા, પણ તે છતાં ખાનદાનનું ખમીર કેવું તકી રહ્યુંછ, ને હવે લગન કયારે કરવા માંગેછ?’ ‘મંમા, શિરીનનો વિચાર એના પપ્પાની વરસી વિતા કરવાનો છે.’

ને એ વિચાર તો ઝરી જુહાકને ઘણોજ પસંદ આવી ગયો કે તેવણે પણ પોતાનું મત ઝટ આપી દીધું.

‘હા બરાબર છે, મોતને તો માન આપવું જ જોઈએ. લગન વિહાના તો પછીનાં ઘણાં દિવસો આવ્યા કરશે પણ બીચારીનો બાપ કહાં પાછો આવનાર છે?’

(વધુ આવતા અંકે)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *