અનંતની સફરે…

હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’

‘હા મા, આવી ગયો’

‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’

રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’

‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’

‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’

‘એટલે શું? જીતુ હવે કયારે જોઈ નહીં શકશે?’

‘જોઈ શકશે પણ જ્યારે કોઈ મરણ પામેલી વ્યક્તિ પોતાની આંખ ડોનેટ કરે તો. એને માટે ટ્રાય ચાલુ છે. હું ડબલ જોબ કરૂં છું એટલે સવારથી સાંજ સુધી એકલા પડી જાય છે. તેથી હું એમને માટે સારી કેરટેકરની શોધમાં પણ છું.’

તું એને માટે ચિંતા નહીં કર તારી બહેનને હું લંડન મોકલવાની કોશિશ કરૂં છું. અત્યારે આવા સમયે બહેન જ બહેનના કામમાં આવે બેટા.

અને થોડાજ સમયમાં રશ્મિની બહેન શ્ર્વેતા લંડન પહોંચી ગઈ અને રશ્મિની ચિંતા ઓછી થઈ ગઈ. ઓછામાં ઓછા સમયે એણે ઘરનું બધુંજ કામ સંભાળી લીધું સાથે જીતેન્દ્રના કામો પણ એણે જાણી લીધા બે વર્ષ પછી બન્ને બહેનો મળી પણ એમની પાસે વાતો કરવાનો સમય ખૂબ ઓછો મળતો કારણ રશ્મિ જોબ પરથી આવે ત્યારે તે ખૂબ થાકેલી હોય ફકત જમતા સમયે થોડી ઘણી વાતો થતી હોય. પતિ-પત્ની પરદેશમાં બન્ને નોકરી કરે ત્યારે જ સારી રીતે રહી શકાય પણ આંખને કારણે જીતેન્દ્રએ નોકરી છોડવી પડી અને બન્નેએ જેટલું સંઘરેલું તે પણ જીતેન્દ્રના ઈલાજમાં ખાલી કરવું પડેલું એટલે રશ્મિએ ડબલ જોબ કર્યે જ છૂટકો હતો.

એક દિવસ રશ્મિને એની ઓફિસમાં વધારે કામ નહીં હોતા તે ઘર જવા જલ્દી નીકળી પડી. એણે શ્ર્વેતાને સરપ્રાઈઝ આપવાનો વિચાર કીધો રસ્તામાંથી શ્ર્વેતા માટે રશ્મિએ સુંદર ડ્રેસ ખરીદ્યો. દાદર ચઢી હળવેથી લેચ ખોલી દરવાજો ખોલ્યો તો એણે બીજા ઓરડામાંથી આવતો જીતેન્દ્ર અને શ્ર્વેતાનો વાર્તાલાપ સાંભળ્યો.

‘શ્ર્વેતા આપણું બાળક આજે જીવંત હોત તો કેટલા વર્ષનું હોત?’

‘હું એ બધું ભુલી ગઈ છું તમે પણ ભુલી જાઓ એમાંજ આપણી સલામતી છે.’ રશ્મિએ કદી જાણવું ન જોઈએ કે હું લગ્ન પહેલા તમારા બાળકની મા બનવાની હતી.

જીતેન્દ્ર અને શ્ર્વેતા પહેલાથીજ એકબીજાને ચાહતા હતા. જીતેન્દ્રના પપ્પા અને શ્ર્વેતાના પપ્પા બન્ને ખાસ મિત્રો હતો અને અજાણતા એમણે જીતેન્દ્ર અને રશ્મિના લગ્ન નકકી કરી નાખ્યા અને જીતેન્દ્ર કંઈ પણ બોલી નહીં શકયો. આગળ જતા માલુમ પડ્યું કે રશ્મિ કયારે પણ મા નહીં બની શકે અને જીતેન્દ્ર શ્ર્વેતાથી દૂર જવા પરદેશમા જવા તૈયાર થઈ ગયો અને આજે બે વર્ષો પછી… શ્ર્વેતાને સરપ્રાઈઝ આપવા ઘરમાં ચૂપકેથી દાખલ થયેલી રશ્મિએ આ બધું સાંભળ્યું અને તેમને જાણ ન થાય તે માટે મોટા અવાજે કહ્યું ‘શ્ર્વેતા તું કયા છે?’ જો હું તારા માટે શું લાવી છું?

‘અરે દીદી તમે આજે વહેલા આવી ગયા?

હા, ‘આજે કામ નહોતું એટલે વહેલા આવવા મળ્યું. જો હું તારા માટે શું લાવી’

‘દીદી તમે પણ ને, મારે માટે નવો ડ્રેસનો ખર્ચો શા માટે કર્યો?’

‘મને રોજ આવતા વેત તારા હાથનું ગરમ ગરમ જમવાનું મળે છે.’ તારા સિવાય બીજું કોઈ ના કરી શકયું હોત. તારા આવવાથી મને કામમાં કેટલી નિરાંત થઈ છે હું તારા માટે આટલું પણ નહીં કરી શકું?’ અને બીજા ખુશીના સમાચાર સાંભળ એક દર્દી મરણ પથારીએ છે. અને એની આંખો આપવા કબુલ થયો છે.’

‘વાહ બહું જ સારા સમાચાર છે’ શ્ર્વેતાએ વહાલથી રશ્મિને ગળે વળગી. જીતેન્દ્ર પણ આ વાત સાંભળી ખુશ થઈ ગયો.

પણ બન્નેની ખુશી બીજી સવારે રૂદનમાં ફેરવાઈ ગઈ.

રશ્મિ ઓફીસે જવા સવારે એના રૂમમાંથી તૈયાર થઈને બહાર ન આવી ત્યારે શ્ર્વેતાને અજાયબી લાગી. એણે ધીમેથી રશ્મિના દરવાજે ટકોર કર્યા દરવાજો ઉઘડી ગયો પલંગ પર રશ્મિ સુતેલી હતી બાજુમાં ઉંઘની ગોળીની બાટલી પડેલી હતી અને હાથમાં એક ચિઠ્ઠી હતી. શ્ર્વેતાએ ઝડપથી વાંચી.

શ્ર્વેતા, હવે હું આ જીંદગીથી સાવ કંટાળી ગઈ છું એટલે હું અનંતની સફરે જાઉં છું. હવે પછી તું જ જીતુની પત્ની બનીને એને સાચવજે. જીવનના બાકીના વર્ષો તમે બન્ને આંનદથી ગુજારજો એવા મારા તમને બન્નેને આશિષ છે. સુખી રહો.

-રશ્મિ તારી દીદી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *