રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ.

રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ પર પહોંચી ગયો. ત્યાં શહેનશાહ ઘણે મહિને પહેલીજ વાર દરબાર ભરી બેઠેલો હતો. શાહજાદાના ગુમ થવાની ગમગીની હજી ચાલુ જ હતી. તેઓ સૌ માની બેઠેલા કે શાહજાદો તો જરૂર મરણ પામ્યો હશે. તેથી સૌ જણ બહુ શોકાતુર જણાતા હતા.

આવી સ્થિતિમાં જ્યારે શહેનશાહ અને તેના દરબારીઓ બેઠા હતા ત્યાં ખુદ શાહજાદો જીવતો જાગતો હસતો ફરતો આવી પહોંચ્યો! સૌની ખુશાલી અને અજાયબીનો પાર ન રહ્યો! બાદશાહ તો ખુશાલીથી શાહજાદાને ભેટી પડયો! તેની આંખોમાંથી હર્ષના આંસુ ચાલ્યા જતાં હતા.

શહેનશાહે પોતાના વહાલા બેટાને પૂછયું કે પેલો કરામતી ઘોડો કયાં છે? શાહજાદાએ કહ્યું ઘોડો અહીંથી થોડે દૂર આપણા શહેર બહારના મહેલમાં છે. સૌને મળ્યા બાદ તેણે પોતે ઘોડો લઈ ઉડી ગયા પછી બંગાળની રાજક્ધયાના મહેલમાં જઈ કેમ ઉતર્યો અને તે રાજકુંવરીએ કેવી તેની મહેમાનગીરી કરી તે હકીકત કહી.

પછી શાહજાદાએ શહેનશાહને પોતાના મનની વાત પણ કહી કે બંગાલની રાજકુંવરી અને પોતે પ્યારમાં પડયા છે અને રાજકુંવરી મને પરણવા પણ કબૂલ થઈ છે માટે જો શહેનશાહ શાદી કરવાની રજા આપે તો તે રાજકુંવરી તેને યોગ્ય સન્માન સાથે, શહેરમાં દાખલ કરવી અને પછી ધામધુમથી તેમના લગ્ન કરી આપવા.

શહેનશાહને તો આ વાત સાંભળી બમણી ખુશાલી થઈ તેમણે કહ્યું, ‘ચાલ બેટા! હું જ જાતે રાજકુંવરીને લેવા આવું છું અને આજે જ તારી સાથે તેના લગ્ન કરી દઉ.’

શહેનશાહે તુરત શોક દૂર કરી આનંદ ઉત્સવ કરવા આખા શહેરમાં ઢંઢેરો ફેરવવાનો હુકમ કાઢયો અને પછી કહ્યું કે પેલા કેદમાં પડેલા ઘોડાના માલેકને છૂટો કરી મારી પાસે તેડી લાવો.

તુરત જ બાદશાહના હુકમ પ્રમાણે થયું. પેલા હિંદીવાનને કેદમાંથી છૂટો કરી બાદશાહ આગળ તેને ઉભો કરવામાં આવ્યો.

(વધુ આવતા અંકે)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *