કુળ દીપક

એકવાર કહી દીધું તે ફાઈનલ હવે વધારે દલીલ ના કરીશ પણ ડોકટરે એના પરિણામ વિશે પણ કહ્યું છે તે તમે બરાબર સાંભળ્યું? હું એવા પરિણામને ગણકારતો નથી. કાલે સવારે તારે અબોર્શન કરાવવાનું છે બસ. આ મારો આખરી નિર્ણય છે ‘સારૂં ત્યારે હું પણ તમને મારો આખરી નિર્ણય કાલે સવારે જણાવીશ કહી સુનિતા પડખું ફેરવી સુઈ ગઈ. અનિલ ધુંધવાતો પોતાનું ધારેલું થશેના થશેની વ્યર્થ ચિંતાઓ લઈને ગુસ્સામા બેડરૂમમાંથી બહાર આવી દિવાનખંડમાં સોફા પર સુઈ ગયો. સુનિતાને માટે આ નિર્ણાયક રાત હતી. આ અગાઉ બે વાર જાતિ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભમાં દીકરી હોવાથી એબોર્શન કરાવી ચુકેલી અને ત્રીજીવાર પણ દીકરી હોવાથી એબોર્શન કરાવવાની પતિની દલીલ સામે નમતું જોખવા તૈયાર ન થતી સુનિતાએ આખી રાત વિચારોના વમળમાં વિતાવી એને સતત ડોકટરના શબ્દો કાનમાં અથડાયા કર્યા હવે જો એબોર્શન કરાવશો તો પછી તમારા મા બનવાના ચાન્સીસ નહિવત છે. નિર્ણય તમારે કરવાનો છે. તમારે મા બનવું છે કે પછી…
ના ના મારે મા બનવું છે જે થવાનું હોય તે થાય પણ આ વખતે હું બાળકીને જન્મ આપીશ એની અંદર માતૃશક્તિ એકાએક પ્રબળ થઈ ગઈ. અત્યાર સુધી સાસરામાં હરફ સુધ્ધા ન ઉચ્ચારતી સુનિતા સવારે એકલા હાથે પણ આવનાર પરિસ્થિતિ સામે ઝઝૂમી લેવાની હિંમત મેળવી લીધી. માતૃત્વની તીવ્ર લાગણીઓએ એને રાતો રાત જાણે અબળામાંથી સબળા બનાવી દીધી. સવારે એણે પોતાનો નિર્ણય લઈ લીધો અને આ વખતે કોઈના નિર્ણયને આધીન નહીં થઈને પોતાના દ્રઢ નિશ્ર્ચયથી એ જીવશે એવું મજબૂત મનોબળ કેળવી લીધું. નવરાત્રીના દિવસો ચાલતા કોઈને પણ મા આદ્યશક્તિ જગદંબાની થોડીગણી કૃપા અને શક્તિ મેળવીને જાણે પોતે વધુ શક્તિશાળી બની હોય એવું એને લાગ્યું.
સુનિતાએ સવારે ઉઠીને બધાને ચા નાસ્તો કરાવ્યો. અનિલે દસેક વાગ્યે મોટેથી બૂમ પાડી સુનિતાએ કહ્યું ‘ચાલ તૈયાર છે ને ? પર્સ અને થેલીમાં ચાર જોડી કપડાં ભરીને સુનિતા દિવાનખંડમાં આવી અને મકકમતાથી ક્હ્યું, હું હોસ્પિટલ નથી આવવાની, તો પછી તારો વિચાર શું છે? હું દીકરીને જન્મ આપીશ? એકવાર કહ્યું ને કે.. શું હું ગર્ભપાત નહીં કરાવું તો તમારા ઘરમાં મને સ્થાન નથી એ જ તમે કહેવા માગો છો ને? તું સમજદાર છે. હા, હું સમજદાર છું. માટે જ મે નિર્ણય કર્યો છે કે હું ગર્ભપાત નહીં કરાવીશ. હું મારી દીકરીને જન્મ આપીશ. પણ તમારા ઘરમાં નહીં. મારી માતાના ઘરમાં હું જાઉ છું. મારો બાકીનો સામાન મારા પિયરના કોઈ સભ્ય આવીને લઈ જશે.
મકકમ પગલે સુનિતા ઘરની બહાર નીકળી ગઈ. અનિલ અને તેના માતા-પિતા આશ્ર્ચર્યથી એને જતા જોઈ રહ્યા પણ કોઈએ એને રોકવાની કોશિશ કરી નહીં કદાચ એમણે અગાઉથી નકકી જ કરી દીધું હશે કે સુનિતા ઘર છોડી જાય તો જતી રહેવા દેવી.
અનિલના ઘરની બહાર રસ્તો ઓળંગતા જ રિક્ષા મળી ગઈ. રિક્ષામાં બેસતાની સાથે જ બન્ને આંખમાંથી એક એક આંસુ લૂછ્યા બાદ થોડી કમર ટટ્ટારવાળી સાવધ થઈને બેસી ગઈ. ના મારે હિંમત હારવી નથી. હું મજબૂત બનીશ. હું ડરીશ નહીં. હું મારી દીકરીને જન્મ આપીશ. હું એને મુકત આકાશ આપીશ. આવા વિચારો કરતી રિક્ષા કયારે બસ સ્ટેન્ડ પર આવી ગઈ એને સમજ ના પડી. એને મનમાં હતું કે અનિલ એની પાછળ આવશે અને ઘર છોડી ના જઈશ એવું સમજાવશે પણ સુનિતાને એ પણ ખબર હતી કે એકવાર અનિલ જે નિર્ણય કરે છે એમાં એ દ્રઢ નિશ્ર્ચયી રહે છે. એ કદાચ હવે કયારેય મારૂં મોઢુ પણ ના જુએ એવું વિચારતા પિયર જતી બસ પકડી.
દિવસો શાંતિથી માના ઘરે પસાર થતા હતા. આમને આમ નવ મહિના પૂરા થયા અને સુંદર બાળકનો જન્મ થયો.
મમ્મી..મમ્મી તું સુઈ ગઈ છે જો ને પારણું હાલી રહ્યું છે. કદાચ દીપ જાગી ગયો છે. અરે હા જોને આખી રાતનો ઉજાગરો હોવાથી જરા આંખ લાગી ગઈ હતી. દીકરી ડો. આદિતીની ડીલીવરી રાત્રે થઈ હતી અને દીકરા દીપની સુંદર ભેટ એમને મળી હતી. જેને લઈને સુનિતાને આખી રાતનો ઉજાગરો થયો હતો. તંદ્રાવસ્થામાં એ એની જિંદગીના પચ્ચીસ વર્ષે પૂર્વે પહોંચી ગઈ હતી. સુનિતા પોતે શિક્ષિત કુટુંબમાંથી આવતી હોય અને લગ્ન પહેલા બેચરલ ઓફ લાયબ્રેરી સાયન્સનો કોર્ષ કર્યો હોય એને એનાજ ટાઉનની કોલેજની લાયબ્રેરીમાં નોકરી મળી ગઈ હતી જે પહેલા અજમાયશી ધોરણે અને પછી કાયમી થઈ ગઈ હતી. પિયરમાં એણે આદિતીને જન્મ આપી હિંમતથી મોટી કરી આ અરસામાં એણે પોતાનું ઘર પણ બાંધ્યું અને દીકરીને એકલે હાથે ડો. યશ જોડે પરણાવી પણ એમના સુખી સંસારમાં ગઈકાલે રાત્રે દીકરા દીપનું આગમન થયું હતું. બે દિવસમા ડો. આદિતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
એક અઠવાડિયા પછી ડો. યશની હોસ્પિટલે ડો. અદિતીના નામનો એક પત્ર આવ્યો. મોડી રાત્રે દીપ બરાબર સુઈ ગયો તેની ખાતરી કર્યા બાદ ડો. અદિતીએ પત્ર ખોલ્યો જે એના પિતા અનિલનો હતો.
દીકરી અદિતી,
સંબોધનમાં વહાલી લખવાનો મને અધિકાર નહીં કેમ કે તારા માતાના ગર્ભમાંથી જ મેં તને તરછોડી છે. તારી માતાથી છૂટા પડયા પછી મારા બીજા લગ્ન પણ સફળ રહ્યા નહીં. મારી બીજી પત્ની મા જ બની ના શકી. જે કુદરતી ન્યાય મારે ભારે હૈયે સ્વીકારવો પડયો. તારા દાદા-દાદીના મૃત્યુ બાદ બે વર્ષ પહેલા જ મારી બીજી પત્ની પણ મૃત્યુ પામી હું કુટુંબ વિહોણો એકાકી જીવન જીવી રહ્યો છું. એ આશામાં કે એક દિવસ હું તને અને તારા સંતાનને પાછો લઈ આવવામાં સફળ થઈશ. જિંદગીભરની મારી કમાણી અને મિલકતનું આજે કોઈ વારસદાર નથી. મારા વસિયતનામામાં તારા દીકરાને વારસાઈ આપી છે. જે તને સ્વીકાર્ય હોય તો તારા પત્રની રાહ જોતો…
તારો અભાગી પિતા અનિલ
પૂજ્ય પિતાજી,
શરૂઆત શેનાથી કરૂં તે સમજ પડતી નથી. આટલા વર્ષોમાં પિતા પ્રત્યેનો ગુસ્સો અને હૃદયના આટલા ઉંડાણમાં ભંડારાઈને પડેલી દીકરીની બાપ પ્રત્યેની લાગણી એક સાથે બહાર ઉછળી આવ્યા. હું શું કરૂં? મારે શું કરવું જોઈએ? મારે શુું જવાબ આપવો મમ્મીની પચ્ચીસ વર્ષોની તપસ્યાનું શું? પચ્ચીસ વર્ષો પહેલા સુનિતાની જે નિર્ણાયક રાત્રિ હતી તે જ રીતે આજે ડો. અદિતીએ પણ એક નિર્ણય લેવાનો હતો પિતા પુત્રીના અને મા દીકરીના પ્રેમ નિ:સ્વાર્થ નિર્મળ હોય છે. તમને કયારેય દીકરી પ્રત્યે પ્રેમ ના થયો? મમ્મીએ મને કશાની ખોટ પડવા દીધી નથી એને પણ જીવનમાં પતિની અને મને પિતાની ખોટ ડગલે ને પગલે પડી છે. આજે આટલા વર્ષો બાદ જ્યારે મારી કુખે દીકરો અવતર્યો ત્યારે તમને અમારી યાદ આવી? તમે પહેલા મારી માતાનો ત્યાગ કર્યો અને પછી મારા સંતાનને જે દીકરો છે એટલા માટે એને સ્વીકારવાની અને મિલકતનો અધિકાર આપવાની વાત કરો છો પરંતુ મને મારી મમ્મીએ સંસ્કાર અને મૂલ્યોનો અમૂલ્ય વારસો આપ્યો છે. જે હું મારા સંતાનને પણ આપીશ તમે તમારૂં વસિયતનામુ ફેરબદલ કરશો અને સમાજનાં ત્યકત ઉપેક્ષિત અને અનાથ બાળકોને આપશો તો તમારૂં સાચું પ્રાયશ્ર્ચિત થશે હા તમારૂં પિંડદાન હું મારા દીપના હાથે જરૂર કરાવીશ એનું વચન આપું છું.
ડો. અદિતિ પત્રવાળી પરબીડીયામાં મૂકવા જતા અદિતિ પારણામાં હાથપગ હલાવતા અને સ્વપ્નમાં મૃદુ હાસ્ય કરતા દીપને જુએ છે અને એના ભીતરમાંથી અચાનક અવાજ આવે છે. કુળ દીપક!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *