પાક પયગમ્બર અશો જરથુસ્ત્ર

ઈરાનના ઈતિહાસમાં આપણા પવિત્ર પુર્વજોમાં કેટલાક દિવ્ય પુરૂષો હતા જેમના માથાની આસપાસ દિવ્ય તેજ હતું પરંતુ અશો જરથુષ્ટ તેમાં સર્વશ્રેષ્ઠ હતા. દરેક પવિત્ર કાર્ય કરતા પહેલા તેમને યાદ કરાય છે. આજે ખોરદાદ સાલ નિમિત્તે તેમના જીવનની બાબતો રજૂ કરી રહ્યા છે જે વાંચતા આપણે કયારેય કંટાળતા નથી.
કયાની વંશના નેકદીલ અશો પાદશાહ લોહરાસ્પના રાજ્યઅમલ દરમિયાન જરથુસ્ત્ર રએ શહેરમાં દરેજી નદીને કિનારે પિતા પૌઉરૂસસ્પ અને માતા દોગદોને ત્યાં જન્મ લીધો હતો. પૌઉરૂસસ્પ દુષ્ટ તત્વોથી પ્રભાવિત હતા પણ માતા દોગદો અત્યંત પવિત્ર ખોરેહવાળા હતા. અશો જરથુસ્ત્ર ત્યારે તેમના ગર્ભમાં હતા ત્યારે તેમને સ્વપ્ન આવ્યું હતું કે આખી દુનિયાનો નાશ થઈ રહ્યો છે. પરંતુ એક ફરીસ્તાએ સ્વપ્નમાંજ જણાવ્યું કે તમને એક મહાન વ્યક્તિને જન્મ આપનાર છો જઓ દુનિયાના બધાજ દુ:ખો દૂર કરશે.
સ્પીતમાન તેમના કુટુંબના પુર્વજો હતા તેથી તેમને સ્પીતમાન અશો જરથુસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જરથુસ્ત્રના નામનો અર્થ છે સોનેરી સિતારો અથવા પીળા રંગના ઉંટો ધરાવનાર. અહુરમઝદે પોતાના નુરમાંથી થોડું વધુ નુર પેદા કરી જરથુસ્ત્રના રૂપે તેમને પૃથ્વી પર મોકલ્યા.
ખોરદાદ સાલને દિને અશો જરથુસ્ત્રનો જન્મ થયો અને જન્મ લેતાની સાથે જ તેઓ હસ્યા હતા જેનો મતલબ હતો કે રાજા દુરાસરૂનના કરતૂતોને તેઓ નાશ કરવાના હતા. દુરાસરૂન તેમને ખંજર વળે મારવા આવ્યા, વરૂઓના ટોળામાં નાખ્યા, પહાડ પરથી ફેકયા તથા બાળ જરથુસ્ત્રને આતશની જળાવામાં નાખ્યા પરંતુ તેમને કંઈ થયું નહીં.
પૌઉરૂસસ્પના મિત્ર દસ્તુર બુરઝીન કુરૂશે તેમને સાત વરસની ઉંમરે ધાર્મિક તાલિમ આપી. અને ત્યારબાદ તેઓ ફકત મીનોઈ દુનિયા તરફ જ આગળ વધ્યા હતા. તેઓ ઉસીદરેક પર્વત પર ખુદાની બંદગીમાં લાગ્યા. ત્યારબાદ તેમને અહુરમઝદ અને અમેશાસ્પેન્તાના દર્શન થયા તથા જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
વધુ માટે જુઓ પાનુ 15
તેઓ જરથોસ્તી ધર્મનો પ્રચાર કરવા લોહરાસ્પના દીકરા ગુસ્તાસ્પના મહેલમાં પ્રવેશ્યા તેમણે શાહ ગુસ્તાસ્પને દાદારની જરથોસ્તી દીન કબૂલ કરવા મનાવ્યા પરંતુ ત્રણ દિવસ સુધીના વાદવિવાદમાં જરથુસ્ત્રે સૌની શંકાનું નિવારણ કર્યુ. એમનો પ્રથમ શિષ્ય મેદ્યોમાહ બન્યો ત્યાર પછી ફશોસ્ત્ર અને જામાસ્પ જેવા રાજદરબારીઓ એમના શિષ્યો બન્યા. પરંતુ બીજા દરબારીઓ ષડયંત્ર રચી તેમના ઘરમાં હાડકા, નખ, વાળ સંતાડી ગુસ્તાસ્પના કાનમાં જરથુસ્ત્ર માટે ઝેર ભર્યુ અને ગુસ્તાસ્પે તેમને કેદમાં પૂર્યા. પરંતુ ગુસ્તાસ્પનો માનીતો ઘોડો અસ્પેશિયાહના ચારે પગો પેટમાં ઘૂસી ગયા હતા કોઈ પણ વૈદ કે હકીમ તેને સારૂં નહોતું કરી શકયું. જરથુસ્ત્રે જેલમાંથી સંદેશો મોકલ્યો કે તેઓ ઘોડાને સાજો કરીને દેખાડશે પરંતુ જરથોસ્તી દીનનો સ્વીકાર કરવો પડશે. જરથુસ્ત્રે યથાના કલામો ભણી ઘોડાને સાજો કર્યો અને ગુસ્તાસ્પના પરિવારે જરથોસ્તી દીનનો સ્વીકાર કર્યો. ગુસ્તાસ્પે જરથુસ્ત્રને પોતે પયગંમ્બર છે તેનો પુરાવો માંગ્યો.
ત્યારે જરથુસ્ત્રે આ ઐર્યમો ઈષ્યોની નીરંગ પઢી પોતાના હાથમાં આતશ પેદા કર્યો તેને જોઈ દરબારીઓ તથા ગુસ્તાસ્પ તેના પરિવારના લોકો પ્રભાવિત થયા.
અશો જરથુસ્ત્રે જશન કરી તેનો પવિત્ર રસ ગુસ્તાસ્પને પાયો જેથી તે આગળ ભવિષ્યનો જોઈ શકયા. તેણે સ્વર્ગમાં પોતાનુા સ્થાનના પણ દર્શન કર્યા. તેમણે વજીર જામાસ્પને જશનના ફૂલ સુંઘાડયા તેથી તેઓ કાળજ્ઞાની બન્યા. તેમણે ભવિષ્ય દર્શન કરાવતી કિતાબ ‘જામાસ્પી’ લખી. જરથુસ્ત્ર સાહેબે ગુસ્તાસ્પના મહેલમાં એક આતશકદેહ પણ સ્થાપ્યું અને નજીકમાં જ એક ઝાડ રોપ્યું જે ઝાડને સર્વે કિશ્મર તરીકે ઓળખવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે આ ઝાડ પર એવા લેખો પોતાની મેળે ઉપસી આવ્યા જેમાં લખ્યું હતું કે ગુસ્તાસ્પ તું જરથોસ્તી દીન કબુલ કર. અને આ ઘટનાથી શાહી કુટુંબ અને દરબારીઓએ દિલથી જરથોસ્તી દીનનો સ્વીકાર કર્યો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *