ગાયને ખાનસામાને હવાલે કીધી!

જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું જ દુ:ખ થયું પણ મારો છોકરો ઘર છોડી જતો રહ્યો તે સાંભળી મને થોડી પણ ધીરજ આવી કે તે જીવતો છે તો કોઈ દહાડે પણ મને મળી આવશે. આઠ માસ ગુજરી ગયા પણ મારો બેટો પાછો આવ્યો નહીં અને તેનો કોઈ પત્તો પણ હાથ લાગ્યો નહીં. એ દરમ્યાનમાં બહેરામના જશનનો હીંગામ આવી લાગ્યો. તે તહેવાર પાળવા માટે મે મારા ખાન સામાને ફરમાવ્યું કે હલાલ કરવા આપણે ત્યાં એક ફરબેમાં ફરબે ગાય હોય તે લાવવી. તે મારા હુકમને તાબે થઈ એક ગાય લાવ્યો જે મારા દીકરાની કમનસીબ માં હતી. તેને બંધાવીને હું મારા ખાનસામાને હવાલે કરવા જતો હતો પણ તે ગાય અફસોસ ભરેલી રીતે પોતાનું દુ:ખ જાહેર કરવા લાગી અને પોતાની આંખોમાંથી આંસુના રેલા નાખવા લાગી. આ ચમત્કાર મને એટલો તો અચંબા જેવો લાગ્યો કે તે દેખાવથી મારા દિલમાં ઘણીજ દયા આવી અને તેને ફટકો મારી, મારી નાખવાને મારી છાતી ચાલી નહીં, જેથી મે તેને લઈ જવાને બદલે બીજી નવી ગાય લાવવાનો હુકમ મારા ખાનસામાને આપ્યો.
મારી બાયડી, જે તે વેળા હાજર હતી તેણે મને પેલી ગાય પર દયા લાવતો જોઈ ગુસ્સો કીધો ને જે હુકમ તેની કીના ભરેલી ચાલની વિરૂધ્ધ હતો, તેની સામે થવા લાગી, તે કહેવા લાગી કે ‘ઓ મારા ખાવિંદ! તમે એ શું કામ કરો છો? એજ ગાયનો ભોગ કા નહીં તમે લેતા? એથી વધારે ખુબસુરત અને આ કારણને વધારે લાયક ગાય તમારા ખાનસામા પાસે કયાંથી હશે?’ મારી ધણીયાણીને રાજી રાખવા માટે ગાય આગળ હું પાછો ગયો અને જે દયાથી મેં મારા હાથ અટકાવી રાખ્યો હતો તેને બદલે મારૂં હૈયુ સખ્ત કરતાં મને ઘણુંજ કમકમવું પડયું અને જેવી મેં તેને મારી નાખવાનો યત્ન કીધો તેજ વેળા તે ફરીથી આંખમાં આંસુ લાવી પોતાનું દુ:ખ જાહેર કરી પુષ્કળ રડવા લાગી. તેજ વેળા તેને કાપી નાખવાની મારી હિંમત તૂટી ગઈ જેથી મારા હાથમાંનું હથિયાર ખાનસામાને મેં આપી દીધું અને તેને કહ્યું કે ‘આ હથિયાર તું લે અને તારે હાથે આ ગાયને હલાલ કર! એનો રૂદનનાં આંસુ મારેથી જોઈ શકતા નહોતા.’ ખાનસામાના દિલમાં કાંઈપણ દયા હોય એમ મને લાગ્યું નહીં. તેણે તો તેજ વેળા તે જાનવરને તમામ કરી મેળવ્યું. તેનું ચામડું ઉખેડી કાઢતા માલમ પડયું કે તે ગાય બિલકુલ દુર્બળ થયેલી હતી. આ જોઈ હું ઘણોજ રંજીદા થયો.
ખાનસામાને મેં કહ્યું કે ‘આ મારી આગળથી ઉંચકી લે! હું તે તને આપુ છું તારે ગમે તે તેનું કર.
(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *