સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે?
કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી.
પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે પૂછયું. ત્યારે કેખુશરોએ જવાબ દીધો કે ‘જયાં એક પહાડ હોય ત્યાં એક જંગી મરદનું દીલ પણ ધાસ્તીથી ફાટફાટ થાય છે.’ પછી તેને અફ્રાસીઆબે ઈરાની મુલક વિગેર માટે પુછયું, ત્યારે તેણે જવાબ દીધો કે એક ‘લડાયક કુતરો જીઆંનગાર શીરને જેર કરી શકે નહીં.
એ જવાબથી અફ્રાસીઆબ ખુશી થયો કે તેનામાં ઘણી અકકલ નથી હું તેને માથાં માટે પુછું છું તો તે પગનો જવાબ આપે છે. એટલે કે તેનો જવાબનું ધડ કે પૂછડું નથી. એવા માણસો શું કિનો લઈ શકે? એને લઈ જાવો અને એની માને સોંપી કોઈ પરહેજગાર આદમી પાસે એને કેળવણી અપાવો એને સીઆવક્ષગર્દના શહેરમાં મોકલો તથા જર નોકર જે જોઈતું હોય તે આપો.
શાહ અફ્રાસીઆબ સાથ બાળક કેખુશરોની મુલાકાતનું જે પરિણામ આવ્યું તેથી બુજોર્ગ પીરાન ઘણો ખુશી થયો અને નાના કેખુશરોને તેની માતા ફીરંગીઝ સાથે કેટલીક દોલત અને જર જવાહેર આપી સીઆવક્ષગર્દના શેહર ભણી મોકલ્યો. એ શહેર સીઆવક્ષે પોતે બાંધ્યુ હતું અને તેથી તેનું નામ સીઆવક્ષગર્દ પડયું હતું.
હવે પેલી ગમ કૌસ પાદશાહે પોતાના બેટા સીઆવક્ષ કિનામાં તુરાન પર રૂસ્તમની સરદારી હેઠળ હુમલો મોકલ્યો. અફ્રાસીઆબને તેની ખબર પડી કે તેણે ચિંતા કીધી કે રખેને રૂસ્તમના હાથમાં કેખુશરો આવે અને કેખુશરો તેની સાથે ઈરાન જાય અને તેનો સ્વપ્નો ખરો પડે અને કેખુશરો તુરાનને વેરાન કરે. તેથી તેણે પીરાન ને તેડાવી કેખુશરોને હાજર કરવા કહ્યું. પીરાને ધાર્યુ કે આ ગડબડમાં કદાચ અફ્રાસીઆબ કેખુશરોને મારી નાખશે. તેથી તેણે તેને સમજાવ્યો કે ‘આ મુશ્કેલી ટાળવા, આપણે તેને, તેની માતા સાથે, ખોતનના મુલકમાં મોકલી દઈએ, કે તે રૂસ્તમના હાથમાં આવેજ નહીં.’ હવે તુરાન ઉપરના હુમલામાં રૂસ્તમની ફત્તેહ થઈ અને અફ્રાસીઆબ નાઠો. રૂસ્તમ પોતે તુરાનની ગાદી પર બેઠો અને કેટલોક વખત એમ અમલ કરી પાછો ઈરાન ફર્યો. ત્યારે કેખુશરો ખોતનથી સીઆવક્ષગર્દ તરફ પાછો ફર્યો.
હવે એક રાત્રે ગોદરેજને સ્વપ્નો આવ્યો કે તુરાનમાં સીઆવક્ષને પેટે કેખુશરો નામનો શાહજાદો પેદા પડયો છે. તે દલેર અને ભલો છે. તે ઈરાન આવી ઈરાનનો પાદશાહ થઈ પોતાના બાપનો કીનો લેશે. તે ઉપરથી તેણે કેખુશરોની શોધમાં પોતાના બેટા ગેવને તુરાન ભણી મોકલ્યો. ગેવ એ મુજબ એકલો નીકળ્યો અને શેહરે શેહર મુલકે મુલક અને જંગલે ફરતો ફરતો જ્યાં કેખુશરો હતો ત્યાં આવી લાગ્યો. એ અરસામાં અફ્રાસીઆબ તુરાન તરફ પાછો ફર્યો અને પોતાનો મુલક પાછો પોતાને હવાલે કીધો હતો. તેથી તેણે કેખુશરોને પોતાના દૂરદરાજ મુલકથી પાછો તેડાવી તેની માતા ફીરંગીઝને સોંપ્યો હતો અને તેઓ સીઆવક્ષગર્દમાં રહેતા હતા. ત્યાં શેહર બહાર એક વખત એકાએક ગેવ અને કેખુશરોનો મેલાપ થયો. (ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *