એક બુઝર્ગ આદમી તથા તેના બે કુતરાની વાર્તા

મારા દીકરાની બાયડી તેના કમનસીબે ગુજરી ગઈ છે અને તે મુસાફરી કરતો ફરે છે. કેટલાય વર્ષો ગુજરી ગયા પણ તેને માટે મેં હજુ સુધી કશું સાંભળ્યું નથી કે તે જીવે છે કે મરી ગયો છે તેથી તેનો કાંઈપણ પત્તો મેળવવા સારૂં હું આ મુસાફરી કરવા નીકળ્યો છું. અને મારી ગેરહાજરીમાં મારી સ્ત્રીને કોઈને સોપી જવાને મને દુરસ્ત લાગ્યું નહીં તેથી તેને મારી સાથે લઈ ફરૂં છું. આ હરણીની તથા મારી વાર્તા મેં કહી તે મુજબ છે, આથી વધારે અજાયબ જેવી બીજી કઈ વાર્તા છે?’ તે જીને કહ્યું કે ‘બુઝુર્ગ મરદ‘ તમારી સાથે હું એકમત છું અને આ સોદાગરને માટ ઠેરવેલી સજામાંથી એક તૃતીયાંશ ભાગ કમતી કરૂં છું.

શેહેરાજાદીએ કહ્યું કે પેલા બુઝર્ગ આદમીએ પોતાની વાર્તા પૂરી કીધા પછી બીજો બુઝર્ગ આદમી જે બે કાળા રંગના કુતરા પોતાની સાથે લાવ્યો હતો તે પેલા જીનને દેખાડી કહેવા લાગ્યો કે ‘મારી તથા આ બે કુતરા પર શું શું વિપત્તિ પડી છે તે વિશેની હું વાત કરવા માંગુ છું અને મારી ખાતરી છે કે તમે હાલ જે હકીકત સાંભળી છે તેના કરતા મારી તવારીખ તમને વધારે ચમત્કારિક લાગશે. પણ હું ઉમેદ રાખું છં કે તે સાંભળી રહ્યા બાદ આ સોદાગરની સજાનો બીજો એક તૃતીયાંશ ભાગ કમતી કરશો. તે જીને જવાબ દીધો કે હા જો હરણીની વાત કરતા તમારી વાત વધારે અચરતી ભરેલી માલમ પડશે તો હું તેમ કરીશ આટલું નકકી થયા પછી નીચે મુજબ બીજા જઈફ મરદે પોતાની વાર્તા શરૂ કીધી

એક બુઝર્ગ આદમી તથા તેના બે કુતરાની વાર્તા

ઓ બુલંદ મરતબાના જીનોના પાદશાહ! તમારે જાણવું જોઈએ કે હું અને મારી સાથે આ બે કુતરા તમો જે જુઓ છો તેઓ સાથ અમે ત્રણ ભાઈઓ છીએ. અમારા પિતા ગુજર્યા તે વેળા અમો દરેકને હજાર અશરફી આપી ગયા હતા. ત્રણ હજાર અશરફી લઈ અમો ત્રણે ભાઈઓએ સોદાગરનો ધંધો પકડયો અને અમોએ જુદી જુદી જાતના માલની વખારો ઉઘાડી. મારો વડો ભાઈ જે આ બે કુતરા માહેલો એક કુતરો છે તેને એક સોદાગર તરીકે મુસાફરીએ જવાનો તથા પરદેશમાં વેપાર ચલાવવાનો શોખ થયો. આ ધારણાથી તેણે પોતાનો સઘળો માલ વેચી નાખ્યો અને જે જે મુલકોમાં તે મુસાફરીએ જવાનો વિચાર રાખતો હતો તે મુલકોના બજારના બરનો માલ ખરીદ કરવા લાગ્યો.

તે પોતાની ધારેલી મુસાફરીએ રવાને થયો અને એક વર્ષ સુધી અમારા બાપીકા શહેરથી ગેરહાજર રહ્યો. એક દિવસે હું મારી વખાર આગળ આવી મેં તેને કહ્યું કે ‘ખોદા તારો મદદગાર થાય.’ ધ્યાન ધરી તેની તરફ જોયાથી મને માલમ પડ્યું કે તે તો મારો ભાઈ છે. તેને બગલગીરી કરીને હું બોલ્યો કે ‘ઓ બીરાદર! આ તારી હાલત જોઈ હું તને કેમ ઓળખી શકું કે તું મારો ભાઈ છે?’ મેં તેને મારી વખારની અંદર લીધો અને તેની ખેરખબર પુછી તેની સફર ફત્તેહમંદ ઉતરી કે નહીં તે વિશે તલાસ કીધી

‘તે વિશે તમારે મને પૂછવું નહીં. મારી હાલત જોઈ તમે મારૂં કિસમત પીછાની લેવું. ગઈ સાલમાં જે નુકસાની મેં ખમી છે તેનું બ્યાન કરવા માંગુ તો મારી ઉપર પડેલા દુ:ખને પાછું તેડવું કયા બરોબર છે?

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *