સુરતના પારસી રંગભૂમિના જીવનદાતા યઝદી કરંજિયાને પદ્મશ્રી, નાટકમાંથી મળતી આવક સામાજિક કામ માટે દાનમાં આપે છે

સુરતના યઝદી કરંજિયાને ભારત સરકારે પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજ્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદીભાઈએ પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠથી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે. 1937માં વલસાડમાં જન્મેલા યઝદી કરંજિયા પારસી રંગભૂમિનાં જીવનદાતા સમાન છે. ખ્યાતનામ નાટ્યકાર ચં. ચી. મહેતા સાથે યઝદી કરંજિયાએ 300થી વધુ રેડિયો નાટિકાઓ કરી હતી. યઝદી કરંજિયાનું નાટક બહેરામની સાસુના અનેક શો ગુજરાત ઉપરાંત ભારતના ઘણા શહેરો અને અમેરિકા, સિંગાપોર સહિતના દેશોમાં થઇ ચુક્યા છે. તેઓ નાટકમાંથી જે આવક મળે છે તે પણ સામાજિક કામ માટે દાનમાં આપે છે.
તેમનું આખું પારસી પરિવાર નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે, આવું કરનાર આ આખરી પરિવાર છે. પોતાના નાટકો દ્વારા ભેગી થયેલી રકમ તેમણે સમાજ સેવા માટે વાપરી છે અને તેનો સરવાળો રૂપિયા ત્રણ કરોડથી ઉપર થવા જાય છે.
તેમના નાટ્ય ગૃરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા સાથે તેમણે ‘તાપીતટે તાપીદાસ’ નામની 300થી વધુ હપ્તાવાળી હાસ્ય શ્રેણી આકાશવાણી પર રજુ કરી હતી. તેનું તેમણે પુસ્તક પણ બનાવ્યું છે. તેમના પત્ની વીરા કરંજિયા, નાના ભાઈ, ભાભી, દીકરી, દીકરો તથા ભાઈ રોહિન્ટન કરંજિયા અને ખાસ મિત્ર જાલ લંગડાના સહિતનું તેમનું ‘યઝદી કરંજિયા ગ્રુપ’ સુરતમાં જ નહીં, દેશના તમામ મોટા કેન્દ્રો અને વિદેશોમાં પણ આજીવન નાટ્યપ્રયોગો કરીને લોકોનું મનોરજન કરતાં રહ્યાં છે. ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અકાદમી, પ્રમાણપત્ર બોર્ડ જેવી સરકારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યઝદીભાઈ વર્ષોથી સંકળાયા છે. તેમના ‘બિચારો બરજોર’, ‘દીનશાજીના ડબ્બા ગુલ’ કે ‘કુતરાની પૂંછડી વાંકી’ જેવાં હાસ્ય નાટકોથી તેઓ વર્ષો વર્ષ પ્રેક્ષકોને હસાવતાં રહ્યાં છે. કેમ્બે ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક રીતે સંકળાયા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *