ભગવાન મળી ગયા!

ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો.
ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ મોડું થયું અને પોતે એકલોજ રહેતો એટલે તેણે ખાવાનું પાર્સલ બંધાવ્યું. રસ્તે જતા તેણે તે છોકરાને ફરી જોયો અને ખબર નહીં તેની સાતે વાત કરવાનું મન થયું. મનમાં થયું પેલા છોકરાને ખાવાનું પાર્સલ આપી દઉં તો.
ભાવેશ તે મંદિર પાસે આવ્યો અને હંમેશની જેમ એ અભ્યાસ કરતો દેખાયો. ગાડીમાંથી ઉતરીને તેની પાસે ગયો તો તે છોકરો ભાવેશને જોઈને ગાલમાં ને ગાલમાં હસ્યો. જાણે ભાવેશને એ ઓળખતો નહોય. ભાવેશે પૂછયું કે કેમ રોજ અહીં બેસીને ભણે છે?
તેણે કહયું સર મારા ઘરમાં લાઈટ નથી. મા બિમાર છે અને ઘાસતેલનું ફાનસ મને પરવડે તેમ નથી.
મેં પૂછયું કે તું મને જોઈને મલકાયો કેમ?
સર તમે ભગવાન છો ને?
ના રે બેટા.
સર તમે મારા માટે ભગવાન જ છો.
ચલ જવા દે, તું જમ્યો કે? હું તારા માટે થોડુંક ખાવાનું લાવ્યો છું. ભાવેશે કહ્યું.
સર, એટલે જ હું હસ્યો. મને ખબર જ હતી કે ભગવાન કોઈ પણ રૂપમાં આવશે જ. અને મને ભૂખ્યો નહીં જ રાખે. હું જયારે જયારે ભૂખ્યો હોઉં છું ત્યારે કંઈ ને કંઈ મોકલી જ આપે છે, ક્યારેક માનતાના પેંડા તો ક્યારેક ફળ. આજે પણ હું ભૂખ્યો હતો પણ મને આશા હતી કે કે ભગવાન કોઈને કોઈતો મોકલશે.
હું નિશબ્દ થઈ ગયો. ન ખબર પડતાં મારા હાથે પુણ્યનું કામ થઈ રહયું હતું.
તેણે થોડુંક ખાઈને કહયું તમે અહીં જ થોભો, હું આવ્યો જ આમાંનું થોડુંક ભોજન મારી માને આપી આવ. મારી આંખો ભરાઈ આવી. પાંચ જ મિનિટમાં એ પાછો આવ્યો. એના ખોબામાં પારિજાતના ફૂલો હતાં.
સર, મારી મા કહે છે કે જે ભગવાને આપણા પેટનો ખાડો પૂર્યો તે ભગવાનના ચરણોમાં આ મુઠ્ઠીભર ફૂલો તો ચઢાવીએ.
ભાવેશ રાતના સુતા સમયે ફકત એક જ છોકરાને યાદ કર્યો.
થોડા સમયબાદ કરોનાએ કહેર કાઢયો. કોરોનાના ભયથી લોકડાઉને કારણે શાળા, કોલેજ અને મંદિરો પણ બંધ થયાં. રસ્તાઓ સૂમસામ થયા. ભાવેશને ફરી પાછું દવાખાનામાં મોડું થયું તે રાતે ફરી મંદિર પાસે જોયું પણ તેને કે છોકરો કયાંય નહીં દેખાયો. ભાવેશ ને ચિંતા થઈ આવી કે આખરે તે છોકરો અને તેની મા કયાં હશે?
કોરોનાની મહામારીમાં અનેક લોકોના પ્રાણ ગયાં જેમાં ભાવેશના એક મિત્રએ પણ પ્રાણ ગુમાવ્યાં. તેના અંતિમ સંસ્કાર માટે ભાવેશ સ્મશાને ગયો. બધી વિધિ પત્યા પછી હાથપગ ધોવા નળ તરફ વળ્યો તો એ જ છોકરો ત્યાં સફાઈ કરતો હતો. ભાવેશ તેને જોઈને ખુશ થઈ ગયો અને પૂછયું અરે તું અહીં શું કરે છે?
સર, હવે હું અહીં જ રહું છું, ભાડું ભરવા માટે પૈસા ન હતાં અને એટલામાં જ લોકડાઉનને કારણે શંકર મંદિર પણ બંધ થયું. એટલે પગથિયાંની લાઈટ પણ બંધ થઈ. એટલે મા મને લઈને અહીં આવી. તેનું કહેવું હતું કે કંઈ પણ થાય તો પણ શિક્ષણ ચાલુ જ રહેવું જોઈએ. એ શિવમંદિરના દરવાજા બંધ થયાં પણ આ શિવમંદિરના દરવાજા કદી બંધ નથી થતા. ત્યાં જીવતા માણસો આવતાં અહીં મૃત્યુ પામેલા. આ લાઈટ નીચે મારો અભ્યાસ ચાલુ રહ્યો. મેં હાર ન માની. મા કહેતી કે જેણે જન્મ આપ્યો છે તે ભૂખ પણ ભાંગશે.
તો તારી મા ક્યાં છે? ભાવેશે પૂછયું
સર, એ કોરોનામાં મૃત્યુ પામી. અહીં જ પડેલા નાના લાકડાથી તેનો અગ્નિસંસ્કાર કર્યો. 14 દિવસ હું અહીં જ કવોરનટાઈન રહ્યો. સરકારી કાયદા તોડીશ નહીં, તે આપણા ભલા માટે જ હોય છે એમ તે કહેતી. માના અસ્થિ સામેની નદીમાં વહાવી.
સર, પણ હું હાર્યો નથી. દુ:ખ માત્ર એટલું જ છે કે હું પાસ થયો તે જોવા મારી મા આ જગતમાં ન રહી. એ જ્યાં પણ હશે ત્યાં મારો યશ જોઈને ખુશ થતી હશે. કાલે જ મારું પરિણામ આવ્યું, શાળામાં હું પહેલો આવ્યો છું.
ભાવેશે તરત એ છોકરાને પોતાની બાહોમાં ભરી લીધો. અને કહેવા લાગ્યો હું એક ડોકટર છું. અને એકલો જ રહું છું. શું તું મારો નાનો ભાઈ બની મારી સાથે રહેશે? તું ચાહશે તો હું તને ડોકટર બનાવીશ.
કદાચ પેલા છોકરાને આજે સાચેજ ભગવાન મળી ગયા…

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *