આશા પુન:પ્રાપ્તિની

ગુજરાતના એક નાના ગામમાં રહેતો હોશંગ અમલસાડીવાલા પોતાની મુશ્કેલીઓથી કંટાળી ગયો હતો. આય લોકડાઉન ક્યારનુંયે પતી ગયું હતું પરંતુ તેમની જિંદગીનું લોકડાઉન પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ હતી. જીવન રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતું હતું. બાકી રહી ગયું હતું તેમ હોશંગને કોરોના થયો અને શરીરનું જોમ પણ જતું રહ્યું! તે પછી હોશંગની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવવાના બધા જોશ પણ ધીરે ધીરે ઉતરી જવા લાગ્યા.
ગામમાં શાહુકાર પાસેથી વ્યાજે લીધેલ પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા છ માસથી ઘરનું ભાડું ભરવાનું બાકી રહી ગયેલું. હોશંગની ધણીયાણી સીલ્લુ ઘરમાં સાડી ભરવાનું કામ લઈ આવતી તેમાંથી જેમ તેમ તેમનું ગુજરાન ચાલતું. હોશંગને બે દીકરીઓ હતી આવાં, અને આબાન, આવાં 7મીમાં ભણતી હતી અને આબાન 9મીમાં ભણતી હતી. હોશંગને ઘર ચલાવવામાં ભારે તકલીફ પડવા લાગી હતી. સીલ્લુનો ભાઈ પૈસે ટકે સુખી હતો પરંતુ હોશંગને તેની પાસે હાથ લંબાવવા સારૂં નહોતું લાગતું. જીવવાના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઇ રહ્યા હોય તેમ હોશંગની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી. એક દિવસ આખરે થાકીને હોશંગએ છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો. તમે હમના ક્યાં ચાલ્યા? સિલ્લુએ પુછી જોયું.
‘આ તો ચંપલ તુટેલું છે તે જરા સીવડાવી આવું અને જરાક પેલા મગનભાઈને નોકરી માટે કહી આવ. નજર મિલાવ્યા વિના હોશંગ બહાર નીકળી ગયા.
હોશંગ ધમધમતા વાતાવરણમાં નદી કિનારે જઈ આવતા. હોશંગ કડીયા કામ શીખેલા. એક કેન્ટ્રાકટરના હાથ નીચે કામ કરે. દરરોજ એમ તો કામ મળી જ રહેતું. પરંતુ આ કારોના કાળે હોશંગના જીવનમાં સ્ટોપ લગાવી દીધેલું. આજે પણ તે નદી કિનારે જવા નીકળ્યા. અને ત્યાં જઈ એક પત્થર પર બેસી ગયા.આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં કરી આત્મહત્યા!! હોશંગે વિચાર્યુ કે આજે આત્મહત્યા કરીશ તો કાલે પેપરમાં મારા સમાચાર આવશે. તે મરવા નદીના પુલ તરફ આગળ વધ્યા. નીચે ઉછળતાં પાણી તરફ નજર કરી નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા. આ વમળો જ મારી બધી સમસ્યાનો અંત છે, હું હારી ગયો છું હવે નહિ જીવાય!! અશો જરથુસ્ત્ર પાસે મનોમન માફી માંગી. છેલ્લે છેલ્લે આવાં, આબાન અને સિલ્લુનો ચહેરો દેખાયો! પાણીમાં ભુસ્કો મારવાની તૈયારી કરી ત્યાંજ એક નાનો છોકરો અચાનક જ હોશંગ પાસે આવ્યો અને બોલ્યો, કાકા, તમારૂં ચંપલ તો તૂટી ગયલું સે લાવો એક તાંકો મારી આપું.
હોશંગ પોતાની તંદ્રામાંથી બહાર આવ્યા અને પેલા છોકરાને જોયા કર્યુ.
મારી પાસે પૈસા નથી! હોશંગ બોલ્યો એને રડવું આવી ગયું.
‘અરે, એમાં શું કાકા, પૈસા પછી આપજો પણ લાવો તમારૂં ચંપલ સીવી આપું.
પણ તું મને ઓળખતો નથી અને તારા પૈસા કયારે આપીશ તે ખબર નથી. અરે કાકા, લો આ જુનું ચંપલ પહેરો અને તમારૂં ચંપલ લાવો. તેને એક તુટેલું ચંપલ હોશંગને આપ્યું અને ચંપલ લઇ તેના કામે લાગી ગયો.
હોશંગ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. હોશંગ થોડી સેક્ધડ પહેલાના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઇ રહ્યા હતા તેનું ભાન થયું. હવે તે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા.
થોડીવારમાં જ તેને તેનું કામ પુરુ કર્યુ, લો કાકા તમારૂં ચંપલ. તે છોકરાએ હોશંગને ચંપલ જ નહી પણ તેમની જીંદગીને સાંધી આપી હતી.
હોશંગે પૂછયું હવે કહે કે કેટલા થયા?
કાકા, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો?
પરંતુ જ્યારે તમારી પાસે પૈસા હોય તો હું આ પુલ પર સામે છેડે બેસુ છું મને ત્યાં આવી મારા પૈસા ચુકવી જજો.
સારૂ તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે? હોશંગ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા.
તે છોકરો હોશંગની આંખમાં જોઈ બોલ્યો, સાહેબ તમે મને પૈસા નહીં આપો તો પણ ચાલશે પણ આ પુલ પર બીજીવાર ન આવતા. તે ઉભો થયો અને તેને તેની વસ્તુઓ તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. હોશંગે તેમના પગમાં રહેલું પેલું તુટેલું ચંપલ તેને પાછું આપ્યું અને પૂછયું, તું સરસ ચંપલ સાંધે છે તો આ જુના ચંપલને કેમ નથી સીવતો?
એ મારા બાપાની યાદગીરી છે એટલું કહેતા જ તે રડમશ જેવો થઈ ગયો.
કેમ, તારા બાપા ક્યાં છે? હોશંગે પૂછયું.
તેણ નદી તરફ મોં રાખીને જ જવાબ આપ્યો, દસ દિવસ પહેલા આ નદીમાં મારા બાપાએ આત્મહત્યા કરી હતી. એમના એક પગનું આ તુટેલું ચંપલ અહીં રહી ગયું હતું. તે અહીં સામે જ વર્ષોથી બુટપોલિસ કરતા હતા. કોરોનામાં ઘરની હાલત બગડી ગઇ. એ સહન ન કરી શક્યા અને તે રડી પડયો. રડતા રડતા બોલ્યો, આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટુંકાવી તેમના પરિવારને અપાર દુ:ખમાં મુકીને ચાલ્યા જાય છે પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુ:ખ ઉલ્ટાનું વધે છે! અને તે સમય પછી હું અહીં જ આમતેમ ફરતો રહું છં. કોઇની તુટેલી જિંદગીને ફરી સાંધી આપવા પ્રયત્ન કરૂં છું અને તે ત્યાંથી ચાલતો થયો.
હોશંગ પોતાના ઘરે પાછો આવ્યો. તેમને પોતાની ભુલ સમજાઈ ગઈ હતી. થોડા સમય પછી તેમના ગામમાં યંગ રથેસ્થાર્સ લોકોનું આગમન થયું. ઘર વખરીની ચીજો તેમણે મેળવી. હવે થોડા સમય માટેની ચિંતા નહોતી. બે દિવસ પછી કોન્ટ્રાકટરનો માણસ કામ માટે બોલાવવા આવ્યો. હોશંગે બે હાથ જોડી અશો જરથુસ્ત્રનો આભાર માન્યો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *