પરદેશી ધરતી

પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર, ધીકતી પ્રેકટિસ, સુખી જીવન!

એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડોકટરો ખરા, પણ સરકારી હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું: ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો?’

‘ભલે, જેવી તારી ઈચ્છા!’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને. દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે,  આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, આફ્રિકન લોકો અને વાત કરનારૂં સમવયસ્ક કોઈ નહિ. પણ પછી ધીમે ધીમે મન સ્વસ્થ થવા લાગ્યું અને એ ક્ષણો પણ આવી. રમાને પહેલી પ્રસુતિની પીડા ઊપડી. ચન્દ્રકાન્તની ઓફિસે ફોન કર્યો. મારતી કારે એ આવ્યા. રમાને અને કમળાબાને કારમાં લઈ એમણે કારને સરકારી હોસ્પિટલ તરફ મારી મૂકી.

હોસ્પિટલના મુખ્ય ડોકટર અંગ્રેજ ગૃહસ્થ હતા. તેમણે હસીને સ્વાગત કર્યું. રમાને ‘લેબર-રૂમ’માં લઈ લીધી. ઘટતા ઉપચાર શરૂ કર્યા. સાસુ અને જમાઈ ચિંતાતુર ચહેરે, લેબરરૂમથી થોડે દૂર પેસેજ વટાવીને આવતા ચોક જેવી જગ્યામાં, નાનકડા સોફા પર બેઠાં. કોઈ વાત કરવાના મૂડમાં નહોતાં હતા માત્ર પ્રતીક્ષામાં. સમય પસાર થતો ગયો. બે કલાક થઈ ગયા. લેબરરૂમમાં આવ-જા થતી દેખાતી. અવાજો સંભળાતા હતા પણ રમાનો છુટકારો થતો નહોતો. કુદરતી રીતે પ્રસવ થતો નહોતો. પહેલી પ્રસૂતી હતી. ચિંતાજનક સ્થિતિ હતી. ચન્દ્રકાન્ત ઊભા થઈને આંટા મારવા લાગતા, ને વળી કંઈ કારણ વગર બેસી જતા. થોડીવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. જાણે ઘેરી ગંભીરતા ચોપાસ છવાઈ ગઈ! કમળાબાના મનમાં પ્રશ્ર્ન થયો, કશું ચિંતાજનક? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એમણે જમાઈને ઈશારો કર્યો.

‘આ બધું આમ કેમ શાંત થઈ ગયું? જાણે સૌ ચૂપચાપ થઈ ગયાં! રમાને કંઈ..’ કહેતાં માનો કંઠ ભરાઈ આવ્યો.

‘હું જોઉં.’ કહેતા ચન્દ્રકાન્ત ઊભા થયા અને એ લેબર રૂમ ભણી ચાલ્યા. લેબર રૂમનું બારણું બંધ હતું. શું કરવું? ત્યાં તો કમળાબા પણ તેમની પાછળ આવી ઊભાં. બંનેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતા ઘેરા રંગોમાં ચીતરાયેલાં હતાં. હૈયા જોર જોરથી ધબકતાં હતાં.

ત્યાં કશોક અવાજ સંભળાવા લાગ્યો, સમૂહનો અવાજ, એક સાથે સૌ કશુંક ગણગણતા હોય તેવો. ચન્દ્રકાન્તે હિંમત કરી લેબર રૂમને બારણે હાથ મુક્યો. બારણું અંદરથી બંધ નહોતું. થોડું ઉઘડી ગયું. સાસુ અને જમાઈ અંદરનું દ્રશ્ય આશ્ર્ચર્યમુગ્ધ બની, આભાં બની જોઈ રહ્યાં. અંદર અંગ્રેજ ડોકટર અને કાળા આફ્રિકન પરિચારકો શેત્રંજી પર ઘૂંટણિયે પડી, મા મેરીની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. સૌ ઊભાં થયાં. ઓપરેશન થિયેટરમાં રમાને લઈ જવામાં આવી.એક નિગ્રો નર્સે બહાર આવી પૂછ્યું : ‘કેમ? અહીં કેમ ઊભાં છો તમે?’ ‘તમે શું કરતાં હતાં?’ કમળાબેને સામું પૂછ્યું. ‘પ્રાર્થના! મા મેરીને પ્રાર્થના કરતાં હતાં, કે મા મેરી, તું આ મા અને નવા આવનાર તેના બાળકને બચાવજે!’ ઓપરેશન પહેલાં અમે હંમેશા પેશન્ટ માટે આમ પ્રાર્થના કરીએ છીએ!’ નિગ્રો નર્સે કહ્યું. કમળાબાને થયું, ‘અરે વાહ! આ ધરતી પરદેશી હતી? કે સવાયી સ્વદેશી?’

(‘ગુજરાત દર્પણમાંથી’)

Similar Posts

  • Film Review: October

    Unrequited Love The tagline, ‘This is not a love story, but rather a story about love’ threatens to wear thin after a while; but National award-winning director Shoojit Sircar reuniting (Vicky Donor, Piku) with his favourite  writer Juhi Chaturvedi manages to hold the viewer’s interest. Varun Dhawan plays 21-year-old Danesh (Dan) Walia, interning in various…

  • વાપીઝે વરિષ્ઠ નાગરિક પહેલ હેલ્પિંગ હેન્ડસ શરૂ કરી

    વાપીઝ (વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી), સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક, જે સમુદાય-સેવા માટે સમર્પિત છે, તેણે સમુદાયના વૃદ્ધોના સમર્થનમાં તેના નવીનતમ પ્રોજેકટ – વાપીઝ હેલ્પિંગ હેન્ડસ ફોર સિનિયર્સના પ્રારંભની જાહેરાત કરી છે. સમુદાય માટે ખૂબ જ જરૂરી અને આવકારદાયક પહેલ, હેલ્પિંગ હેન્ડસની કલ્પના કરવામાં આવી છે અને વાપીઝના ટ્રસ્ટી – કાયરેશ પટેલ દ્વારા…

  • Tata Trusts Deploys Crucial Supplies Through International Arm

    Tata Trusts has commenced airlifting crucial supplies for the nationwide deployment to support India’s Covid-19 interventions, with the help of Tata International Ltd, the Group’s global trading and distribution arm. The imported supplies, which include Personal Protection Equipment kits (coveralls, masks, gloves and goggles) N95/KN95 masks and Surgical masks of various grades, are being transported…

  • Your Moonsign Janam Rashi This Week –
    13 January, 2018 – 19 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારે પહેલા તો તબિયતની કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેતા મુશ્કેલીમાં મુકાશો. પેટની માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે ડોકટરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. શેરબજારના કામથી દૂર રહેજો. તમારા પૈસા પાછા મેળવવા માટે તમારે મુશ્કેલીનો…

  • RZM Torans

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] The adage of the entrepreneurial spirit being ageless finds perfect substantiation in the story behind ‘RZM Torans’ – a glass-and-bead garland initiative, named after the initials of the three dynamic, age-defying sisters, Roda Mistry (80 years), Zarine Mistry (76 years) and Maharukh Mistry (72 years). They have indeed proven that age is…

  • નવલી નવરાત્રી

    નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ રૂપની પૂજા માતાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. માતાનું બીજુ સ્વરૂપ એટલેે માતા બ્રહ્મચારિણીની. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા…