દિવાળી સ્પેશિયલ

(બેસન) ચણાની દાળના લોટની સેવ

સામગ્રી: ચણાની દાળનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાટકી તેલ, એક વાટકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠું, સફેદ મરચું સ્વાદ મુજબ.
બનાવવાની રીત: તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ જોઈએ. હવે તેમા સોડા અને અડધા લીંબુનો રસ અને સફેદ મરચું, મીઠું અને હિંગ નાખો. અજમો અને મરીને ઝીણા વાટી આ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો જ ચણાનો લોટ નાખીને મસળી લો. સેવના સંચાથી ગરમા ગરમ તેલમાં સેવ પાડો.

 

મૈસૂર પાક

સામગ્રી: 1 કપ બેસન, ચણાની દાળનો લોટ, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી.
બનાવવાની રીત: ચણાની દાળાના લોટને ચાળીને જુદો મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. જ્યારે ચણાની દાળાનો લોટ થોડો ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો. ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો. બધુ ઘી મિક્સ થઈ જાય કે ચણાની દાળાના લોટને સતત હલાવો. જ્યારે ચણાની દાળાના લોટમાં જાળી જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી ચણાની દાળાના લોટનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો. જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો.

નારિયળ બરફી

સામગ્રી: 3 કપ તાજુ નારિયળનું છીણ, 3 કપ દૂધ, 2 કપ ખાંડ, 1 ચમચી એલચી પાવડર, 5ટી સ્પૂન ઘી, 1 કપ બદામ કતરેલા.
બનાવવાની રીત: સૌ પહેલા એક મોટા પેનને ગરમ કરો અને તેમા છીણેલુ નારિયળ, દૂધ અને ખાંડ મિક્સ કરો. તેને ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી દૂધ અડધુ ન રહી જાય કે પછી થોડુ પણ ઘટ્ટ ન થાય. ત્યારબાદ તેમા ઘી નાખો અને ત્યા સુધી થવા દો જ્યા સુધી ઘી છુટ્ટુ ન પડે. ત્યારબાદ તેમા ઈલાયચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો. ત્યારબાદ એક થાળી લો અને તેમા બધી સામગ્રી નાખીને તેના પર કતરેલા બદામ ભભરાવો. જ્યારે નારિયળની બરફી ઠંડી થઈ જાય ત્યારે તમારા મનપસંદ આકારમાં કાપી લો અને સર્વ કરો કે પછી ડબ્બામાં પેક કરીને મુકી દો.

 

ફરસી પુરી

સામગ્રી: મેંદો 500 ગ્રામ, રવો 150 ગ્રામ, અજમો 2 ચમચી, બેકિંગ પાઉડર અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ મોણ માટે તેલ 3 ચમચા, તેલ તળવા માટે.
બનાવવાની રીત: સૌ પ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો, મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા લુઆ લઇ હાથથી થોડું દબાવી ઉપર તેલ લગાવી પાછા લુઆ વાળી લો અને જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો અથવા ચાકુથી નાના કાપા મૂકો જેથી પૂરી ફુલાઈ નહીં. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *