નવા વરસને દિવસે જાણીએ સુખની રેસિપી!!

અમેરિકાનું એક આ શહેર, ત્યાંની સમૃદ્ધિ વિશે તો વાત જ શું કરવી. અહીં કરતા ત્યાંનું જીવન ખૂબ જ સારું છે, એવું ઘણા લોકો માને છે. ત્યાંની કમાણી પણ અહીંની કમાણી કરતા લોકોને વધુ સારી લાગે છે.
આપણો પારસી પરીવાર ત્યાં રહે છે. ગુલુના ધણી ગુજર્યા બાદ ગુલુ તેના દીકરા પાસે અમેરિકામાં જ સેટેલ થઈ ગઈ હતી. ગુલુ એમનો દીકરો વહુ એમના બે પૌત્ર તેઓ જોઈન્ટ ફેમિલીમાં બધા એક જ ઘરમાં હળીમળીને સાથે રહેતા હતા.
અમેરિકામાં વસવાટ કરતા હોવા છતાં તેઓ એ હજી પારસી રીતિ-રિવાજ અને સંસ્કાર સાચવી રાખ્યા હતા. ગુલુ પોતાના પરિવાર સાથે બેસીને જમે. રાતના નવ વાગ્યે બધાએ સાથે ડાઇનિંગ ટેબલ પર એકઠા થઇ જવાનું પ્રાર્થના કરવાની અને સાથે જ જમવાનું.
ગુલુનું ઘર ખૂબ જ સુંદર હતું ઘરની સામે જ એક વિશાળ બગીચો પણ હતો જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. આવતી કાલે પપેટીનો પનોતો દિવસ આવવાનો હતો. ગુલુ ચોક પુરતા હતા. દરવાજાને તોરણથી સજાવતા હતા. ગુલુએ જોયું કે સામે રહેલા બગીચામાં બાજુના બંગલામાં રહેતા ગુજરાતી પટેલ ભાઈ ઉભા છે. એકબીજા સાથે વધારે ઓળખ નહોતી છતાં પણ ગુલુએ તેમને આવકાર આપ્યો અને અહીં આવવાનું કારણ પૂછયું પટેલભાઈના હાથમાં એક બેગ હતી અને તેઓ ખૂબ નિરાશ લાગતા હતા.
પટેલભાઈ બોલ્યા, તમે તમારા બંગલામાં તોરણ લગાવતા હતા અને ચારે બાજુ લગાવેલી લાઈટીંગ જોઈને હું તમારા બંગલામાં ઘૂસી આવ્યો. મને થોડું સારૂં નથી લાગી રહ્યું અને આમ નિરાશ થઈ ઘરે જઈશ તો ઘરના લોકો પરેશાન થશે. મારી પાસે જીવનમાં બધું છે, સરસ મજાનો બંગલો છે, પૈસા પણ સારા એવા કમાઈ ચૂક્યો છું, મારો પરિવાર પણ ખૂબ જ પ્રેમાળ છે છતાં પણ મને જીવનમાં જરા પણ રસ પડી રહ્યો નથી. એટલે હવે થોડા દિવસની રજા પાડીને કંઈક મને જીવનમાં મજા પડે એવું શોધવા નીકળ્યો છું. ચોખ્ખી વાત કરૂં તો હા અત્યારે સુખ શોધી રહ્યો છું.
ગુલુને પટેલભાઈની વાત સાંભળી થોડી નવાઈ લાગી. પરંતુ આવતી કાલે નુવું વરસ હતું એટલે ગુલુ બહુ ખુશ હતા.
તે વિચારવા લાગ્યા જે માણસ સુખ શોધી રહ્યો હોય તેને કઈ રીતે સુખી કરવો આ ભાઈ ને શું જવાબ આપવો તે ગુલુ વિચારવા લાગ્યા.
ગુલુનો પૌત્ર રિહાન જે લગભગ 12 થી 13 વર્ષની ઉંમરનો હશે, ગુલુ, પટેલભાઈ ને કંઈ જવાબ આપે તે પહેલા રિહાન પટેલભાઈ પાસે આવ્યો અને તેના હાથમાંથી તેમની બેગ ખેચી ત્યાંથી ભાગવા લાગ્યો.
ના પટેલભાઈ ને કંઈ સમજાયું, ના ગુલુને કંઈ સમજાયું કે શું થઈ રહ્યું છે, ગુલુ અને પટેલભાઈ બંને રિહાન પાછળ દોડવા માંડ્યા. આખા બગીચાના લગભગ બે રાઉન્ડ દોડતા દોડતા પુરા કર્યા.
પછી બગીચાના રાઉન્ડ પુરા કરીને રિહાન બેગ લઈને ત્યાં બાંકડા પર જ બેસી ગયો, ગુલુ અને પટેલ ભાઈ બન્ને હસતા હસતા ફરી પાછું બગીચાનુ
રાઉન્ડ પૂરું કરીને ત્યાં આવ્યા એટલે જોયું કે રિહાન બેગ લઈને અહીં જ બેઠો છે.
તરત જ પટેલભાઈએ રિહાનના હાથમાંથી પોતાની બેગ લઇ લીધી. પોતાની બેગ પાછી મળી ગઈ એટલે તેના ચહેરા ઉપર ખુશીની લાગણી એટલે કે આનંદ આવી ગયો.
અને બેગ તો હવે પોતાની પાસે આવી ગઈ હતી. એટલે રિહાન પર પટેલભાઈએ ગુસ્સો કીધો. ગુલુ કંઈ બોલે તે પહેલા જ રિહાને નિર્દોષભાવે જવાબ આપતા કહ્યું હું કોણ છું, તે પછી જણાવીશ. પરંતુ તમે અને ગ્રેન્ડમા વાત કરી રહ્યા હતા તે મેં સાંભળી હતી. એટલે મને થયું કે તમે સુખ શોધવા નીકળ્યા છો તો તમને આ બેગ પાછી મળી ગઈ એટલે તમારા મોઢા ઉપર મેં સ્માઈલ જોઈ હતી. તો શું તમને તમારૂં સુખ મળ્યું કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં થોડી મદદ કરી છે બસ.
12 થી 13 વર્ષના રિહાનનું આવું વર્તન જોઈને પટેલભાઈને આશ્ર્ચર્ય થયું તેમને પહેલીવાર ખ્યાલ આવ્યો કે સુખ તો આપણી પાસે હોય છે પરંતુ તે ખોવાઈ ગયા પછી ફરી પાછું મળવાની જે આશા હોય ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ.
ગુલુ પોતાના પૌત્ર રિહાન અને પટેલભાઈને ઘરમાં લઈ જાય છે. અને નવા વરસની મીઠાઈ ખવડાવે છે. ગુલ પટેલભાઈ ગળે ભેટે છે પટેલભાઈને જાણે શાંતિ થઈ હોય તેમ ગુલુને ભેટતા આંખો બંધ કરી દે છે. નવા વરસની શુભ કામનાઓ આપે છે.
ગુલુ, પટેલભાઈને પૂછે છે કે હવે તો તમે નિરાશ નથી? શું તમને સુખની રેસપી મળી ગઈને!! અને બન્ને હસવા માંડે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *