પપ્પાની લાડલી..

આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી કે દીકરાના દોસ્તોએ કે જેને તેઓએ માર્ગદર્શન આપેલ અમુક સમયે તે પણ ફેસબુકમાં તેમને ફાધર્સ ડે ની શુભકામના આપી રહ્યા હતા. બહારગામ પીકનીકમાં ગયેલી તેમની લાડકી ભત્રીજીનો ખાસ ફોન આવ્યો હતો, કાકા તમે મારા પિતા સમાન છો. ફાધર્સ ડે ની ખુબ શુભકામનાઓ. ભાણેજના પણ ફોન આવી ગયો, મામા, તમારૂં વહાલ ને હેત તો પિતાને પણ પછાડે તેવું છે. ધણીયાણી શરીને ખાસ તેમના માટે તેમને ભાવતો શિરો બનાવ્યો હતો. આજે ધાનશાકનો કાર્યક્રમ હતો. જન્મદિવસથી પણ વધારે મહત્વ તેમને આ ફાધર્સ ડે પર મળી રહ્યું હતું. કારણ કે આદિલ ટીચર હતા અને બાળકોને તે સાચી રીતે સમજાવતા ગુસ્સો કર્યા વગર. તેથી સ્ટુડન્ટસો તેમને ખુબ માન આપતા.
પરંતુ ખબર નહિં તેઓ બેચેન હતા. કઈંક હતું જે અધૂરૂં હતું. આ બધી ખુશીઓમાં એક હાસ્ય કરતો ચહેરો, એ મલકતું મુખડું તેમને યાદ આવી રહ્યું હતું. પાણીદાર એવી એ બે આંખો, કે જેમાંથી સદાય કરૂણા નીતરતી રહેતી હોય. ગુલાબની પાંખડી જેવા હોઠ, અને એ મધુર અવાજ કે જે હંમેશ આદિલને આકર્ષિત કરતો. તેને માટે તેમણે પોતાનું સઘળું સમર્પિત કર્યું હતું.
અચાનક ફોનની રિંગ વાગી.
હલો, પપ્પા સોરી થોડું મોડું થઇ ગયું પણ મને રાતના બાર વાગ્યાનું યાદ હતું પણ જુઓને ઘરના કામમાંથી નવરાશ જ ના મળી. મારા સસરાને આજે ડોકટર પાસે લઇ જવાના હતા. સાસુના મોસાળથી બધા મેહમાન આવવાના હતા. અનોશ પણ સવારથી રડતો હતો ને એમાં પાછા તમારા જમાઈનું ટિફિનને બધું તો ખરૂં જ. પણ તોય તમારો ચહેરો મારી નજર સામે જ તરવરતો હતો સતત. મારા વહાલા પપ્પા, ફાધર્સ ડે પર તમને એક કીસી કોટી.. તમે આ જ રીતે સુખી અને સમૃદ્ધ રહો બસ એ જ ઈચ્છું.
આદિલ ધ્રુસકે ચડી ગયા. તેને તેની દીકરીની યાદ બાળપણમાં લઈ ગઈ. જ્યાં સુધી આદિલ પોતાના ટયુશન અને કામ પતાવી ઘરે નહીં આવતા ત્યાં સુધી તેની વ્હાલી નીલુફર જમતી નહીં. તેને તેની મમ્મી કરતા પપ્પા વધારે વહાલા હતા. લગ્ન પણ નીલુફરે આદિલની પસંદથી જ કર્યા હતા. અને કહ્યું હતું મારા પપ્પા મારૂં સારૂં જ વિચારશેને. લગ્નની વિદાય વખતે આદિલ અને નીલુફર બન્ને ખૂબ રડયા હતા. આજે ફાધર્સ ડે ના દિવસે બધાના ફોન આવી ગયા પરંતુ તે પોતાની લાડલીના ફોનની જ રાહ જોતા હતા.
મારી વહાલી દીકરી. સાસરવાયી થઇ ગઈ તું મીઠડી બસ તારા જ ફોનની રાહ જોતો હતો. હવે મારો ફાધર્સ ડે ખરા અર્થમાં થયો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *