જાલેજરની બાનુ રોદાબે

એ અરસામાં જાલ પણ મીનોચહેરશાહ આગળથી આવી પુગ્યો અને સામ પોતાના બેટા સાથે રોદાબેને જોવા નીકળ્યો. મેહરાબે અને સીનદોખ્તે તેઓને માન અકરામથી આવકાર દીધો. કેટલોક વાર પછી સામે સીનદોખ્તને કહ્યું કે ‘રોદાબેને હજુ કેટલોક વાર સુધી છુપાવી રાખશો?’ એમ કહી પોતાની ધારેલી વહુને જોવા માંગી. સીનદોખ્તે જવાબ આપ્યો કે ‘જો તમો આફતાબને જોવા માંગો છો તો તેનો હદીઓ કયાં છે? સામે જવાબ કીધો કે ‘તમોને ગમે તે મારી પાસે માગી લો મારો ગંજ કે તાજ, તખ્ત કે શેહર, મારૂં જે પણ કાંઈ હોય તે તમારૂં છે.’ પછી રોદાબે હાજર થઈ અને તેણીને જોઈને સામ ઘણો ખુશી થયો. તેણીની પુરતી તારીફ કરી શકયો નહીં.

પછી સામે મેહરાબને પોતાની આગળ તેડયો અને રિવાજ અને ધર્મ મુજબ લગનનો ગાંઠ બાંધ્યો. એક તખ્ત ઉપર પરણતાં જોડાંને ખુશાલ બેસાડયા અને તેઓ ઉપર અકીક અને જબરજદનો નેસાર કીધો. આ મુજબ રોદાબે અને જાલની મહોબતનું શુભ પરિણામ આવ્યું. તેઓ શાદીના ગાઠમાં જોડાયાં અને તે લગનના પહેલા ફરજંદ તરીકે તેઓ ત્યાં જેહાં પહેલવાન રૂસ્તમ પેદા થયો. એ બેટાને જનમ અજબ રીતે થયો. નવ માસ પૂરાં થતાં રોદાબે ઘણું દુ:ખ ખમવા લાગી અને છુટકારો નહીં થયો. એક દિવસે તેણી આ દુ:ખ અને થાકથી ઘણી બીમાર પડી અને મહેલમાં રડારડ થવા લાગી. જાલ પોતાની પ્રિયાના બિછાના આગળ આવ્યો તેને યાદ આવી કે સિમોર્ગે તેને પોતાનું એક પીછું આપ્યું હતું એવું કહીને કે ‘તારી ઉપર કોઈ મુશ્કેલી આવી પડે ત્યારા આ પીછું બાળજે કે હું તારી મદદ આવીશ.’ જાલે તેમ કર્યુ અને કહ્યું કે ‘રોદાબેને પેટે એક ઘણો જોરાવર અને નામાંકિત બેટો પેદા થશે પણ તે સાધારણ રીતે નહીં અવતરશે. પહેલા તમો તેણીને શરાબ આપીને કેફમાં મસ્ત કરો કે તેણીને દુ:ખ લાગે નહીં. પછી એક તેજ હથિયાર લાવી એક હુશિયાર મરદ પાસે તેણીની બાજુ ચીરાવો અને તેમાંથી બચ્ચું કાઢી તે બાજુને પાછી સીવડાવી લો. પછી હું તમને કહું તે પાલો લાવી તેને દુધ અને કસ્તુરીમાં મેળવી સુકવો અને તે તેણીના ચીરેલા જખમ ઉપર લગાડો. પછી તેના ઉપર મારૂં એક પીછ ફેરવો.’ જાલે તેમ કર્યુ. એક હુશિયાર (શસ્ત્રવેદ)ને તેડયા અને તેણે સીમોર્ગના કહેવા મુજબ કર્યુ અને પેટ ચીરીને તે બાળકને બહાર કાઢયું.

જાલેજરની બાનુ રોદાબેની આ વાર્તા અહીંજ પૂરી થાય છે. આવતા અંકોમાં વાંચકો માટે રૂસ્તમની બાનુ તેહમીનાની જાણકારી રજૂ કરવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *