ભગવાનની કાબેલિયત

એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને એનો બીજો છેડો એમણે જીપના બમ્પર સાથે બાંધ્યો. પછી એમણે એમના મદદનીશને જીપ ધીમે ધીમે પાછળ લેવાનું કહ્યું. ઝાડ સારું એવું નમી જાય તો પોતે એ બચ્ચાને પકડી લે એવો એમનો વિચાર હતો.

પાદરી નમી રહેલા ઝાડ પાસે ઊભા રહ્યા. એમનો મદદનીશ ધીમે ધીમે જીપને પાછળ લેતો જતો હતો. ઝાડની ટોચ હવે પાદરીથી ત્રણેક ફૂટ જ દૂર રહી હતી. ઝાડ થોડુંક જ વધારે નમે તો બિલાડીનું બચ્ચું એમના હાથમાં આવી જાય તેમ હતું. અચાનક જીપના બમ્પર સાથે બાંધેલી દોરી તૂટી! ગોફણમાંથી ગોળો છૂટે એમ પેલું બચ્ચું ઊડીને બાજુના ઘર ઉપર થઈને ક્યાંક દૂર ફેંકાઈ ગયું. પાદરી અને એમના મદદનીશે આજુબાજુમાં ઘણી શોધખોળ કરી, પરંતુ એનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. અંતે સાંજ પડતા પાદરીએ પ્રયત્નો પડતા મૂક્યા અને જેણે એને બનાવ્યું હતું એ ભગવાનને જ એની કાળજી લેવા પ્રાર્થના કરી.

બે-ચાર દિવસ પછી ઘરવપરાશની થોડી ચીજો ખરીદવા માટે પાદરી બાજુના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા. અચાનક એમનો ભેટો એક મહિલા જોડે થઈ ગયો. એ મહિલા એની બિલાડીઓ તરફની નફરત માટે આખા વિસ્તારમાં જાણીતી હતી. બિલાડીઓના નામથી પણ એને સૂગ હતી. ફાધરને નવાઈ એ વાતની લાગી કે એ મહિલા બિલાડીઓ માટેનો ખોરાક (કેટ ફૂડ) ખરીદી રહી હતી. ફાધરે આશ્ચર્ય સાથે એને આ ફેરફારનું કારણ પૂછ્યું.

‘ફાધર! તમે ખરેખર મારી વાત નહીં માનો!’ એ સ્ત્રીએ વાત શરૂ કરી, ‘તમને તો ખબર જ છે કે મને બિલાડીના નામથી પણ નફરત છે, બરાબર! અને આજે હું આ બિલાડીઓ માટેનો ખોરાક ખરીદી રહી છું એની તમને નવાઈ પણ લાગતી હશે, ખરું?’

ફાધરે માથું હલાવીને હા પાડી.

‘પરંતુ ફાધર હકીકત એવી જ કંઈક બની છે કે તમે કદાચ નહીં માનો! મારી નાની દીકરી રોજ જીદ કરતી કે હું એને એક બિલાડી પાળવા દઉં. હું કાયમ એને ના પાડું. પરંતુ એ દીકરીને પ્રાણીઓ માટે અનહદ પ્રેમ છે. ચારેક દિવસ પહેલાં એણે બિલાડી લાવવાની ખૂબ જ જીદ કરી. મારી ના સાંભળીને એ ખૂબ જ રડી. એટલું રડી કે મને પણ દયા આવી ગઈ. એટલે એને સમજાવવા માટે મેં કહ્યું કે અમે તો બિલાડી નહીં લાવી દઈએ, પરંતુ ભગવાન જો આકાશમાંથી એને એકાદ બચ્ચું આપે તો એ જરૂર રાખી શકશે! એ દીકરીને મારા જવાબથી ખૂબ સંતોષ થયો હોય એવું મને લાગ્યું. મારી નજર સામે જ એ બગીચાની લોનમાં બેસી ગઈ અને આકાશ તરફ મોં કરીને બોલી કે, ‘હે ભગવાન! મારા માટે બિલાડીનું એક નાનકડું બચ્ચું મોકલી આપ! હું એને ખૂબ જ પ્રેમ કરીશ અને એનું ધ્યાન રાખીશ. આમીન !’ અને ફાધર! તમે ખરેખર નહીં માનો! બરાબર એ જ વખતે મારી દીકરીની સામે પડેલા ઘાસના ઢગલામાં બિલાડીનું એક બચ્ચું આકાશમાંથી આવીને પડ્યું! બોલો! અને આજ ચાર દિવસથી એ અમારા ઘરનું સભ્ય બની ગયું છે!’ એ સ્ત્રીએ વાત પૂરી કરી. ચાર દિવસ પછી પણ એનું આશ્ચર્ય ન શમ્યું હોય એવા ભાવ સાથે એ સ્ત્રી ત્યાંથી વિદાય થઈ.

પણ ફાધર ભગવાનની યોગ્ય સમયે પ્રાર્થનાનો જવાબ આપવાની કાબેલિયતને બીરદાવતા ખાસ્સી વાર સુધી ત્યાં જ ઊભા રહ્યા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *