અહમ!!

મુરતિયા વિશે ઈલાએ સાંભળ્યું, પુરાતત્વ વિદ્યાનો પોફેસર વિદ્વાન ઉંડો અભ્યાસી, સતત સંશોધનશીલ, બાગ-બગીચાનો ભારે શોખીન ભલે ને ત્રીસી વટાવી ચૂકેલો પણ તેની સાથે સુખી થઈશ એમ ઈલાને લાગેલું લગ્નની પહેલી જ રાતે.. મારે ગમે ત્યારે પ્રવાસે જવું પડે તેથી ઘરની તમામ જવાબદારી તારી. છોકરા થાય તોયે ઠીક એકાદ-બે બસ, હું પુરેપૂરો આપકર્મ છું. આ બધુ દિનાનાથે કરાર કરતો હોય એમ સંભળાવ્યું અને ઈલાએ મનને દાબીને સાંભળ્યું.

ત્રણ વરસમાં અનિકેતન અને અજિતાનો જન્મ થતા તેનું માતૃહૃદય અને લાડ લડાવવા તલપાપડ થયેલું પણ દીનાનાથનો કડક સ્વભાવ જોઈ મનને દાબી જ રાખવું પડલું. બાપનો સતત ઉપદેશ લેસન કરો મોટા થાવ આપકર્મી બનો. એક દિવસ અનિકેતની હઠથી ઈલાએ એને ટ્રીપ પર જવા દીધો. ત્યારથી ઈલાને રોજ ગણતરીના પૈસા આપવા માંડયા અને રાતે જોઈએ રજેરજનો હિસાબ.

ઈલા છોકરાની કોઈ હોશ સંતોષી નહીં શકી. ન મનગમતા કપડા ન હરવા-ફરવાનું ન રમવાનું-કૂદનાવનુ છતાં છોકરાઓને હમેશા સંભળાવવાનું, નસીબ સમજો કે આવા ઘરમાં જન્મ મળ્યો! અમને તો અભ્યાસના ચોપડા સુધ્ધા નહોતા મળ્યા. ઉછીના પુસ્તકો લાવીને અને શેરીના દીવે વાચી વાચીને હું આ પદે પહોંચ્યો છું! તમનેય કહી રાખું છું. એક ડિગ્રી મળશે ત્યાં સુધી પોષીશ પછી એ રહી આખી દુનિયા તમારી!

છોકરાઓ માને કહેતા, તારૂં આવું કેવું? પપ્પા પાસે કશુંય ચાલતુ નથી? અમારા દોસ્તો તો નાની નાની વાતમાં બાપને પૂછતાં સુધ્ધા નથી.. શું તને તારૂં કંઈ જ સ્વમાન નથી? તારે એમની જરૂર છે તેમ એમને પણ તારી નથી? તું જ બીકણ છે..

અજિતા અત્યંત બુધ્ધિશાળી હતી. દર વરસે સ્કોલરશીપ પણ મેળવતી. વકૃતત્વ સ્પર્ધામાં ઈનામ લઈ આવતી. રમત-ગમતમાં આગળ, દીનાનાથ સમજતો કે આ છોકરી પોતાનું નામ કાઢશે. પરંતુ ભારે સ્વંતત્ર ને તેજ સ્વભાવની હોવાને લીધે હાથમાં નહી રહે એ બીકે દીકરી માટે કદી પ્રશંસાના બે વેણ કહેતો નથી. છોકરાઓ મોટે થતાં ચાલ્યા તેમ સંઘર્ષ વધતો ચાલ્યો. એક દિવસ અજિતાએ બાગમાંથી ફૂલ તોડી માથામાં નાખ્યું અને ઘરમાં ધડાકો થયો. પ્રોફેસરનો સિધ્ધાંત કે ફૂલ છોડ પર જ શોભે, માથામાં નાખવાથી શું મોઢું બદલાઈ જાય છે?

અજિતાએ છણકો કર્યો, ‘જાવ તમારા બગીચામાં આજથી અમે કોઈ પાણી નહીં રેડીએ!’ દીનાનાથ મારવા દોડયો. ઈલાએ વાર્યો દીકરીને પણ સમજાવી પણ અજિતા ભભૂકી ઉઠી, ‘શું મને ખાઈ જશે? દરેક વાતમાં હિટલરશાહી કેવી? જોયા ન હોય મોટા પુરાતત્વવેતા! ઘરના માણસના મન તો સમજતા નથી.’

આવું અવારનવાર થવા લાગ્યું. ઈલા ઘણું સમજાવતી કે એક આગ તો બીજું પાણી, નહીં તો ઘરમાં શાંતિ ન રહે. પણ અજિતા ઉકળી ઉઠતી બધાને દબાવી રાખવા અને એકનું વર્ચસ્વ સ્થાપવું એને તું શાંતિ કહે છે? રળી લાવે એટલે આવો અધિકાર નથી મળી જતો.

અને એક દિવસ દિનાનાથે કહી દીધું કે આટલો ઘમંડ હોય તો ચાલી જા મારા ઘરમાંથી અને અજિતા ઘર છોડી હોસ્ટેલમાં ગઈ. અનિકેત પણ બીએ થઈ નોકરી લઈ જુદો થયો. છોકરા વિનાનું ઘર ઈલાને ખાવા આવતું. હવે પ્રોફેસર સાહેબ પણ રિટાયર્ડ થયા છે. એક સંશોધન ગ્રંથ લખી રહ્યા હતા. મોટું મકાન બાંધ્યું છે તેમાં છે માત્ર બે જણ, સરસ બગીચો છે તેમાં શાકભાજી, ફલફૂલ ખૂબ થાય છે પણ કોઈ ખાનાર નથી.

અનીકેતને ઘેર દીકરો આવ્યો જાણી ઈલાથી ન રહેવાયુ બીતા બીતા એ પૌત્રનું મોઢું જોઈ આવી. થોડા દિવસે માંડ વાત કાઢી દીકરો વહુ નોકરી કરે છે. નાનુ બાળક કેમ સચવાશે? આપણે ત્યાં લઈ આવીએ તો?

જવાબ મળ્યો, ‘એ લોકો યાચના કરતા આવ્યા છે?’ આ સાંભળી ઈલાનું શરીર લથડયું, પ્રોફેસરે મેડિકલ ચેકઅપ કરાવ્યું પણ ભાંગેલા મનની વાત તેમાં કયાંથી આવે? એ લગભગ પથારીવશ રહેવા લાગી ત્યાં એક દિવસ તાર આવ્યો. તે વાંચીને પ્રોફેસર આનંદવિભોર થઈ ઉઠયા. એમના સંશોધન ગ્રંથને આંતરરાષ્ટ્રિય સમજદારી માટેનું મોટું ઈનામ મળેલું પણ એમના એ આનંદમાં ભાગીદાર થનાર કોઈ નહોતું.

મિત્રો આવીને વધાઈ આપી ગયા. ફોટોગ્રાફર ફોટા લઈ ગયા અને છાપાવાલા મુલાકાતમાં એકે પૂછયું, આવડા મોટા સન્માનનું શ્રેય તમે કોને આપો છો? તમારા કુટુંબનો ફાળો તેમાં મોટો હશે.

હા, કુટુંબના લોકોની ગેરહાજરીને લીધે મારા કામ ઘણી અનુકૂળતા રહી એ એમનો ફાળો!

બાજુના ઓરડામાં સૂતેલી ઈલાએ ઝટ માથે ઓઢી લઈ હળવું ડૂસ્કુ મૂકયું!

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *