રાજકુંવરના લગ્ન બંગાલની રાજકુંવરી સાથે

મહારાજાના હુકમથી ભૂત કાઢવાની સર્વે તૈયારીઓ હકીમે કરી. એક ચોગાનમાં તેણે રાજકુંવરીને સારી રીતે ખવડાવી પીવડાવી, ઉત્તમ કપડાં પહેરાવી, ઉભી રાખી. પડખે પેલો ઉઠણ ઘોડો લાવી રાખ્યો. આસપાસ મોટાં કુંડાળામાં હકીમે અગ્નિ સળગાવ્યો અને તેની અંદર ખૂબ સુખડ, અગર વિગેરે નાખી ખુબ ધુમાડો વધારી દીધો. મહારાજા અને તેનો રસાલો તે અગ્નિવાળા કુંડાળાથી થોડા દૂર બહાર બેઠાં હતા. તેઓ સૌ બહુ ધુમાડો થવાથી હજી જરા વધુ છેટે જઈ બેઠા.
ચોમેર અગ્નિ અને ધુમાડો અને તેમની વચ્ચે અંદર કુંડાળામાં રાજકુંવરી, શાહજાદો અને ઘોડો આ ત્રણ માત્ર હતા. શાહજાદો મોટે મોટે કંઈ નહી સમજાય તેવું બડબડતો હતો અને શાંત ઉભેલી રાજકુંવરીને કાનમાં કહેતો જતો હતો કે તૈયાર રહેજે. ખૂબ ધુમાડો થાય કે તું ઘોડા ઉપર બેસી જજે. જેવી તું ઘોડા ઉપર બેસશે કે હું તુરત આગળ કૂદી બેસીશ અને ચાંપ દાબી ઘોડો કૂદાવીશ. માટે હિમ્મત પકડી તૈયાર રહેજે. આમ ચબરાક શાહજાદા ફિરોઝે હકીમના વેષમાં પોતાની પ્યારીને બચાવવા તાગડો રચ્યો.
ખૂબ ધૂમાડો થયો. શાહજાદાએ જોરથી ઢોલ વાજા વગાડવાનો હુકમ કર્યો. વાજાંઓની ગડબડમાં અને ઢોલોના ધડાકામાં તેમજ ધૂમાડાના ગોટેગોટામાં કોઈ જોઈ કે જાણી શકયું નહી કે રાજકુંવરી તથા શાહજાદો ઘોડા ઉપર બેસી કયારનાએ ઉડી ગયા હતા.
જ્યારે ઉડતા ઘોડા ઉપરથી શાહજાદાનો હસવાનો અવાજ આવ્યો ત્યારે મહારાજાએ તેમજ બીજાઓએ જોયું કે હકીમ તો તે રાજકુંવરીને ઘોડા ઉપર બેસાડી ઉઠાવી જાય છે. થોડીવારમાં તે ઘોડો, રાજકુંવરી અને શાહજાદાને લઈ આકાશમાં ગેપ થઈ ગયો!
કાચા કાનના વહેેમી મહારાજા તો રડતાજ રહ્યા! કુંવરી ગેપ થઈ ગઈ અને તેની પરણવાની ઉમેદ સર્વે હવે નાશ પામી. શાહજાદાએ હવે ઘોડાને ખૂબ જોરમાં ઉડાવ્યો. ટૂંક વખતમાં તે ઈરાન જઈ પહોંચ્યો. પોતાના બાપને શિરાઝ શહેરમાં જઈ મળ્યો અને પછી ખૂબ ઠાઠમાઠથી તેણે રાજકુંવરી સાથે લગ્ન કર્યા. ત્યારપછી તેની સાથે ઘણાં આનંદથી તેણે જીવન ગાળ્યું.
આમ આગલા જમાનામાં ઉઠાણ ઘોડાના જોરે ઈરાનના રાજકુંવરના લગ્ન બંગાલની રાજકુંવરી સાથે થયેલા હતા.
હાલ જમાનો એરોપ્લેનનો છે તેથી હવે થોડા કલાકમાં હિન્દુસ્તાનથી ઈરાન જઈ શકાય છે. હવે તો દુનિયા આખીએ એરોપ્લેનમાં કદી બેસો ત્યારે, આ જૂના જમાનાના હિન્દુસ્તાનમાં બનેલા ઉડણ ઘોડાને યાદ કરજો અને તે વખતની કરામતો પણ કંઈ ઓરજ હતી તેના ઉપર ખ્યાલ દોડાવજો.
(સમાપ્ત)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *