કાસની રાણી સોદાબે

તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા તૈયાર થયો. તેણી બિચારી એક દુ:ખમાંથી નાઠી તો આ બે પહેલવાનોની મારામારી વચ્ચે બીજાં દુ:ખમાં આવી પડી. એવામાં એક ત્રીજો પહેલવાન ત્યાં આવી લાગ્યો, અને તેણે તેઓને સમજાવ્યા, કે ‘તો તમારો મુકદમો પાદશાહ આગળ આગળ લઈ જાઓ અને પાદશાહ કહે તેમ કરો.’ તેઓએ તેમ કર્યુ. તેઓ તેણીને પાદશાહ આગળ લઈ ગયા અને સઘળી હકીકત કહી. પાદશાહ તેણીની ખુબસુરતી જોઈ તેણીની ઉપર મોહી પડયો અને તેણીને પોતાની રાણી બનાવી. પોતાની સોદાબે રાણી ઉપરાંત તેણે આ બીજી રાણી કીધી.

હવે થોડાક વખતબાદ, તેણી આશાવંતી હાલતમાં આવી અને નવ મહિના બાદ, તેણીએ એક અત્યંત ખુબસુરત બેટાનો જન્મ આપ્યો. એ જવાન બાળકની ખુબસુરતીની સઘળાઓ તારીફ કરવા લાગ્યા. પાદશાહે તેનું નામ સીઆવક્ષ આપ્યું. તેની અત્યંત ખુબસુરતીને લીધે પરણતાં જોડાને આશીર્વાદ દેતા હાલમાં પણ દુઆ ગુજારવામાં આવે છે કે ‘હુદીદ બેન ચુન સીઆવક્ષ’ એટલે ‘સીઆવક્ષના જેવા સારા દેખાવવાળા થજો.’ પેગમ્બર જરથોસ્તની આફ્રીનમાં પણ એજ સબબે દુઆ ગુજારવામાં આવે છે કેસત્રીરેમ કેહર્પેમ…બવાહી યક્ષ કવ સ્યાવર્શાનો’ એટલે સીઆવક્ષના જેવા ખુબસુરત શરીરના થજો.’ આ તેની અત્યંત ખુબસુરતી પાછળથી તેનો નાશ આણનાર સબબ થઈ પડી.

સીઆવક્ષના જન્મ પછી જ્યારે રૂસ્તમ પાદશાહ આગળ આવ્યો, ત્યારે આ બાળક શાહજાદાને જોઈ ખુશ થઈ ગયો. અને પાદશાહને કહ્યું કે ‘આ શાહજાદાને તું મને સોપ, કે હું તેને  સારી રીતે ઉધારૂ અને કેળવું.’ કૌસે શયાવક્ષને રૂસ્તમને હસ્તક સોંપ્યો અને રૂસ્તમે તેને કેળવણી આપી ઘણો હિમ્મતવાન દલેર અને બહાદુર પહેલવાન તરીકે ઉધાર્યો. પછી સીઆવક્ષ પોતાના બાપની દરબારમાં આવ્યો. કૌસ તેને આવી રીતે બહાદુર અને શાનશોકતનો જોઈ ખુશી થયો અને ખુદાતાલાના શુક્રાના કરવા લાગ્યો.

હવે માઠા ભાગ્યે આ વખતે સીઆવક્ષની માતા મરણ પામી. સીઆવક્ષ તેણીનો ઘણો ગમ કરવા લાગ્યો. દરબારના પહેલવાનો તેને ઘણો દિલાસો દેવા લાગ્યા કે ‘જેબી કોઈ જન્મ્યુ તે મરવા વિના રહેનાર નથી. વળી યાદ રાખવું કે તેણી પેલી જેહાનમાં ગઈ છે અને ત્યાં હૈયાત છે.’

કહે છે કે આ બનાવ પછી એક દહાડે સોદાબેએ પોતાના સાવકા બેટા સીઆવક્ષને જોયો અને તેની ઉપર નાલાયક રીતે મોહી પડી. તેણીએ સીઆવક્ષને પોતાના મહેલમાં તેડાવ્યો. સીઆવક્ષે ના પાડ્યું કે ‘બાનુઓના ઓરડામાં મારૂં શું કામ છે?’ ત્યારે બીજે દહાડે સોદાબેએ કૌસ પાદશાહને કહ્યું કે ‘સીઆવક્ષ અમો બાનુઓ આગળ આવતો જતો નથી. અમો સર્વ એને ચાહીએ છીએ અને અમારો જીવ એનામાં ભરાઈ રહે છે. એની બહેનો એને અવારનવાર જોવાને અને મલવાને માંગે છે.

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *