નાતાલ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

નાતાલ એ પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને એ વિશ્ર્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જો કે, બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઇ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમકે, એ સમયે ઘેટાપાળકોની ઘેટાઓ સાથેની સીમોમાં હાજરી એ વસંતના સમયનો ઉલ્લેખ કરે છે.
એ ઉપરાંત ઈસુનાં જન્મ સમયે રોમન સરકારે કરાવેલી વસતી ગણતરી તથા ઈસુનાં મરણ જેવા ઐતિહાસિક તથ્યોનાં આધારે આ સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ મનાય છે. ઈસુનાં દર્શન અને અર્ચન અર્થે પૂર્વમાંથી માગી રાજાઓ આવ્યા હતા એ ઘટનાની યાદમાં 6 જાન્યુઆરીના રોજ એક મહત્વનો તહેવાર ઉજવાય છે. આ ઘટના પણ 25 તારીખે નાતાલ હોવાની શક્યતાને સમર્થન આપે છે. કેટલાક વિદ્વાન એવું પણ માને છે કે ત્રીજી શતાબ્દિમાં રોમનોનાં કૃષિ દેવતાનાં તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને તત્કાલીન ખ્રિસ્તી આગેવાનોએ આ તારીખની પસંદગી કરી હતી.
સાન્તા ક્લોઝ અને નાતાલને શું સંબંધ છે?
નાતાલ તો તારણહાર પ્રભુ ઈસુના જન્મનો અને એ જન્મ મારફતે માનવજાતને પ્રાપ્ત થતી અનંતજીવનની ભેટનો અવસર છે એટલે સાન્તા ક્લોઝ અને નાતાલને ઐતિહાસિક કે આધ્યાત્મિક તો કોઇ સંબંધ નથી, પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્ર્વરનાં માનવજાત પ્રત્યેનાં ઉદાર પ્રેમને વ્યક્ત કરતી એક પ્રથાની સ્થાપના સાથે તેમનું નામ જરૂરથી જોડાયેલું છે.
સાન્તા ક્લોઝનું મૂળ નામ સેંટ નિકોલસ હતું. તેઓ ચોથી સદીમાં થઇ ગયેલા એક ગ્રીક સંત હતા. તેઓ આજના તૂર્ફીના રહેવાસી હતા. તેઓ બાળકોને ભેટ આપવા માટે જાણીતા હતા. આથી નાતાલના પર્વ નિમિતે બાળકોને અને મોટેરાઓને ભેટ આપીને પ્રેમ દર્શાવવા માટે પ્રતીક તરીકે સાન્તાનો ઉપયોગ કરવામાં આવે છે.
સાન્તાના કપડા લાલ શા માટે હોય છે?
સાન્તાના કપડા લાલ જ શા માટે હોય છે તેની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. કહેવાય છે કે આજના સાન્તા ક્લોઝનાં પરીવેશમાં કાર્ટુનીસ્ટ થોમસ નાસ્ટેનું બહું મોટુ યોગદાન છે. તેમણે 1868માં હાર્પર વીકલી માટે સાન્તા ક્લોઝનું ચિત્ર તૈયાર કર્યુ હતું.
તે પછી 1930થી 1940ના દાયકામાં કોકાકોલા કંપનીએ તેની જાહેર ખબરો માટે આર્ટીસ્ટ હેડોન સેન્ડબ્લોમ પાસે કેટલાક નજીવા ફેરફારો સાથે સાન્તા ક્લોઝની તસવીર તૈયાર કરવી હતી અને આજે પણ એ તસવીરોના આધારે સાન્તા ક્લોઝનો દેખાવ તૈયાર કરવામાં આવે છે.
સાન્તા ક્લોઝ અને ગીફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો?
સાન્તા ક્લોઝ જેમનું પ્રતીક છે એવા સંત નિકોલસ તેમની ભેટ આપવાની પ્રથા માટે જાણીતા હતા. ઈસુએ કહ્યું હતું કે, જેની પાસે વધારે હોય તે પોતાના જરૂરીયાતમંદ માનવબંધુને આપે, તેમની આ જ વાતનાં આધારે તેમના શિષ્યોએ પણ સ્વીકાર્યુ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે તેથી જે ગરીબને આપે છે તે પ્રભુને ઉછીનું આપે છે.
આ સિધ્ધાંતોનાં આધારે ખ્રિસ્તી ધર્મમાં ઈસુના જન્મની ઉજવતી પ્રસંગે ભેટ આપીને પ્રેમ દર્શાવવાની પ્રથા શરૂ થઈ અને એ પ્રથાને વિશ્ર્વવ્યાપી બનાવવાનું શ્રેય સંત નિકોલસને આપી શકાય.
સંત નિકોલસે ત્રણ ગરીબ છોકરીઓને ગુપ્તમાં મદદ કરીને વેશ્યાવૃતિમાં ધકેલાઇ જતા બચાવી હતી એ પ્રસંગ ખૂબ જાણીતો છે.
નાતાલ સમયે કેરોલ્સ ગાવાનું શું મહત્વ છે?
ખ્રિસ્તી ધર્મના સ્થાપના કાળથી સંગીતનું મહત્વ રહ્યું છે. કિંગ ડેવીડે લખેલા સામ્સના ગીતો આજે પણ વિવિધ સ્વરૂપે આખા વિશ્ર્વમાં ગવાય છે.
આવા કેટલાક ગીતો વિશ્ર્વભરમાં જાણીતા છે જેને ક્રિસ્મસ કેરોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. મૂળે લેટીનમાં લખાયેલા આ ગીતો વિશ્ર્વની દરેક ભાષામાં ગવાય છે. આનંદની વાત એ છે કે આ ગીતોની કેવળ ભાષા જ બદલાવામાં આવી છે બાકી રાગ તો આખા વિશ્ર્વમાં એકસરખો જ રહે છે.
બ્રિટનમાં વિલિયમ સેન્ડીઝ તથા ડેવીસ ગીલ્બર્ટ નામનાં બે ધર્મપ્રેમી સાહિત્ય રસિકોએ ઇગ્લેન્ડના ગ્રામીણ પ્રેદેશો ખૂંદીને જૂના ખ્રિસ્તી ગીતો એકત્રીત કર્યા હતા અને એમાંથી મોટા ભાગના કેરોલ્સ મળી આવ્યા છે.
નાતાલ વખતે ક્રિસ્મસ ટ્રીનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો?
યુરોપનાં ખ્રિસ્તીઓ નાતાલની ઉજવણી કરતા પોતાના ઘરમાં ફર કે પાઈનના વૃક્ષની ડાળીઓનો શણગાર કરતા. આમ કરવા પાછળ તેમનો હેતુ વસંત ઋતુંનો અનુભવ મેળવવાનો હતો. ઉત્તર યુરોપમાં અંદાજે 1 હજાર વર્ષ પહેલા નાતાલવૃક્ષ સજાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. એ સમયે ચેરી અને હોથ્રોન જેવા કૂંડામાંના છોડને પણ ક્રિસ્મસ ટ્રી તરીકે શણગારવામાં આવતા.
એવું કહેવાય છે કે જર્મન પ્રીસ્ટ માર્ટીન લ્યૂથર નાતાલની આગણી રાતે એક ગાઢ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે આકાશમાં જોયું તો જંગલના વૃક્ષોની ડાળીઓ ઉપર તારાઓ ચમકી રહ્યા હોય તેવો આભાસ રચાયો હતો. આથી તેમણે ઘરે જઈ તેમના બાળકો પાસે ક્રિસ્મસ ટ્રી તૈયાર કરાવ્યું હતું.
એક માન્યતા એવી પણ છે કે બાઇબલમાં ઈશ્ર્વરે મોઝીસને સૂચવેલા મુલાકાત મંડપમાં દિપવૃક્ષ જેવી રચના હોવાનો ઉલ્લેખ છે. આ બન્ને બાબતો નાતાલનાં ક્રિસ્મસ ટ્રીની પ્રથામાં વણી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરીકન ટેક્નોલોજીસ્ટ રાલ્ફ મોરીસે 1895માં ક્રિસ્મસ ટ્રીને ઇલેક્ટ્રીકલ લાઇટો વડે શણગારવાનું શરૂ કર્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *