શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

મારયો તેણીએ પોકાર એક સખ્ત,
“અફસોસ! કે મારૂં એવું બદ બખ્ત!
બાળ્યું મેં દિલ, કાહડ્યો મેં વખ્ત,
આંખમાંથી રેડ્યાં આંસુ બહુ સખ્ત!
બેજનને આપ્યું મારૂં મે દેલ,
તે ખાતર છોડ્યાં મા બાપ ને મેહેલ,
તે ખાતર તજ્યાં ખાંન અને પાંન,
થાય છે તે આખેર એમ બદ ગુમાંન!
બાપ અને ખેશીઓ થયાં બેજાર,
રખડી ને રઝળી સર્વને દ્વાર;
ગંજ અને દીનાર, ગોહર ને તાજ,
સર્વને તજી બેઠી હું આજ!
ઉમેદો તજી થઈ નાઉમેદ,
જેહાંન થઈ શીહા, આંખો સફેદ;
પણ છુપાવે હવે ભેદ અને રાજ,
પિછાણનાર તુંજ છે, ઓ કારસાજ!”

આ સખુનો સાંભળી બેજન મનમાં ઘણો મુઝાયો અને મનીજેહ પાસે દરગુજર ચાહી, કે “હા ખરૂં છે, કે તેં મારે ખાતર બધું તજ્યું છે. પણ આ દુ:ખથી મારૂં મગજ ઠેકાણે રેહેતું નથી. હવે તું જાણ કે પેલો વેપારી મને આ રંજમાંથી છોડવશે. તેની આગળ તું જા, અને અરજ કરીને પુછ, કે શું તે રખશનો માલેક યાને રૂસ્તમ છે?”

મનીજેહ દોડતી તે વેપારી આગળ ગઈ અને બેજને પુછવા કહ્યું તેમ પુછ્યું. રૂસ્તમે જાણ્યું, કે તેની વીંટી ઉપરથી બેજને તેને પિછાણ્યો છે અને તેણે આ બાનુને તે વાત કહી છે. આથી તેણે જવાબ દીધો કે “હા, હું રૂસ્તમ છું. હવે તું આ વાત કોઈને કહેતી ના. તુ ગુપચુપ જા અને થોડાંક લાકડાં બેજનના બંદીખાનાના ગાર આગળ લાવી રાખ, અને  રાતના તે સળગાવજે કે તેની રોશનીથી હું તેના ગારની જગ્યા શોધી શકું.”

મનીજેહ ખુશી થતી બેજન આગળ ગઈ અને તેને સઘળી ખબર કહી. બેજન તથી ખુશ ખુશ થઈ ગયો અને તેણે દાદારની બંદગી કરી શુક્રાના કીધા.

મનીજેહ હવે જંગલ ભણી ગઈ અને ઝાડે ઝાડ ચહડી પોતાને હાથે સુકાં લાકડાં પાડ્યા અને પેલા ગાર આગળ એકઠાં કરી રાત પડતાં તે સળગાવ્યાં.

રાત પડતાં રૂસ્તમે તે દાદારને યાદ કરી તેની મદદ માંગી અને પછી લડાઈનું બખતર પેહરી પોતાના સાત પહેલવાનો સાથે જંગલ ભણી ગયો. તે મનીજેહે સળગાવેલા આતશની ભભુક જોઈ તે તરફ ગયો. ત્યાં આવતાં તેણે બંધીખાનાના ગાર ઉપર એક મોટો પથ્થર ઢાંકેલો જોયો. તે પથ્થર ઉપર થોડોક ભાગ ઉંઘાડો હતો. તેમાંથી મનીજેહ બેજનને ખાણું પહોંચાડતી હતી. રૂસ્તમે પોતાના પહેલવાનોને કહ્યું કે “આ પથ્થર હવે ઉંચકી નાખો.” તેઓએ ઘોડા ઉપરથી ઉતરી ઘણી કોશેશ કીધી, પણ પથ્થર એવો ભારે હતો કે તેઓ તે ખસેડી શક્યા નહિ. ત્યારે રૂસ્તમ પોતે ઘોડા ઉપરથી ઉતર્યો અને દાદારને યાદ કરી એકદમ જોર કરી તે પથ્થરને દૂર ફેંકી દીધો. આ પછી ગારના મોંહ આગળ આવી તેણે બેજન સાથે વાત કરવા માંડી. તે બોલ્યો કે “બેજન! તું અહીં ક્યાં આવી પડ્યો? તુંને દુનિયામાં નાજ અને સુખ ઘણું હતું, તે છોડી આ રંજમાં શું કરવા આવી પડ્યો?” બેજને અંદરથી જવાબ આપી રૂસ્તમની ખબર પુછી અને કહ્યું કે “તારો અવાજ મેં સાંભળ્યો, કે મારાં સઘળાં દુ:ખનું ઝેર મધ મિસાલ થઈ ગયું છે.” રૂસ્તમ બોલ્યો કે “હું તને બહાર કાઢું, તેની આગમચ મારે તુને એક અરજ કરવી છે, કે તું ગુર્ગીનને માફ કર અને તેનાપર કીનો લે નહિ.” બેજને જવાબ દીધો કે “ઓ પહેલવાન! તું જાણતો નથી કે ગુર્ગીને મારી સાથે કેવી વર્તણુંક ચલાવી છે! મારી નજર એનાપર પડશે, તેવોજ હું તેની ઉપર કીનો લઈશ.” ત્યારે રૂસ્તમે કહ્યું કે “જો તું મારી માગણી કબૂલ રાખવા માંગતો નથી તો હું તુંને આ ગારમાં મેલી પાછો જાઉં છું.” અંતે બેજને તેનો સખુન કબૂલ કર્યો, અને ગુર્ગીનને માફ કીધું. હવે રૂસ્તમે પોતાની કમન્દ નીચે ગારમાં ફેંકી અને તે પકડી બેજન ઉપર ચઢી આવ્યો. તેના પગોમાં અને હાથોમાં જે બેડીઓ હતી તે રૂસ્તમે ભાંગીને કાઢી નાખી. પછી ગુર્ગીન બેજન આગળ આવ્યો અને તેને પગે પડી પોતાની તકસીર માટે માફી ચાહી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *