કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

પછી મારી રાણી બોલતી બંધ થઈ. તે તથા તેનો યાર તે વન માહેલી પગથીને નાકે આવી પહોંચ્યા અને બીજી પગથી પર ચાલવા જતા મારી પાસે થઈને ચાલ્યા. મે મારી તલવાર ખેંચી રાખી હતી તે પેલો માણસ જેવો મારી અડોઅડથી ચાલ્યો કે તેની ગરદન પર મારી તેવોજ તે જમીનદોસ્ત થયો. હું ધારૂ છું કે મે તેને ઠાર મારયો હતો અને તે વિશેની તેહકીક કર્યા વગર જ ત્યાંથી ગુમ થયો કે રખેને મારી રાણી મને ઓળખી કાઢે! મારી રાણીને પણ ઠાર મારતે પણ તે મારી સગી હતી તેથી મેં તેને જવા દીધી.
જો કે મારી રાણીના યારને થયેલો ઝખમ પ્રાણઘાતક હતો, પણ તેણીએ પોતાની જાદુઈની હિકમતથી જે સહેજસાજ જીવ બાકી રહેલો હતો તે તેના કાલબુદમાં અટકાવી રાખ્યો હતો. જ્યારે મહેલમાં જવા માટે હું બાગમાંથી પસાર થતો હતો ત્યારે મે રાણીને ઝારઝાર રડતા સાંભળી તેણીના રૂદન પરથી તેના દિલમાં થયેલા ગમનો વિચાર બાંધતા તેના યારને એકદમ મારી ન નાખ્યો તેથી હું દિલગીર થયો નહીં. હું મારા દિવાનખાનામાં પાછો આવ્યો ને આરામ કરવા ગયો અને જે નાપેકારે બદફેલી કરી મને દુ:ખ પહોંચાડયું હતું તેનું વેર લીધાથી સંતોષ પામી હું ઉંઘમાં પડયો. બીજે દિવસે જાગી ઉઠયો ત્યારે મારી પાસે રાણી સુતેલી હતી. હું ચોકકસ કહી શકતો નથી કે તે બદફેલ ઓરત તે ખરેખરી ઉંઘમાં હતી કે જાગૃત હતી પણ તેને છેડયા વગર હું ઉઠયો અને હમામખાનામાં ગયો અને ત્યાં આંગ પાક કરી નવાં કપડાં પહેર્યા. ત્યારબાદ હું મારા દરબારીઓની મિજલસમાં ગયો. જ્યારે હું ત્યાંથી પાછો ફર્યો ત્યારે રાણી રડતી કુટતી અને બાલ પિખતી મને મળવા આવી. તેણીએ શોકનો લેબાશ પહેરેલો હતો. તે મારી પાસે આવી બોલવા લાગી કે મારા ખાવિંદ! હું તમને અરજ કરૂં છું કે આ મારી હાલત જોઈ તમો દિલગીર થશો ના. હમણાંજ મારે ત્યાં જે ત્રણ ઘાત થઈ છે તેના સમાચાર મેં સાંભળ્યા છે તેથી મને એટલું તો દુ:ખ થયું છે કે હું તે વિશે એક હરફ પણ કાઢી શકતી નથી. પછી મેં પૂછયું કે પ્યારી જે ત્રણ ઘાત થઈ છે તે કઈ કઈ છે તે મને કહેશો? તે બોલી મારી મહેરબાન માની, મારા પ્યારા બાપની તથા મારા મોટા ભાઈની ઘાત થઈ છે મારો બાપ લડાઈમાં માર્યો ગયો અને મારો ભાઈ પહાડ પરથી ગગડી પડી મરણ પામ્યો, અને તેઓનો ગમ ખાઈને મારી પ્યારી માતા પણ મરણ પામી છે. મારી રાણીએ પોતાના દુ:ખનું ખરેખરૂ કારણ છુપાવી નવું ઉભું કીધું તેથી હું કાઈ દિલગીર થયો નહીં અને મેં ધાર્યુ કે હું તેના યારનો ખુની છું તેની તેને ખબર નથી મેં કહ્યું કે બાનુ તમારા ગમને માટે હું કાંઈ તમને દોષ દેતો નથી બલકે ઓર હું તમારો સરીક છું. આ પ્રકારના ગજબથી જો તમારા દિલમાં દુ:ખ ઉત્પન્ન નહીં થાય તો હું ઘણોજ અજબ થાઉ, માટે તમે બેલાશક રડો કારણ કે તમારા આંસુ જે છે તે તમારા દિલની માયાળુપણાની અચુક બંધાણીઓ છે. હું ઉમેદ રાખું છું કે જેમ જેમ વખત જતો જશે તથા ફિલસુફીના ઉમદા વિચારો તમારા મન પર અસર કરશે તેમ તેમ, તમે તમારૂં દુ:ખ વિસરતા જશો અને હમેશની પેઠે તમારો ખુશ મિજાજ બતાવતા રહેશો.
(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *