ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે છતાં ખલીફે કહ્યું કે ‘હું તને ફરમાવું છું કે તું બારણું ઠોક!’
ખલીફના આ લગાર સખત હુકમથી આખરે વડા વજીર જાફરે બારણું ઠોકયું. ત્રણે બાનુએ નાચવાનું થોભાવી સફીયએ બારણું ઉઘાડયું અને તેણીના હાથમાં બત્તી હતી તેની રોશનીથી વજીરે જોયું કે તે એક સુંદર બાનુ હતી. આ જગ્યાએ તે વજીરે પોતાની ચતુરાઈ અચ્છી રીતે વાપરી. તેણે પહેલા તો ઘણી જ નમનતાઈનો નમસ્કાર કીધો અને ઘણાજ આબરૂ ભરેલા દેખાવથી તેને કહ્યું કે ‘બાઈ! અમો મોસલ શહેરના ત્રણ સોદાગરો છીએ. અમો અત્રે દસ દિવસ થયા આવ્યા છીએ અને અમો ઘણો કિમતી સામાન અમારી સાથે લાવ્યા છીએ અને એક ધર્મશાળા જ્યાં અમો ઉતરયા હતા ત્યાં અમે દિવસો ગુજારતા હતા. આજ અમો એક મિત્રને ત્યાં ઉજાણીએ ગયા હતા કારણ કે તેણે અમને નોતુરૂં દીધું હતું. સઘળી પ્રકારની અમારી ખિદમત બજાવવામાં તેઓએ કશી ખામી રાખી નથી શરાબ પીધાથી અમો ખુબ કેફમાં આવ્યા હતા. તેથી ગાયન સાંભળવાનો શોખ થયો અને તે માટે ગવૈઆઓને બોલાવી મંગાવ્યા. રાત ઘણી વહી ગયેલી હતી અને સર્વે ગાતા તથા વાજીંત્ર વજાડતા તથા નાચતા હતા. એવામાં તે રસ્તેથી પહેરેદારો જતા હતા તેઓએ આવી બારણું ઉઘાડવાની અમને ફરજ પાડી. ત્યાં એકઠા મળેલા મેજબાનોમાંથી કેટલાકને કેદ પકડયા અને અમો સારાં ભાગ્ય દેવાલ કુદાવી ગયાથી બચી ગયા. પણ અમોએ શરાબ કાંઈક વધારે પીધો છે અને અમે અત્રે પરદેશી છીએ તેથી અમને ભય લાગે છે કે પહેરાગીરોના બીજો ભાગ જો આવી લાગશે તો તેઓ અમને જરૂર પકડી જશે, નહીંતર જે અમલદારોથી હાલ અમો છટકયા છીએ તેઓ આવી લાગશે. જે ધર્મશાળામાં અમોએ ઉતારો લીધો છે તે ઘણી દૂર છે અને અમો કદાચ ત્યાં જઈ પણ પહોંચ્યે પણ તેના દરવાજા બંધ હશે તેથી સવાર પડે ત્યાં સુધી કોઈથી અંદર દાખલ થવાને બનશે નહીં. જ્યારે અમો આ રસ્તેથી પસાર થયા ત્યારે અત્રે અમે ગાયન વાજીંત્ર તથા નાચનો અવાજ તથા ઘોઘાટ સાંભળ્યો ત્યારે ધાર્યુ કે આ ઘરના કેટલાક લોકો હજુ સુવા ગયા નથી તે ઉપરથી તમારા ઘરનું બારણું ઠોકવાની છુટ લીધી કે તમને અરજી કર્યે કે સવાર પડે ત્યાં સુધી તમારા મકાનમાં અમને વિસામો લેવા દો. અગરજો તમારી રમુજ અને ગમતમાં ભાગ આપવા લાયક અમને ગણશો તો અમારી તાકાત પ્રમાણે તમારી રમુજને વધારે તાજી રાખવાની અમારેથી બનતી કોશેશ કરીશું. અગરજો એટલા માનને લાયકના તમો અમને ન ગણો તો તમારા મહેલમાં એક રાત સુવાની રજા આપો.’
જાફરનું આ ચાપલુસીભર્યુ ભાષણ સાંભળતી વેળા તેને તથા તેના સોબતીઓને સારી પેઠે તપાસી જોવાની સફીયને તક મળી અને તેઓના પહેરવેશ તથા દેખાવ પરથી જોતા તેણીએ અનુમાન લગાવ્યું કે તે આદમીઓ કંઈ જેવા તેવા નથી.
(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *