સકારાત્મક વિચારો દુનિયા બદલી શકે છે!

શહેરમાં એક વ્યક્તિ નોકરી કરતો હતો. એ શહેરમાં જ તેમનું ઘર હતું પોતાના પરિવાર સાથે તે રહેતો હતો. આ માણસ કાયમ પોતાના વિચારોથી પરેશાન રહેતો. તેને લાગતું કે ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે, આખા પરિવારને મારે જ નિભાવવો પડે છે, બધાનું પેટ ભરવાની પણ મારી જ જવાબદારી અને કાયમ મહેમાનો આવે તેને પણ સાચવવાના!
આવા વિચારોથી તે બહુ દુ:ખી રહેતો. તેનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. ઘરમાં બાળકોને તે વારેવારે ખીજાતો. તેની પત્ની સાથે પણ તે ઘણીવાર ઝઘડી પડતો. તેને આ જીવન જ જાણે ભારરૂપ લાગવા માંડ્યું હતું!
એક દિવસ તે કામધંધેથી ઘરે આવીને, જમી પરવારીને બેઠો હતો એવામાં તેનો નાનકડો પુત્ર હાથમાં નોટબુક અને પેન લઈને આવ્યો. તેણે કહ્યું, પપ્પા, હોમવર્ક કરી આપો ને! પુત્રની આ માંગણીથી એ માણસ બરોબરને ખીજાયો. તેણે છોકરાને ધમકાવી નાખ્યો. છોકરો જતો રહ્યો. થોડીવાર પછી તેનો ગુસ્સો શાંત થયો. એ અંદરના રૂમમાં ગયો. જોયું તો પથારીમાં એની પત્ની પાસે છોકરો સૂઈ ગયો હતો. એના માથે ઉઘાડી નોટબુક પડી હતી. તેણે નોટબુક ઉઠાવી જોઈ.
અંદર પ્રશ્ર્ન હતો, એવું શું છે જે શરૂઆતમાં તો તમને કડવું લાગે છે પણ જે ખરેખર મીઠું હોય છે. આ પ્રશ્ર્નના જવાબમાં છોકરાએ શું લખ્યું છે તે જોવાનું તે માણસને કૂતુહલ જાગ્યું. પ્રશ્ર્નના જવાબમાં તેના છોકરા લખ્યું હતું કે બિમારી વખતે પીવાની દવાઓ મને ગમતી નથી, કેમ કે તે કડવી હોય છે. છતાં હું પી જાઉં છું. કારણ કે, તે બિમારી દૂર કરે છે.
પરિક્ષા મને પસંદ નથી. કારણ કે, ત્યારે ઘણુંબધું વાંચવું-લખવું પડે છે. પણ હું મહેનત કરી લઉં છું, કેમ કે તે પછી તો લાંબું વેકેશન મળવાનું છે!
સવારના પહોરમાં વાગતા અલાર્મનો અવાજ મને ગમતો નથી. પણ તેના લીધે જ હું સ્કૂલે સમયસર પહોંચી શકું છું. મારા પપ્પા મને ખીજાય છે. શરૂઆતમાં તો મને ખરાબ લાગે છે પણ બાદમાં તેઓ જ મને રમકડાં લાવી આપે છે, મારા માટે સ્વાદિષ્ટ જમવાનું લાવે છે અને મને ફરવા પણ લઈ જાય છે. હું ઈશ્વરનો ખુબ ખુબ આભાર માનું છું કે, મને પપ્પા આપ્યા, મારા મિત્ર રાકેશને તો પપ્પા જ નથી!
એ વ્યક્તિએ પોતાના દીકરાનું આ હોમવર્ક વાંચ્યું. એનાં હૃદયમાં આ લખાણે ઊંડી અસર પહોંચાડી. છેલ્લા ફકરાએ તો એની આંખો ખોલી નાખી. તે મનમાં ગણગણ્યો મારા કરતા તો મારો દીકરો વધારે સમજદાર છે!
પછી નવેસરથી તેણે વિચાર્યું, હું આખું ઘર સંભાળું છું. ઘરની બધી જવાબદારી મારા માથે છે. આનો મતલબ મારે ઘર છે! મારા પરિવારનું હું ભરણપોષણ કરૂં છું. હું ખુશનસીબ છું કે મારે પરિવાર છે!
મારે ઘરે મહેમાન આવે છે. એનો મતલબ એ થયો કે, સમાજમાં મારી પ્રતિષ્ઠા છે, ઇજ્જત છે.
હે પ્રભુ! તારો ખુબ ખુબ આભાર મને જવાબદારીભર્યું પણ સુખી જીવન આપવા માટે. જે બિચારા પાસે કશું જ નથી તેઓ કરતા તો મારી જિંદગી ક્યાંય સારી છે!
હવે તેના વિચારો સકારાત્મક હતા. એ માણસ ખુશ હતો. પહેલા તે દુ:ખી હતો પણ બહાર તો બધું હતું એમ જ હતું. હવે તે સુખી હતો પણ બહાર તો બધું હતું એમ જ હતું. ખોબા જેવડા મગજમાં ઊંધે પાટે ફરી રહેલી એની વિચારધારાએ ખાલી ટ્રેક બદલ્યો અને એનું જીવન બદલી ગયું!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *