ચાલ જીવી લઈએ!

થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા પર ટોપી હાથમાં એન્ટીક સ્ટીક. બેઉ ખભાને સહારે પાછળ પીઠ પર કોલેજીયન જેવો થેલો, પગમાં કેનવાસના સપોર્ટ શૂઝ, જોઈને જ લાગતું હતું બાવાજી પણ મારી જેમ દર્શન કરવાજ આવ્યા હશે.
બાવાજી ક્યાં જવું છે તમારે? તેઓનો પારસી દેખાવ જોઈ તેમને પુછયું.
મારા વાતચીતના ઢંગ પરથી તેવણ પણ સમજી ગયા કે હું પણ પારસીજ છું, મને કહે ભાઈ, ટ્રેનનો તો પાસ જ કઢાવેલો છે. જે પણ ટ્રેન આવશે એમાં જો બેસવાની વ્યવસ્થિત જગ્યા મળે તો ચડી જઈશ.
ને પછી?
પછી બસ.. ફરવાનું. મનમાં આવશે તે સ્ટોપ પર ઉતરી જઈશ.
બાવાજી, આમ સાવ એકલા..? ડર નથી લાગતો? કોઈકને સાથે રાખવા જોઈએ ને?
બેટા, જે થવાનું હશે તે થઈને જ રહેશે. થોડા વર્ષો પહેલા મારી ધણીયાણી બીમાર પડી હતી. તેની છેલ્લી ઘડીઓમાં હું, મારો દીકરો અને ડોકટર હાજર હતા. ગભરાટની મારી, તેણે મારો હાથ કસીને પકડી રાખ્યો હતો, પણ તોય હું તેને બચાવી ન શક્યો. ઉંમર થઈ તેવા ડર સાથે અમે બેઉ બહાર નીકળવાનું ટાળતા જ રહ્યા હતા. પણ પછી, તેનું આવું જોઈને, તેના ગયા પછી મેં હિંમત કેળવી લીધી, અને ફરવાનું શરૂ કર્યું, મનને કઠણ કર્યું, ફાવે ત્યાં જાઉં, લોકો સાથે વાતો કરતો રહું, ને એવું બધું. દિવસ આખો જે જોયું હોય તે સાંજે ઘેર જઇને દીકરાને બધું કહું છું.
ભેગું આધાર-કાર્ડ રાખ્યું છે. ડોકટરનો મોબાઈલ નંબર, દીકરાનો ફોન નંબર, આ ફોનમાં સહુથી આગળના સ્ક્રીન પર સેવ કરીને રાખ્યા છે. જરૂરી દવા, ગણ્યાગાંઠ્યા પૈસા, ઉપરાંત મેડીકલેમની પોલિસી વગેરે આ થેલામાં ભેગું જ હોય. તો લઈને બધું, હું ફરતો જ રહુ છું. મન થાય ત્યાં બેસીને કે ઉભા રહીને ખાઈ લઉં છું, કે ભેગું લઈ લઉં છું. ક્યાંક વિસામો ખાવા મુકામ કરવાનું મન થાય ત્યાં મુકામ કરી લઉં છું. ને દીકરાને તે જગ્યાનું ફોન કરી કહી દઉં છું. ખૂબ એકલું એકલું લાગે તો કોઈક વૃદ્ધાશ્રમમાં જાઉં, ભેગું સરસ એવું ખાણું પાર્સલ બંધાવી લઉં ને ત્યાં તે લોકો ભેગો બેસીને ખાઉં. તેઓની સાથે વાતચીત કરૂ.
ખુશી વહેંચી જીવવા માટેનો નવો પ્રાણવાયુ એકઠો કરી લઉં. કોઇકવાર નાનપણની યાદ આવે તો અનાથાશ્રમ છે એક, ત્યાં ચાલ્યો જાઉં નાસ્તો, રમકડાં વગેરેની સાથે, ને પ્રફુલ્લ ચિત્તે તેઓ સાથે રમીને સમય પસાર કરૂં. કોઇકવાર રસ્તામાં અગિયારી દેખાય તો ત્યાં..કે કોઈ આર્ટ ગેલેરીમાં, કે પછી સારું સિનેમા..કે જેનો રીવ્યુ વાંચીને ગમ્યો હોય તે. આ બધાથી ઘરવાળા મારાથી કંટાળતા નથી ને હુંય આનંદમાં રહી શકું છું.
ત્યાં જ એક ટ્રેન આવી અને વાત અધૂરી રહી કારણ બાવાજી તેમાં ચડી ગયા અને વિન્ડો સીટ પર બેસીને મને બાય કર્યું.
તેમનો મોબાઈલ નંબર લેવાનું પછી યાદ આવ્યું, પણ મોડું થઈ ગયું. ટ્રેન બસ નીકળી ગઈ હતી અને વીસલ વગાડતી હતી જાણે મને કહેતી હોય ચાલ જીવી લઈએ!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *