શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો છે. કાબુલનો પાદશાહ જાબુલના પાદશાહ જાલ આગળ આવજા કરે છે અને તે તમોને એમ કવખતે બહાર જતાં જાણશે તો ઠાર કરશે.

પેલી બાંદીઓ રોદાબે આગળ ગઈ અને તેણી આગળ જાલ તરફથી ભેટ સોગાદો રજૂ કરીને જાલના દેખાવની તેની અદબ અદાની તેના દરજ્જાની અને તેના કદ અને ચહેરાની ઘણી તારીફ કીધી. તેઓએ કહ્યું કે ‘તેની ફકત એક ખામી તેના સફેદ બાલ છે, પણ તે ખામી પણ જાણે ખુબસુરતી છે. અમોએ તેને તુંને જોવા માટેનો માર્ગ દેખાડયો છે, માટે હવે તું તેને મળવા માટે તૈયાર થા.’

રોદાબેએ જાલને આવકાર દેવા માટે પોતાના મહેલમાં સઘળી તૈયારી કીધી અને પોતે પણ સોલે-સિંગાર કરી તૈયાર થઈ અને એક બાંદીને જાલને તેડવા મોકલી.

રાત પડતા જાલ રોદાબેના મહેલ ભણી જવા નીકળ્યો. પેલી બાજુએ જેમ સીધ્ધાં સર્વના ઝાડ ઉપર મહાતાબ પ્રકાશે, તેમ મહેલની બારીએ રોદાબે આવી ઉભી. જાલને દૂરથી આવતો જોઈ તેણીએ પોતાના હોઠ ખોલ્યા અને તેને આવકાર દીધો કે ‘ઓ ભલા બહાદુર મર્દ! તું ભલે આવ્યો. તારી ઉપર ખોદાતાલાની આફ્રિન હોજો. આ ફરતું આસમાન તારી ઉપર જમીન માફક (ફરમાન બરદાર) હોજો. તું ભલો ખુશ દિલનો અને ખુશાલ હોજો.’ જાલેજરે જવાબ દીધો કે ‘ઓ મહાતાબ જેવા ચહેરાની બાનુ! મારાથી તારી ઉપર દુઆ અને આસમાનથી તારી ઉપર આફ્રિન હોજો. કેટલી બધી વખત રાત્રે ઉત્તર તરફના સિતારા તરફ નજર કરી પાક યઝદાન આગળ પોકાર કરી મે દુવા ગુજારી છે કે તે જહાનનો સાહેબ મને તારો ચહેરો દેખાડે. હવે હું તારા અવાજથી તારા નાજ સાથેના આ શિરીન શબ્દોથી ખુશી થયો છું. હવે (ઉપર એવી) તું ને મલવાનો એક ઈલાજ શોધ, કારણ તું મહેલની સફીલ ઉપર રહે અને હું નીચે રસ્તામાં રહું, તે શું કામનું?’

આ શબ્દો સાંભળતા તે ગુલનાર બાનુએ પોતાના સર ઉપરથી પોતાના બાલ છોડયા. પોતાના લાંબા બાલની તેણીએ કમન્દ બનાવી એવી રીતે કે કોઈ કસ્તુરીની પણ એવી કમન્દ બનાવે નહીં. તે બાલને વાંક ઉપર વાંક આપી અને સાંપ માફક ગુચ પર ગુચ આપી અને વળાંક ઉપર વળાંક આપી પછી મહેલની સફીલ ઉપરથી તે બાલને નીચે ઉતર્યા તે એવી રીતે કે તે જોઈને જાલે મનમાં કહ્યું કે ‘ખરેખર આ એક બરાબર કમન્દ છે.’ પછી મહેલની સફીલ ઉપરથી રોદાબેએ અવાજ આપ્યો કે ‘ઓ નેકબખ્ત પહેલવાનના દલેર પહેલવાન બેટા! હવે સેતાબ કર, તારી કમર કશ, એક સિંહ મિસાલ તારી છાતી અને કેઆની હાથ ખોલ, મારા સિંહા બાલ એક છેડેથી પકડ, તારે માટે આ સઘળા બાલ છે.’

જાલે તે મહાતાબ જેવા ચહેરાની બાનુ ઉપર નજર કરી અને તેણીના આવા શબ્દોથી અજબ થઈ ગયો. તેણે તેણીના આ કસ્તુરી મિસાલના બાલની કમન્દ ઉપર બોસા લીધા અને રોદાબેએ તે બોસાનો અવાજ સાંભળ્યો. પછી જાલેજરે જવાબ દીધો કે ‘એ બરાબર નથી. એવો કોઈ દહાડે ખોરશેદ રોશન ના થતો, કે હું બેવકુફીભરી રીતે તારા જાનને નુકસાન થાય તેમ હાથ લંબાઉ, યા મહોબતથી જખ્મી થયેલા તારા દિલને હું વધુ જખ્મી કરૂં.

(ક્રમશ)

 

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30 April – 06 May 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા પાંચ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તમારા મગજને ખુબ તપાવશે. તમારે નહીં કરવાના કામો કરશો. 5મીથી શરૂ થતી ચંદ્રની દિનદશા પચાસ દિવસમાં તમારા મગજને શાંત કરી બગડેલા કામો સુધારી નાખશે. 5મી સુધી કોઈને કોઈ પ્રોમીશ આપતા…

  • |

    નવરોઝ મુબારક!

    આપણે 2020ના નવરોઝ સપ્તાહને આવકારીએ છીએ, આપણેે પારસીઓ હજુ પણ ચોક્કસપણે ભારતના સૌથી રંગીન અને સૌથી ઝડપી તરીકે રેટ કરીએ છીએ. ઘટતો સમુદાય; આપણો સાંસ્કૃતિક વારસો, વંશીયતા, ગતિશીલતા – આ બધું જ ઝડપથી નિકટવર્તી જોખમમાં છે, આપણી સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તે દિવસોમાં જ્યારે નવરોઝની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે ઈરાનીઓ એકરૂપ…

  • જીમી મિસ્ત્રીએ ‘ડેલા લીડર્સ ક્લબ’ શરૂ કર્યું – વિશ્ર્વનું પ્રથમ તકનીકી-સક્ષમ વ્યાપાર પ્લેટફોર્મ

    સમુદાયના મુંબઈ સ્થિત અગ્રણી બિઝનેસ વિઝનરી, તેમજ સંશોધક, ડિઝાઇન વિચારક અને સામાજિક ઉદ્યોગસાહસિક-જીમી મિસ્ત્રીએ તાજેતરમાં જ ડેલા લીડર્સ ક્લબ (ડીએલસી) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી-વિશ્વનું પ્રથમ ટેકનોલોજી-સક્ષમ વૈશ્વિક બિઝનેસ પ્લેટફોર્મ, જે ગતિશીલ અને વૈશ્વિક સ્તરે તમામ ઉદ્યોગ લીડરો માટે નક્કર સપોર્ટ સિસ્ટમ બન્યું આગામી થોડા અઠવાડિયામાં તેના પ્રથમ રાઉન્ડમાં, ડેલા લીડર્સ ક્લબનો આશરે રૂ 52…

  • શિરીન

     ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’ ‘ત્યારે કેવી રીતે, ફિલ?’ ‘મારી વાઈફ તરીકે.’ ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં. જો તે જ તક…

  • શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી

    માનવતા પર પડેલા દુષ્પ્રભાવવને હટાવવા 26મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉદવાડાના નવ પરિવારો શહેનશાહી અથોરનાન અંજુમનના નેજા હેઠળ શાહેનની બાજની ઉજવણી કરવામાં આવી. ઉદવાડા ડુંગરવાડી પર એરવદ કોબાદ ભરડા દ્વારા સવારે 9.40 કલાકે બાજની ક્રિયા કરવામાં આવી હતી તેની સાથે ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર તથા બીજા દસ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી…

  • દીકરી અને પુત્રવધુનો તફાવત!

    હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે…