જીવન એક સંઘર્ષ

એક ખુબજ ગરીબ ગામડામાં રેણુકાનો જન્મ થયો હતો. મા-બાપ મજૂરી કરી બે ટંકનું જમવાનું મેળવતા હતા. કોઈ દિવસ કામ ન મળે તો ભુખ્યા પેટે પણ સુવું પડે. આવી કારમી ગરીબાઈમાં રેણુકા ધીમે ધીમે મોટી થવા માંડી અને માતાપિતાએ એને પણ મજૂરીમાં રોકી લીધી. રેણુકાને શાળાએ જવું હતું ખૂબ ભણવું હતું, સારા કપડા પહેરવા હતા, પેટ ભરીને જમવા જોઈતું હતું. પણ આવી દારૂણ ગરીબીમાં માને ટીબીનો રોગ થયો. મ્યુનીસિપાલીટી હોસ્પિટલમાં એના રોગનો ઈલાજ તો થયો પણ આવા રોગમાં જોઈતો આરામ અને ખોરાક મળી ન શકયા એટલે મા ઝાઝુ જીવી ન શકી.

માના મરણ પછી બાપને દારૂની લત લાગી એની આવતી મજૂરીના  બધા પૈસા દારૂમાં વપરાઈ જતા. રેણુકાની મજૂરીમાંથી બે વાર રોજ અર્ધા પેટ જ ખાવાનું મળતું. બાપ દારૂ પીને આવે ને ઘરમાં ખાવાનું ન મળે હવે તો તેણે રેણુકાને મારવાનું પણ શરૂ કર્યુ હતું. આમને આમ રેણુકા બાર વર્ષની થઈ ગઈ. અને એના બાપે એની ન્યાતમાં આછું પાતળું ઘર જોઈ એને પરણાવી દીધી. પણ એ કશો કરિયાવર ન લાવી હતી એટલે રોજ ઘરમાં એને સાસુના મેણા-તોણા સાંભળતા પડતા હતા. એ ઘરનું કામ પતાવી બીજાના ઘરના પોતા-વાસણ પણ કરવા જતી.

એ તેર વર્ષની થઈ ત્યાં તો એ ગર્ભવતી પણ બની અને એને દીકરી જન્મે તે પહેલા જ તેનો વર એકિસડન્ટમાં મરણ પામ્યો અને આ પછી ઘરમાં જેઠ તેને સતાવતો અને કામ કરવા જતી ત્યાં પુરૂષોના ચેનચાળાથી બચતા રહેવું પડતું તેની દીકરી પાંચ વર્ષની થઈ ત્યા એની સાસુને એટેક આવતા તે પણ મરણ પામી. હવે જેઠે કહ્યું કે, ‘તું જ મારી મા અને ભાઈ ને ખાઈ ગઈ હવે તું આ ઘરમાં નહીં રહી શકે, અહીંથી હમણા ને હમણા જ નીકળી જા.’ તે બીજી સવારે તેની દીકરીને લઈ ત્યાંથી નીકળી ગઈ. સવારથી ચાલવાનું શરૂ કર્યુ તે બપોરના એક ગામમાં જઈ પહોંચી તે અને તેની દીકરી ઘણાજ થાકી ગયા હતા. રસ્તામાં તેને આધેડ વયનો પુરૂષ મળ્યો, મા અને દીકરીની હાલત જોઈ તેણે પૂછયું મારા ઘરમાં કામ કરશે છોકરી? ત્યારે રેણુકાને તો જાણે ભગવાન મળ્યા હોય તેવું લાગ્યું એણે ઝટ જવાબ આપ્યો ‘હા શેઠજી જરૂર કરીશ.’

તો ચાલી આવ મારી પાછળ પાછળ રેણુકા શેઠને ત્યાં ગઈ જતાજ એણે શેઠને કહ્યું મને કંઈ ખાવાનું મળશે. શેઠે કહ્યું રસોડામાં સવારનું દાળ ભાત અને ભાખરી છે તે જમી લો. અને ઘરમાં હું એકલો જ રહુ છું. એટલે ઘરનું બધું જ કામ તારે કરવાનું રહેશે. અને પાછલે દરવાજેના ઓટલા પણ તમે તમારૂં રહેવાનું રાખજો. આમ રેણુકા તે ઘરમાં ગોઠવાઈ ગઈ. આમને આમ પાંચ વર્ષ વીતી ગયા. રેણુકાની દીકરી હવે દસ વર્ષની થઈ ગઈ હતી. શેઠે તેને શાળામાં ભણવા પણ મૂકી હતી. પણ હવે શેઠની નજર તેના પર બગડી હતી. રેણુકાને તે સમજમાં આવ્યું હતું. બાજુના ઘરમાં જ એક સ્ત્રી સાથે તેની ઓળખાણ થઈ હતી. તે સ્ત્રી મુંબઈમાં એક હોસ્પિટલમાં આયાની નોકરી કરતી હતી. તેની માની તબિયત સારી નહી હોવાથી તે તેને જોવા ગામ આવી હતી. રેણુકા અને તેની દોસ્તી બંધાઈ હતી અને તેણે રેણુકાને મુંબઈ આવી હોસ્પિટલમાં આયાની નોકરી મળી શકે તેમ જણાવ્યું હતું. રેણુકા રાતના પોતાની દીકરીને લઈને કોઈને કહેવા વગર ત્યાંથી નીકળી મુંબઈ સુધી આવી પહોંચી. ત્યાંથી તેને આપેલા હોસ્પિટલના સરનામે પહોંચી  અને તેને મળી. તેની મૈત્રીણના લીધે તેને તે હોસ્પિટલમાં આયાની નોકરી તથા રહેવા નાની રૂમ પણ મળી ગઈ. હવે તેને કોઈ ટેન્શન નહોતું તેણે પોતાની દીકરીને ખૂબ ભણાવી એમએ કરાવી એક સારી ફર્મમાં તે નોકરીએ  લાગી. રેણુકા હવે તેના જીવનમાં ખૂબ જ ખુશ હતી. ત્યાંજ તેને એક દિવસ હોસ્પિટલમાં તેને તેનો જેઠ મળી આવ્યો અને તેને કહ્યું કે તેનો બાપ એક વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તે લાવારસ હોવાને લીધે તેના કોઈ કર્મકાંડ થયા નહોતા. રેણુકાને લાગી આવ્યું તે ગમે તેવો હતો પણ પોતાનો બાપ હતો. હું તેને ખાતર એટલું તો કરી જ શકું છું મારા બાપના ભટકતા આત્માને શાંતિ મળતી હોય તો હું જરૂર કરીશ. આભાર તારો ભગવાન કે બાપ માટે આટલું કરવાની તે મને તક આપી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *