અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

આવા નિમકહરામ પાદશાહને સારો કીધો તેથી તે પસ્તાવો કરવા લાગ્યો. પણ આ અગિયારમેં કલાકે કીધેલો પશ્ર્ચાતાપ તેને કાંઈ કામ લાગ્યો નહી. તેની કાકલુદી ઉપર પાદશાહેએ કોઈ ધ્યાન આપ્યું નહીં. હકીમે ફરીથી કહ્યું કે “ઓ નામદાર શાહ! મેં તારૂં જબુનમાં જબુન દર્દ સારૂ કીધું તેનો બદલો તું આવી રીતે આપે છે કે?” તે રાજાએ તે અમલદારને બીજી વાર ફરમાવ્યું કે “હવે તું જોયા શું કરે છે? તું મારૂં ફરમાવેલું કામ શીતાબીથી બજા લાવ!”

તે હકીમે રાજાને છેલ્લી વાર જીવપર આવી કહ્યું કે “સાહેબ! અગરજો તું મને જીવતદાન બક્ષીશ કરશે તો ખોદા તારી જીંદગી બરકરાર રાખશે! પણ તું જો મને મારી નાખશે તો ખોદા તને સલામત રાખશે એવી ઉમેદ તું રાખતો ના.”

પેલા માછીએ પોતાની વાર્તા અત્રે અટકાવી પેલા જીનને કહ્યું કે “તું જો! કે જે પ્રમાણે યુનાની પાદશાહ તથા દુબાન હકીમ વચ્ચે બન્યું છે તેજ રીતે તારી તથા મારી વચ્ચે થયું છે.”

તો પણ તે યુનાની શાહે તે હકીમની કાકલુદી જે તેને ખોદાના નામને ખાતર છેલ્લીવાર કીધી હતી તે ઉપર પણ ધ્યાન નહીંજ આપ્યું અને કહ્યું કે, “નહી તને મરવું જોઈએ છે નહીંતર જે ભેદ ભરેલી રીતે તેં મારી જીંદગીનો બચાવ કીધો છે તેથી વધારે છુપી રીતે તું મારો પ્રાણ લીધા વિના રહેનાર નથી.”

દુબાન હકીમે પોતે જે નાદર નોકરી બજાવી તેનો આવો ભુંડી રીતે બદલો મળતો જોઈ તે ઝાર ઝાર રડવા લાગ્યો અને અંતે તે મોતને આધિન થયો. જલ્લાદે તેની આંખે પાટા બાંધ્યા તથા તેના હાથ પણ બાંધ્યા અને તરવાર ખેંચી કાઢવાની તૈયારીમાં હતો, એટલામાં પાદશાહની દરબાર મધે જેઓ હાજર હતા તેઓ હકીમ ઉપર દયા કરવા લાગ્યા અને શાહને કહેવા લાગ્યા કે “ઓ નામદાર શાહ! હકીમને તું માફ કર! તે બિલકુલ નિર્દોષ છે અને તે વિષે અમો તેના જવાબદાર છીએ.” પણ શાહે પોતાની હઠ છોડી નહી અને તે દરબારીઓ સાથે એટલો તો ગુસ્સે થઈ બોલ્યો કે તેઓને ચુપકીદી અખત્યાર કરવાની ફરજ પડી.

હકીમ ગુડણમંડયે બેઠો હતો. તેની આંખે પાટા બાંધેલા હતા અને હાથે જંજીર પહેરાવેલી હતી. તેને મારી નાખવાને માટે જલ્લાદે તરવાર ખેંચેલી હતી.

આ હાલતમાં દુબાન હકીમે શાહને એક વાર ફરીથી કહ્યું કે, “ઓ પાદશહ! તમે નામદારે મને મારી નાખવાને જે હુકમ આપ્યો છે તે જ્યારે તમો પાછો ફેરવતા નથી તો ખેર! પણ હું વિનન્તિ કરી કહુંં છું કે મને થોડો વાર મારે ઘર જવાની રજા આપો કે મારી મૈયતની  ક્રિયાની ગોઠવણ કરૂં, મારા કુટુંબને છેલ્લી વાર ભેટી આવું, કાંઈ ધર્મ દાન કરૂં, અને જે લોકો કેતાબખાનાનો સારો ઉપયોગ કરી શકે એવા હોય તે લોકોને મારી કેતાબો વારસા તરીકે આપી જાવું.

” તે કેતાબમાં એક કેતાબ છે જે તમો નાદાર પાદશાહને હું આપી જવા ઈચ્છું છું. તે એક અમૂલ્ય અને ચમત્કારીક પુસ્તક છે, અને તમારા પુસ્તકખાનામાં ઘણોજ સંભાળથી રાખવા લાયક છે.” તે પાદશાહે પુછ્યું કે “તે કેતાબ એવી તે શું અમૂલ્ય છે કે જેને આટલી મોટી શિફારસથી તું મારા બાદશાહી કેતાબખાનામાં રાખવા લાયક ગણે છે?”

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *