લગ્નનાં અમુક વરસોબાદ વેલેન્ટાઈન ખોવાઈ જાય તો શોધવાની જવાબદારી બન્નેની

પતિ-પત્ની એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે એ યુગલોની સંખ્યા કરતા પતિ-પત્ની ન હોય અને એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે અથવા કહેવા માંગતા હોય એવા યુગલોની સંખ્યા કાયમ મોટી હોય છે. લગ્ન પહેલા જેઓ પ્રેમી હતા અને જેમના લગ્ન પણ પ્રેમલગ્ન છે તેવા યુગલો અને અરેન્જડ મેરેજ કરનારા યુગલો પણ લગ્નનાં અમુક વરસો બાદ વેલેન્ટાઈન ડે ને માત્ર એક ફોર્માલિટીની જેમ અથવા પ્રેમ હોવાનો ભ્રમ જાળવી રાખવા હોટેલમાં જમવા જઈને કે એકાદ ફિલ્મ જોઈને ઉજવી લે છે. ઘણા તો એ પણ કરતા નથી. તેમની દ્રષ્ટિએ હવે પ્રેમની અભિવ્યક્તિની શું જરૂર છે? પ્રેમ તો જાણે લગ્ન કરવાનું મિશન ને સ્ટેશન હોય એ રીતે લગ્ન કરવાનું જાણે મિશન પૂરૂં કે સ્ટેશન આવી ગયું હોય એમ ગાયબ થવા લાગે છે. હા, તે ગાયબ ધીમે ધીમે થાય છે. તેથી ઘણાં વરસો સુધી તો ખબર પણ પડતી નથી કે પ્રેમ છે કે ગયો? અલબત્ત પ્રેમના નામે વ્યવહારો રિવાજો, પ્રથા ફરજો કર્તવ્ય વગેરે હોલસેલમાં ચાલે છે. એ જ પ્રેમિકા હોય છે જેને વેલેન્ટાઈન ડેની શું સરપ્રાઈઝ આપવી? શું ગિફટ આપવી, કેવા અક્ષરોમાં તેનું નામ લખવું કેવું કાર્ડ તેને માટે ખરીદવું? કેટલાય તરંગો, ઉમંગો અને રોમાંચ સાથે બધું વિચારાયું હોય છે તેને શું લાગશે? તેને શું ગમશે? જેવા કેટલાય વિચારો થતા હોય છે. એજ પ્રેમિકા હવે પત્ની થઈને ઘરમાં બેઠી છે એક કે બે સંતાનની માતા બની ગઈ છે તો શું પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિની તેને જરૂર નથી? કે પછી હવે તેને યુ આર માય વેલેન્ટાઈન કહેવાનો ઉત્સાહ જ રહેતો નથી? વાત માત્ર એક પક્ષની નથી બન્ને પક્ષે આ લાગુ પડે છે. એમ કહેવા નથી માંગતા કે વેલેન્ટાઈન ડે ઉજવવાથી કે યુ આર માઈન વેલેન્ટાઈન કહેવાથી જ પ્રેમ સાબિત થાય છે. અથવા પ્રેમ માટે અભિવ્યક્તિનું આ જ એક માધ્યમ છે. વેલેન્ટાઈન ડે વિના પણ ભરપૂર પ્રેમ થઈ શકે અને પ્રેમની અભિવ્યક્તિન પણ અલબત્ત સત્ય એ છે કે પ્રેમ મહેસૂસ કરવાનો વિષય છે. તેમ છતાં તેને કયારેક શબ્દોની પણ જરૂર પડે છે એટલે જ તેની અભિવ્યક્તિ આવશ્યક બને છે. પતિ-પત્ની એકબીજાને વેલેન્ટાઈન કહીને કે તેને ઉજવીને ભલે ન ચાલતા હોય છતાં વાસ્તવિક જીવનમાં તેઓ એકબીજાની કાળજી રાખીને વેલેન્ટાઈનને ખરા અર્થમાં જીવતાં હોય એવું બની શકે છે. આવા કિસ્સાઓ પણ અનેક હશેજ. કોઈના વેલેન્ટાઈન બન્યા કે કોઈને બનાવ્યા બાદ તેને સદા જાળવવાની જવાબદારી બન્ને છે, જો આમ ન થતું હોય તો તેની શરૂઆત કયારે પણ થઈ શકે છે. આ દિવસે વરસો પહેલાના એ પ્રેમના દિવસો યાદ કરીને પણ પતિ-પત્ની કે બે મળેલા જીવ વેલેન્ટાઈનસ ડે માણી શકે છે. વેલેન્ટાઈન ડે એક રિમાઈન્ડર કોલ માત્ર છે જે આપણી ભીતર નિદ્રાવસ્થામાં પહોંચી ગયેલા પ્રેમને ઢંઢોળીને જગાડે છે. અલબત્ત માત્ર વેલેન્ટાઈન કહેવા કરતાં વેલેન્ટાઈન (બન્ને પક્ષે) બની રહેવું ખરૂં મહત્વનું છે ને જો એમ થઈ શકે તો લાઈફ બ્યુટીફુલ બની રહે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *