માતા પિતાનું સન્માન કરો!!

ખૂબ જ હોંશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારનાં સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતાં. એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે?
દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પણ આવી જાય! નવાઈ નહીં. બાપ તો આ સાંભળીને, ખૂબ જ ખુશ થયો થોડી વાર પછી એ યુવકે, ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણાં શો રૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો?
બાપે હા પાડી. એનાં માટે તો, આવી કારની ખરીદી એ રમત વાત હતી. પેલો યુવક તો ખૂબ રાજી રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એનાં માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. રોજ કોલેજથી આવતાં જતાં એ પેલા શો-રૂમ પાસે ઊભો રહીને હોન્ડા-સ્પોર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો. થોડાં દિવસોમાં જ આ કારનાં સ્ટિયરિંગ ઉપર પોતાની આંગળીઓ ફરતી હશે, એ વિચારમાત્ર જ એને રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબજ સરસ રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે, એવી જાણ થતાં જ એણે કોલેજ ઉપરથી જ પોતાનાં પિતાને ફોન કરી દીધો અને પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી.
જેવો એ ઘરે પહોંચ્યો કે તુરંત કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે, તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે, શેઠ સાહેબ એમનાં રૂમમાં એના આવવાની જ રાહ જુએ છે.
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. પિતાજી જાણે એનાં આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એનાં આવતાં જ તેમણે ઊભાં થઈને પુત્રને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવાં છતાં, બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવા વાળાં દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા આમ જ આગળ વધતો રહે એવાં મારાં આશીર્વાદ છે. આ લે તારાં માટે મારાં તરફથી ઉત્તમ ભેટ !
એટલું કહી બોક્સ દીકરાનાં હાથમાં આપી તેઓ પોતાનાં કામે જવાં નીકળી ગયાં. પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકાં પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડીને એ થોડીવાર એની સામે જ જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવાં છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં પણ બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડો હાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો, એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોંતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, પૂજ્ય પિતાજી, સ્પોર્ટસ કારને બદલે રામાયણ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે, એમ માનું છું. પણ મારે સ્પોર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ, હવે તમને મોં બતાવીશ. એ જ પ્રણામ. ચિઠ્ઠી રામાયણના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી, એણે લગ્ન પણ કરી લીધાં, વચ્ચે વચ્ચે એને પોતાનાં પ્રેમાળ પિતા યાદ આવી જતાં. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો પણ એને તરત જ દેખાતો, માતાના મૃત્યુ પછી પોતે આટલાં વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માંગી અને અઢળક પૈસો હોવાં છતાં એના પિતાએ કારને બદલે ફિલોસોફી ઝાડવા ફકત રામાયણ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ!! એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણાં વૃદ્ધ પણ થઈ ગયાં હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે આવાં નાના અને વાહિયાત કારણ માટે, આપણે આટલાં બધાં ગુસ્સે થયાં હતાં?
આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાનાં ઘરનો નંબર ઘુમાવ્યો સામાં છેડેથી જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે એનાં ધબકારા ખૂબ જ વધી ગયાં હતાં. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે હેલો કહ્યું!
પણ એને નિરાશા સાંપડી. સામાં છેડે એનાં પિતાજી નહોતાં પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે, શેઠ સાહેબતો અઠવાડિયાં પહેલાં જ અવસાન પામ્યાં. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં, એટલે તમને જાણ શી રીતે કરી શકાય? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતાં હતાં. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવાં બોલાવી લેવા. એટલે તમે આવી જાવ!
પેલાં યુવક ઉપર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એનાં હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછાં જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પોતાનાં પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભાં રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ એ જ રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એનાં પિતાએ લખ્યું હતું: હે ભગવાન! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે. એ યુવકને આજે પોતાનાં પિતાએ લખેલ આ શબ્દો રામાયણનાં શબ્દો જેટલાં જ મહાન લાગ્યાં.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું. એજ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પોર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શો-રૂમનું બિલ હતું. એના ઉપર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની…..!
કંઈ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાનાં પિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું? કારણ એક જ કે, આપણી ધારણાં પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું. બસ એટલું જ!

Similar Posts

  • પારસીઓના નામ કેવી રીતે પડયા?

    હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે….

  • રૂમઝુમ કરતું આવ્યું નવું સાલ!

    એમ તો સમગ્ર વિશ્ર્વમાં નવું વર્ષ અલગ અલગ દિવસોએ ઉજવવામાં આવે છે અને ભારતના વિવિધ ક્ષેત્રોમાં પણ નવા વર્ષની શરૂઆત અલગ અલગ રીતે ઉજવાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર અનુસાર 1લી જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થાય છે કારણ કે 31મી ડિસેમ્બરે એક વર્ષનો અંત પછી 1 જાન્યુઆરીથી નવા અંગ્રેજી કેલેન્ડર વર્ષનો પ્રારંભ થાય છે. તેથી આ…

  • શિરીન

    સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું…

  • Behdin Homa Behdin Jamshed – The Patron Saint of Harassed Souls

    The month of Dae is dedicated to the Supreme Divinity, Ahura Mazda. Throughout this holy month, devout Parsis perform thanks-giving Jasan offering gratitude to Ahura Mazda for His Bounties. It is considered particularly meritorious to perform Jasan on Roj Hormuzd, Daepadar, Daepmeher and Daepdin. During the month of Dae, the Maidhyarem Gambhar is observed from Roj Meher to Roj Behram. There are six Gambhar which in ancient times were observed as six great holidays, with each Gambhar…

  • Zoroastrian Saga Exhibition – A Huge Success

    Frohar Foundation presented the annual exhibition, ‘The Zoroastrian Saga’, at Allbless Baug, Charni Road, Mumbai, from 19th to 21st April, 2018, which was inaugurated by Vada Dasturji of Surat, alongside BPP Trustees Kersi Randeria and Viraf Mehta, Mrs. Anahita Desai and Mr. Dinshaw Mehta. After the ribbon cutting, Er. Dr. Ramiyar Karanjia, escorted the guests…